Home» Opinion» Society & Tradition» Sandhya bordewekar article on vishala museum

વિશાલા મ્યુઝિયમ, અક્ષયપાત્રોનો સંગમ

Sandhya Bordewekar | June 30, 2012, 09:42 AM IST

અમદાવાદ : કોઈ સાત ફૂટનો વ્યાસ અને દોઢ ફૂટ જેટલું ઉંડાણ ધરાવતી ધાતુના સપાટ તળિયાવાળી વિશાળ દેગમાં રાંધી શકે ખરું? આ પ્રશ્નના જવાબમાં અમદાવાદના વાસણા ટોલનાકા પાસે આવેલા “વિશાલા” રેસ્ટોરાં ખાતે વાસણોનું અનોખુ મ્યુઝિયમ બનાવનાર તેમજ પ્રસિદ્ધ આર્કિટેક્ટ અને ઈન્ટિરિયર ડિઝાઈનર સુરેન્દ્ર પટેલ કહે છે કે, “આ દેગનો ઉપયોગ ખરેખર તો શેરડીમાંથી ગોળ બનાવવા માટે થતો હતો.” આપણે જેવા વાસણોના આ મ્યુઝિયમમાં પ્રવેશીએ કે તરત આ વિશાળ દેગ આપણું સ્વાગત કરતી હોય એ રીતે પ્રદર્શિત કરવામાં આવી છે અને તેની સાથે જ ભારતભરમાં પ્રાચીન સમયકાળથી ઉપયોગમાં લેવાતા વિવિધ વાસણો અને રસોઈના વિવિધ ધાતુના બનેલા સાધનોની આકર્ષક અને અદભૂત દુનિયાનો પરિચય થાય છે. આ મ્યુઝિયમનું સંચાલન વિશાલા એન્વાયર્નમેન્ટલ સેન્ટર ફોર હેરિટેજ ઓફ આર્ટ, આર્કિટેક્ચર એન્ડ રિસર્ચ (વિચાર) દ્વારા કરવામાં આવે છે. “વિચાર” મ્યુઝિયમમાં સેંકડો નાની-મોટી વિવિધ ચીજો પ્રદર્શિત કરવામાં આવી છે. વિચાર મ્યુઝિયમને ભારતના પરંપરાગત ગ્રામીણ રહેણાંક વિસ્તારોમાં જોવા મળતા ‘ચોક’માં બનાવવામાં આવ્યુ છે.

 

 

"સુરેન્દ્ર પટેલે ગંભીરતાપૂર્વક પરંપરાગત ગુજરાતી આભા ધરાવતા ગામડાં જેવું રેસ્ટોરાં શરૂ કરવાનું અને તેમાં શુદ્ધ, શાકાહારી અને સ્વાદિષ્ટ ગુજરાતી ભોજન પીરસવામાં આવે એવો વિચાર કર્યો હતો. તેમણે એ માટે એવા પરંપરાગત વાસણોની શોધ શરૂ કરી કે જેમાં એક તો એવા વાસણો હોય કે જેમાં રાંધી શકાય બીજા એવા વાસણો કે જેમનો સામાન્ય રીતે ઉપયોગ રોજિંદી રીતે ન થતો હોય."

આ બધું કઈ રીતે શક્ય બન્યું? આજથી લગભગ ત્રણ દાયકા અગાઉ સુરેન્દ્ર પટેલે ગંભીરતાપૂર્વક પરંપરાગત ગુજરાતી આભા ધરાવતા ગામડાં જેવું રેસ્ટોરાં શરૂ કરવાનું અને તેમાં શુદ્ધ, શાકાહારી અને સ્વાદિષ્ટ ગુજરાતી ભોજન પીરસવામાં આવે એવો વિચાર કર્યો હતો. તેમણે એ માટે એવા પરંપરાગત વાસણોની શોધ શરૂ કરી કે જેમાં એક તો એવા વાસણો હોય કે જેમાં રાંધી શકાય બીજા એવા વાસણો કે જેમનો સામાન્ય રીતે ઉપયોગ રોજિંદી રીતે ન થતો હોય. તેઓને એવા પરંપરાગત વાસણો જોઈતા હતા જે સુશોભનમાં તો વધારો કરે પણ રેસ્ટોરાંની ભવ્યતામાં પણ વધારો કરી શકે. એ માટે થઈને તેઓ ભાવનગર નજીકમાં આવેલા અને ધાતુના વાસણો બનાવવા માટે જાણીતા એક નાના ગામ શિહોરમાં ગયા. ત્યાં પહોંચીને તેમણે જે જોયું તેનાથી તેઓ આશ્ચર્યચક્તિ થઈ ગયા અને સાથે એટલા જ નિરાશ પણ થયા. કારણ કે વાસણ બનાવનારા કારીગરો જૂના વાસણોને ઓગાળીને નવા વાસણો બનાવતા હતા. સુરેન્દ્ર પટેલે કહ્યુ કે, “મેં એ જ સમયે નક્કી કરી લીધું કે હું તાંબા-પીત્તળના વાસણોનું મ્યુઝિયમ બનાવીશ, જેથી તેની અદભૂત ડિઝાઈન, કદ અને તેના પર થયેલી કારીગરીનો ખ્યાલ ભાવિ પેઢીને પણ મળી શકે. મને એ વાતનું આશ્ચર્ય થાય છે કે વધુ કોઈ ટેકનીકલ જાણકારી વિના પણે આપણા પૂર્વજોએ આ વાસણો પર કઈ રીતે ભવ્ય સુંદરતા અને કાર્યક્ષમતાનો સમન્વય કરી શકતા હતા!”

 

એ વખતથી માંડીને છેલ્લા 30 વર્ષોમાં મ્યુઝિયમનું કલેકશન વધતું જ રહ્યું છે, જેમાં રસોઈના વાસણો, સંગ્રહ માટેના વાસણો, અનાજ ભરવાની કોઠીઓ, સ્નાન માટેના વાસણો, ધાતુના વાસણો, કૂકર્સ, સ્ટીમર્સ, કેસરોલ્સ, ચુલા/અંગીઠીઓ, રાંધવા અને પીરસવા માટેના ચમચા-ચમચીઓ, ઘડા અને તવા, ગળણીઓ, કટર્સ, ગ્રાઈન્ડર્સ અને ગ્રેટર્સ, પૂજા-વિધીના વાસણો, સૂડી, ફ્રાઈંગ પેન, વાટકા, કિટલીઓ, બોટલ્સ અને બોકસીસ, પ્લેટ, ગ્લાસ, મસાલા રાખવાના વાસણો, ટિફીન બોક્સ વગેરે સામેલ છે. આ દરેક ચીજ ખુદ એક મૂલ્યવાન રત્ન સમાન છે એમ કહીએ તો અતિશયોક્તિ નહીં ગણાય.

 

આ સંગ્રહ અમુલ્ય, ખૂબ જ ઉત્કૃષ્ટતાથી નિર્મિત અને હકિકતમાં કલા અને કારીગરીના બેજોડ નમૂના સમાન છે. હાલના સમયમાં મ્યુઝિયમમાં માટી અને ટેરાકોટાના વાસણો પણ મૂકવામાં આવ્યા છે, જે વિશાલા રેસ્ટોરાંના કોરિડોરમાં પ્રદર્શિત કરવામાં આવ્યા છે. અહીં ગુજરાતની ગ્રામિણ સંસ્કૃતિને ઉજાગર કરતું એક ઓરડાનું નાનું ઘર બનાવવામાં આવ્યું છે, જેમાં ઘંટી પર અનાજ દળતી ગ્રામિણ મહિલાની પ્રતિમા મૂકવામાં આવી છે. આ ઉપરાંત ગ્રામિણ ઘરમાં જે રોજિંદી વપરાશની ચીજો હોય એ તમામ પ્રદર્શિત કરવામાં આવી છે. જેમાં સાણસી, રોટલી ફેરવવા માટેનો તવેથો અને દાળ અને શાક પીરસવા માટેનો ચમચો વગેરે બધું જ સામેલ છે!

 

રસોઈ સંબંધિત આ સંગ્રહ ઉપરાંત અહીં અન્ય વિવિધતાસભર ચીજવસ્તુઓ પણ પ્રદર્શિત કરવામાં આવી છે. જેમાં મંદિર, દીવા, રમકડાં, દહેજ માટેના બોક્સ, સ્ટર-અપ્સ અને રાઈડીંગ ઉપકરણો તેમજ લેખન માટેના સાધનો સામેલ છે. આ બધી વસ્તુઓ અહીં બનાવેલા “ચોક”માં માટીના લીંપણ દ્વારા બનાવાયેલા એક વરંડામાં મુકવામાં આવેલ છે. મુલાકાતીઓ આ બધી પ્રદર્શનમાં મુકેલી ચીજોને કાચ જેવા કોઈ અવરોધ વિના નિહાળી શકે છે.

 

જેનો સાદો મતલબ એ થયો કે આ તમામ ચીજવસ્તુઓની સાફસફાઈ દરરોજ કરવી પડે છે. કારણ કે અમદાવાદ ગરમ અને સુકુ વાતાવરણ ધરાવતું શહેર છે, ઉનાળામાં તો સાંજના સમયે ધુળની આંધી અવારનવાર ઉડતી જોવા મળે છે ત્યારે પ્રદર્શિત કરાયેલી આવી ચીજોની જાળવણીનું કામ ઘણું કપરૂં બની જાય છે અને છતાં આ કપરૂ કામ સુરેન્દ્રભાઈ પટેલે હાથમાં લીધું છે. તેઓ પોતાના વિચારમાં ખૂબ સ્પષ્ટ છે. તેઓને આ રીતે જ તમામ ચીજો પ્રદર્શિત કરવી જોઈએ એ વધુ યોગ્ય લાગે છે. આ મ્યુઝિયમમાં આવનાર કોઈ પણને ખરેખર એવું પ્રતીત થવું જોઈએ કે તેઓ સાચા અર્થમાં ગ્રામિણ સંસ્કૃતિ, પૌરાણિક ચીજવસ્તુઓને નજીકથી જોઈ શક્યા, તેના વિશે જાણી શક્યા. અહીં કોઈ વ્યક્તિગત માલિકીનું હોય એવું નહીં પણ સર્વથા સૌ કોઈ દ્વારા ઉપયોગમાં લેવાય છે એવી વસ્તુઓનું પ્રદર્શન છે.

 

આ મ્યુઝિયમની બીજી એક ખાસ વિશેષતા છે. જે રીતે આ મ્યુઝિયમમાં દરેક વાસણ અને વસ્તુ જે પ્રેમ અને કાળજીથી મૂકવામાં આવેલ છે, એના પરથી એ ચોક્કસ રીતે સમજાય છે કે આ દરેક વસ્તુ મેળવવા પાછળ ખાસ હકીકત તો જરૂર છૂપાયેલી હશે.

 

"પ્રદર્શનમાં મુકેલી કોઈ પણ ચીજ વિશે વધુ જાણકારી જોઈતી હોય તો મ્યુઝિયમમાં બે ટચ-સ્ક્રીન ડિસ્પ્લે મુકવામાં આવ્યા છે. જેમાં પુષ્કળ ઐતિહાસિક માહિતીઓ આપવામાં આવી છે. જે કોઈ પણ મુલાકાતી સરળતાથી મેળવી શકે છે."

આ મ્યુઝિયમની મુલાકાત લેનાર વ્યક્તિ સુરેન્દ્ર પટેલના આ અભિયાનના જોશ અને તેમના હ્વદયની વિશાળતાને સલામ કરે છે. કારણ કે આ પ્રદર્શન જોયા પછી કોઈપણ વ્યક્તિ પોતાના ઘરમાં પડેલા જૂના વાસણો માટે એક નવો આદર નિર્માણ પામે છે અને તે આ વાસણ કબાડીવાળાને વેચતા પહેલા અટકી જાય છે. હું તો આશા કરૂં છું કે મુલાકાતીઓ તેમના ઘરના જૂના વાસણો આ મ્યુઝિયમને ભેટ આપી દે અને એ રીતે પોતાના કુટુંબના વારસાનો એક ભાગ આ પ્રદર્શનમાં જળવાયેલો જોઈ શકશે. આ મ્યુઝિયમની પોલિસી છે કે લોકો તરફથી ભેટમાં મળેલાં જૂના વાસણોના દાનકર્તાની નોંધ મૂકવામાં આવે છે. દા.ત. આ પ્રદર્શનમાં ગુજરાતના પૂર્વ રાજ્યપાલ બી. કે. નેહરૂ તરફથી ભેટમાં મળેલા પૂજાવિધિમાં વપરાતાં કળશોની આખી એક શ્રૃંખલા તેના દાનકર્તાની નોંધ સાથે તમે જોઈ શકો છો.

 

તમારે અહીં પ્રદર્શનમાં મુકેલી કોઈ પણ ચીજ વિશે વધુ જાણકારી જોઈતી હોય તો મ્યુઝિયમમાં બે ટચ-સ્ક્રીન ડિસ્પ્લે મુકવામાં આવ્યા છે. જેમાં પુષ્કળ ઐતિહાસિક માહિતીઓ આપવામાં આવી છે. જે કોઈ પણ મુલાકાતી સરળતાથી મેળવી શકે છે. “ચોક”ની વચ્ચોવચ ભગવાન શિવનું મંદિર બનાવવામાં આવ્યું છે. કોઈ મુલાકાતી આ મંદિરના પ્રાંગણમાં શાંતિથી બેસી કલાકો સુધી આજુબાજુ ફેલાયેલા વાસણોનું અનોખું પ્રદર્શન જોતા જોતા ધ્યાનમગ્ન થઈ જાય કદાચ એવા વિચાર સાથે કે સમગ્ર વિશ્વને ખવડાવવા માટે બનાવાયેલું આ વિશાળ રસોડું છે. ખરેખર આ તો એક અક્ષયપાત્ર જ છે. અક્ષયપાત્ર એક એવું અદભૂત જાદુઈ વાસણ પાંડવોને ઈશ્વરે આપ્યું હતું જેમાં ભોજન હમેશાં તાજું અને અખૂટ પ્રાપ્ત થતું હતું. એવું લાગે છે કે જાણે આ વિશાલાનું અક્ષયપાત્ર માત્ર પેટની નહીં પણ મનની ભૂખ મટાડવા બનાવવામાં આવ્યું છે.

Sandhya Bordewekar

Sandhya Bordewekar

સંધ્યા બોર્ડેવેકર વડોદરા સ્થિત સ્વતંત્ર કલા લેખક અને ક્યુરેટર છે. તેઓ છેલ્લા ૩૦ વર્ષથી કલા અને સંસ્કૃતિક વિષયો પર લખતા આવ્યા છે

More...

 

(નોંધ – ઉપરોકત વિચારો લેખકના પોતાના છે જીજીએન તેની સાથે સહમત છે એમ માની લેવું નહીં.)

 

Reader's Feedback:

blog comments powered by Disqus

Today Cartoon

GGN Voice
 
Radisson

Opinion Poll

 
અરવિંદ કેજરીવાલ વારાણસીમાં મોદી સામે જીતી શકશે ?
હાં. જીતી જશે 80.38 %
નાં. હારી જશે. 18.99 %
કહીં ન શકાય. 0.64 %