કલા જોડે હંમેશાં આપણો એક દ્રશ્યસંવાદ હોય છે, કલા એક દ્રષ્ટિવિષયક ભાષા છે. આ ભાષામાં રેખાઓ અને રંગો, છબિ અને ઘાટ, પ્રતીક અને ચિહ્નો, કથન અને પૃથક્કરણ, સમય અને વિસ્તાર જેવાં એક કે તેથી વધુ પરિમાણો વગેરે તેના મૂળાક્ષરો છે. કલાકાર આ બધી વ્યાખ્યાઓ તેની શાળામાં શીખે છે અને ખૂબ જ કુશાગ્રતાથી અને રસપ્રદ રીતે તેના આ જ્ઞાનને તેની કૃતિઓમાં ઉતારે છે. એક સામાન્ય વ્યક્તિ કલા સાથેના સતત સંવાદ, સંગ્રહાલયોની મુલાકાત, કળાકારો સાથેનો પરિચય, કલાને લગતાં પુસ્તકો, પ્રદર્શનો, કલાને સમજવા માટે થતાં અભ્યાસો દ્વારા ધીમે ધીમે કલાના વાતાવરણમાં રહી આ ભાષાથી પરિચિત થાય છે.
જે લોકો આ રીતે કલાનાં સંપર્કમાં નથી રહેતા તેઓ કોઈ ચિત્ર કે કૃતિની બાહ્ય સુંદરતાને જ જોઈ શકે છે અથવા તો તેનું મૂલ્યાંકન કરી શકે છે જે ખૂબ જ સ્વાભાવિક અને દેખીતું હોય છે. જેમકે કલા પ્રત્યે નીરસ ભાવ ધરાવનાર વ્યક્તિ કદાચ જંગલમાંથી પસાર થતી એક રેલગાડીનું ચિત્ર સમજી શકે છે, માત્ર પ્રત્યક્ષ ચિત્રને સમજી શકે પણ તે જ વ્યક્તિ કદાચ વાદળોમાં ઊડતી રેલગાડી પાછળનો મર્મ ન સમજી શકે.
હવે તમને પ્રશ્ન થશે કે પ્રતીક એટલે શું? અને દ્રશ્યવિષયક ભાષામાં તેનો વિસ્તારમાં અર્થ શું થશે? હું અહિયા ત્રણ કલાકારોના કામના સંદર્ભમાં તમને સમજાવવાની કોશિશ કરીશ. એસ.એચ.રઝા, જેરામ પટેલ અને કાજલ શાહ.
રઝા જયારે વિદ્યાર્થી હતા તે સમયે તેઓ ખૂબજ ક્ષુબ્ધ અને બેચેન રહેતાં. તેમનું ધ્યાન કેન્દ્રિત કરવા માટે તેમના શિક્ષકે બ્લેકબોર્ડ ઉપર એક બિંદુ બનાવ્યું અને તેના પર ધ્યાન કેન્દ્રિત કરવા કહ્યું..! થોડાં વર્ષો પછી જયારે તેઓ પોતાના કામ માટે એક નવી દિશા શોધી રહ્યાં હતાં, ત્યારે તે જ ‘બિંદુ’ તેમની સહાયે દોડી આવ્યું.
વાગ્યવહેવારના સિદ્ધાંત પ્રમાણે, પ્રતીકવાદનો ઉદભવ લગભગ 19ની સદીના સમયમાં, ફ્રાન્સ અને બેલ્જિયમમાં એક કલાની ચળવળના સ્વરૂપમાં થયો જેની મૂળ પ્રેરણા હતી સાહિત્ય, જેમાં મુખ્યત્વે હતી ‘કવિતા’. કોઈક કાવ્યના ભાવાત્મક વર્ણન માટે લાંબો સમય ન લઇ, તેનો વિસ્તાર સમજાવવા આવાં શાબ્દિક ચિહ્નોનો ઉપયોગ થાય છે. આવાં ચિહ્નો વડે ઘણા ગૂઢ અર્થ પણ સમજાવી શકાય છે પરંતુ ઘણાં પ્રતીકો વિશ્વવ્યાપક હોય છે જયારે ઘણા માત્ર અમુક સંસ્કૃતિ પૂરતાં સીમિત હોય છે. આ જ તત્વ કોઈ પણ ચિત્ર કે કવિતાને વધુ ગૂઢ અર્થ પ્રદાન કરે છે અને વધુ ઉત્કંઠા જન્માવે તેવું રસપ્રદ બનાવે છે. આવાં ચિત્રો કે કવિતા એક કોયડો બની તમને તેની અંદર લુપ્ત કરી તેના અલગ અલગ પડો ખોલવા માટે પ્રેરે છે.
સૈયદ હૈદર રઝા, આપણા એક ખૂબ જ નામાંકિત અને વડીલ ચિત્રકાર છે જેઓ 1950થી ફ્રાન્સમાં વસે છે. તેઓ તાજેતરમાં જ ભારત પરત ફર્યાં છે. તેમના પહેલાનાં ચિત્રો મોટેભાગે કુદરતી દ્રશ્યો અને શહેરીજીવનને લગતાં હતાં. 1970ની સાલ પછીના સમયમાં તેઓનાં ચિત્રોમાં દ્રઢપણે એક ભારતીય ઝલક દેખાઈ આવતી. ભારતીય રંગો, ભારતીય સંસ્કૃતિને પ્રતિબિંબિત કરતાં પ્રતીકો તેમજ તાંત્રિક ચિંતનમાંથી લેવામાં આવેલાં પ્રતીકોનો ઉપયોગ તેઓ પોતાનાં ચિત્રોમાં કરતાં. રઝાનાં ખૂબ પ્રચલિત એવા ‘બિંદુ’ની પ્રેરણા વિષેની કથા ખૂબ જ રસપૂર્ણ છે.
એવું કહેવાય છે કે, રઝા જયારે વિદ્યાર્થી હતા તે સમયે તેઓ ખૂબજ ક્ષુબ્ધ અને બેચેન રહેતાં. તેમનું ધ્યાન કેન્દ્રિત કરવા માટે તેમના શિક્ષકે બ્લેકબોર્ડ ઉપર એક બિંદુ બનાવ્યું અને તેના પર ધ્યાન કેન્દ્રિત કરવા કહ્યું..! થોડાં વર્ષો પછી,(1970-80) જયારે તેઓ પોતાનાં કામ માટે એક નવી દિશા શોધી રહ્યા હતા, ત્યારે તેજ ‘બિંદુ’ તેમની સહાયે દોડી આવ્યું, એક શક્તિના સ્વરૂપમાં ‘બિંદુ’ તેમના કામનું સૌથી મહત્વનું પ્રતીક બની રહ્યું. તેમણે બિંદુમાંથી સ્ફૂરતી વિવિધ આધ્યાત્મિક રચનાઓનું સર્જન કર્યું, ધીમે ધીમે ત્રિકોણ (ત્રિભુજ)ને લક્ષ્યમાં રાખીને તેના દ્વારા સમય અને જગ્યાને ધ્યાનમાં લઇ પુરુષ-પ્રકૃતિ(સ્ત્રી-પુરુષ શક્તિ) પર કામ કર્યું અને તેઓ એબસ્ટેરેક્ષન શૈલીના એક મહાન કલાકાર તરીકે વિકાસ પામ્યા.
ભારતનાં ધાર્મિક ચિત્રોનાં નિરૂપણમાં દ્રઢપણે મંડળો અને યંત્રોનાં પ્રતીકોનો સમાવેશ થાય છે જે હિંદુ ધર્મના મહત્વના દેવ- દેવીઓનું આલેખન કરે છે. તેના મધ્ય પ્રતિકમાંથી આ મંડળો અને યંત્રોની શક્તિ બહારની તરફ ઉત્સર્ગ પામીને બીજા નાના મોટા આકારો, રંગો અને અવાજોને જન્મ આપે છે. રઝાએ તેમના ચિત્રો દોરવામાં આ બધાં તત્વો વિશેનાં જ્ઞાનની મદદ લીધી તેમજ જુદા જુદા રંગો અને એક અનોખી એવી ભારતીય લાક્ષણિકતાવાળી ભાત જેનાં આધારે તેમણે કુદરતની જટિલતા આલેખતાં ચિત્રો દોર્યાં. આ ચિત્રોમાં દ્વારા તેમણે આધુનિક ચિત્રકલામાં ભારતીય તેમજ વૈશ્વિક ભૂમિતિય ચિહ્નોનો ખૂબ સરસ સમન્વય કર્યો છે. આ ચિત્રો એટલાં અસરકારક છે કે ઘણીવાર દર્શક આ ચિત્રોની સામે ધ્યાનમગ્ન પણ થઇ જતાં હોય છે. પોતાના કામ વિષે તેઓ કહે છે કે, “મારાં ચિત્રો એ મારા પોતાના અનુભવોનો અરીસો છે, મારો કુદરત સાથેનો લગાવ અને કુદરતની અનોખી ગુપ્તતા દેખીતી રીતે મારાં ચિત્રોમાં રંગો, રેખાઓ, જગ્યા અને પ્રકાશ દ્વારા સ્પષ્ટ થાય છે.”
જેરામ પટેલ માટે આકાર જ એકમાત્ર હકીકત હતી, અને તેમના માટે રંગ એટલે માત્ર કાળો. તેઓ હંમેશાં એબસ્ટેરેક્ષન શૈલીમાં ચિત્રો બનાવતાં પણ(તેમનો હાથ ખૂબ જ કુશળ હતો), તેથી જ તેઓ ક્યારેક પોતાના કાળા રંગવાળા નિયમને ભૂલીને જયારે ચિત્રો બનાવતાં તે ચિત્ર હંમેશાં તેમના એબ્સ્ટ્રેકટ ચિત્રો ગણાતાં.
જેરામ પટેલ, વડોદરાનાં ખૂબ વડીલ એવા ચિત્રકાર છે જેઓ ચિત્રકલા માટેની પોતાની આગવી અને ક્રાંતિકારી કલાશૈલી માટે જાણીતા છે. તેઓ ક્રાંતિકારી વિચારો ધરાવતા અને હંમેશાં કંઇક અલગ કરવાની ધગશ રાખતા. તેઓએ સાચા અર્થમાં કલાની આ પરંપરાગત શૈલીમાં ભંગ પાડ્યો હતો. એવું કહેવાય છે કે ભારતમાં ચિત્રો દ્વારા સંવાદ અને ભાવના વ્યક્ત કરવામાં આવે છે. (અકબરનામા અને બીજા ધાર્મિક પુસ્તકમાં જે લઘુચિત્રો દ્વારા વર્ણન કરવામાં આવ્યું છે તેને આપણે દીવાલ પર મઢીને ટાંકી શકતા નથી, જયારે જૈન ધર્મનાં પુસ્તકો, શ્લોકો, રંગેલી દીવાલો અને અજંતાનાં ભીંતચિત્રો, બોધિસત્વની કેટલીય કથાઓ કહી જાય છે.) પરંતુ આપણે કથન દ્વારા વધુ સારી રીતે સમજી શકીએ છે અને તે જ રીતે વધુ પ્રચલિત પણ છે . એવું પણ કહેવાય છે કે સાંસ્કૃતિક રીતે આપણે થોડા ચુસ્ત પ્રકારના છીએ અને એબસ્ટેરેક્ષન વિષે તેટલા મોકળા નથી. હવે આ વિષયે આપણે ઘણી દલીલો કે ચર્ચામાં જઈ શકીએ પરંતુ ભારતીય કલાકાર માટે એબસ્ટેરેક્ષન શૈલી હાથ ધરવી અશક્ય હતી, અને આજે પણ અશક્ય જ છે.
જેરામ પટેલ માટે આકાર જ એકમાત્ર હકીકત હતી, અને તેમના માટે રંગ એટલે માત્ર કાળો. તેઓ હંમેશાં એબસ્ટેરેક્ષન શૈલીમાં ચિત્રો બનાવતાં પણ(તેમનો હાથ ખૂબ જ કુશળ હતો), તેથી જ તેઓ ક્યારેક પોતાના કાળા રંગવાળા નિયમને ભૂલીને જયારે ચિત્રો બનાવતાં તે ચિત્ર હંમેશાં તેમના એબ્સ્ટ્રેકટ ચિત્રો ગણાતાં. તો તમને થશે કે એમના કાળા રંગનાં બિંદુ અને તેમનાં ચિત્રોમાં વળી પ્રતીકાત્મક વલણ ક્યાં છે? તો અહિંયા આ કાળો રંગ જ પ્રતીકાત્મક છે, તે ક્ષમતા અને શક્તિનું પ્રતીક છે. હિંસાત્મકતાનાં સંદર્ભમાં રાત્રીનો કાળો રંગ નકારાત્મકતા અને પાશવીપણું દર્શાવે છે. કાળો એવો રંગ છે કે જે બધા રંગોની ઉપેક્ષા પણ કરે છે અને બધા રંગો જોડે સુસંગત પણ છે. તેથી જ કાળો રંગ એક એવી ધરી પર છે, કે દરેક જોનાર તેનું અલગ અલગ અર્થઘટન કરી શકે છે.
જેરામ પટેલની ‘બ્લોબ ઓફ બ્લેક’ ની રચના તેમને પળવારમાં નહોતી સ્ફૂરી. આ સમજવા માટે આપણે 1960ના સમયમાં એક ડોકિયું કરવું પડશે, જયારે તેઓએ પ્લાયવૂડ છોડીને ફરીથી કેનવાસ/કાગળ પર હાથ અજમાવ્યો ત્યારે પણ તેમનાં ચિત્રો તેટલાં જ રહસ્યમય અને ગુપ્તતા-સભર હતા. એ ચિત્રો ખૂબ નાટ્યાત્મક લાગતાં જાણે તેની અંદર હિંસાત્મકતાનાં પરિણામસ્વરૂપ કોઈ રહસ્યમય ઊર્જા શ્વાસ લઇ રહી હોય. જાણે તેની અંદર કશુક પુરાયું હોય અને છૂટવા માટે એક ચોક્કસ પળ માટે રાહ જોતું હોય..! તેમાં એક ગતિજન્ય ઊર્જા રહેલી છે જે એક ચોક્કસ આંદોલનો ઉત્પન્ન કરે છે અને તેનાં આકારને એક ચોક્કસતા આપે છે. તેમનાં ચિત્રોમાં તમને કદાચ એક કાળા પડદા બહાર કોઈ પ્રાણીના માત્ર પંજાનો તિક્ષ્ણ ભાગ કે શિંગડું અથવા તો દાંત જોવા મળે. તમને ખ્યાલ આવ્યો, કે તેમણે કઈ રીતે કાળા રંગનો ઉપયોગ કરીને ‘બ્લોબ ઓફ બ્લેક’ નાં ખ્યાલને કેટલો સુંદર રીતે દર્શાવ્યો છે.
કાજલ તેનાં ચિત્રોમાં આ ‘ઘર’ નું પ્રતીક વારંવાર વાપરે છે, અને તે દર્શાવે છે કે ઘરરૂપી એક છત, એક હૂંફ, એક આશરો અને એક સહારો એ વ્યક્તિના જીવનમાં કેટલું જરૂરી છે.
કાજલ શાહ એક યુવા કલાકાર છે, જેઓ તેમના મૂળ શહેર અમદાવાદ(હાલ જ્યાં રહે છે ) અને પહેલાં વડોદરા જ્યાં તેઓ લલિતકલાની શાખામાં અભ્યાસ કરતા હતા તેની વચ્ચે આવ-જા કરતા રહેતા. તેમની કલા સહેજેય એબ્સ્ટ્રેકટ નથી પરંતુ સુરીયેલિસ્ટિક કલ્પના અને નેચરલિઝમને અનુસરે છે, એક જાદુઈ વાસ્તવિકતા જેવું કહી શકાય..! જેની સાહિત્યમાં શરૂઆત સલમાન રશ્દી અને ગેબ્રીઅલ ગ્રાસિયા માર્ક્વેઝએ કરી. કાજલનાં ચિત્રોમાં તમને એક ખૂબ જ વાસ્તવિક એવું વૃક્ષ દેખાશે પણ તેની દરેક ડાળ ઉપર અનેક નાના-નાના ઘર ફળોની માફક લટકતા દેખાશે. તો એ નાનાં-નાનાં ઘરો શું દર્શાવે છે? અને શા માટે આ રીતે વૃક્ષની ડાળી પર લટકાવ્યા છે?? જાતે જ શોધો..!
કાજલ તેનાં ચિત્રોમાં આ ‘ઘર’ નું પ્રતીક વારંવાર વાપરે છે, અને તે દર્શાવે છે કે ઘર રૂપી એક છત, એક હૂંફ, એક આશરો અને એક સહારો એ વ્યક્તિના જીવનમાં કેટલું જરૂરી છે. કાજલ તેનાં લલિતકલાનાં અભ્યાસ બાદ માત્ર શહેરી જનજીવનના દ્રશ્યો દોરતાં, ત્યાર બાદ થોડાં વર્ષો માટે તેઓ તદન અલિપ્ત થઇ ગયા..જયારે તેઓ ફરીથી કલાજગતમાં આવ્યા ત્યારે આ ઘરના એક વિશિષ્ટ ખ્યાલ સાથે તેમણે પગરવ માંડ્યો અને સૌને ચકિત કરી નાખ્યા. તેઓ પોતાના ઘર પ્રત્યેના વિચારો અને ચિંતા દર્શાવવા માટે અથવા કોઈ ધ્યેયપ્રાપ્તિ કે સ્વપ્ન વિષે પોતાની લાગણી દર્શાવવા આ પ્રતીકનો ખૂબ જ સુભગ ઉપયોગ કરતા.
તેમના એક ચિત્રમાં તેમણે દર્શાવ્યું છે કે એક નાનું ઘર એક ગલીના રખડતાં કૂતરાની પૂંછ ઉપર લટકેલું છે અને બીજું એના મોઢામાં પકડેલું છે. રખડતું કૂતરું, એ ઘરવિહોણું પ્રાણી છે. તે ગાડીની નીચે અથવા તો ઘર/બિલ્ડિંગની આસપાસની જગ્યામાં આશરો લેતું હોય છે..તેથી, કૂતરાની પૂછડીએ લટકાવેલું ઘર દર્શાવે છે, કે કૂતરો આ ઘર જોઈ તો શકે છે પણ તે ખરેખર તેનું ઘર નથી, જેમ તે ગાડીની નીચે સૂતું હોય ત્યારે તે જગ્યા તેનો આશરો છે પણ માત્ર ત્યાં સુધી જ્યાં સુધી ગાડીનો માલિક તેને હંકારીને કાઢી ન મૂકે. બીજું ઘર જે કૂતરાના મોમાં પકડાવ્યું છે એ દર્શાવે છે કે આવું એક ઘર હોવાનું તેનું સપનું છે. આજ ચિત્રોના બીજા ઘણા અર્થ કાઢી શકાય પણ પ્રતીકનો કેટલી જુદી જુદી રીતે ઉપયોગ કરી શકાય તેનું આ શ્રેષ્ઠ ઉદાહરણ છે.
KP
(નોંધ – ઉપરોકત વિચારો લેખકના પોતાના છે જીજીએન તેની સાથે સહમત છે એમ માની લેવું નહીં.)
Reader's Feedback: