નાથદ્વારાના શ્રીનાથજી મંદિરની મુલાકાત તમારા માટે એક ન ભુલાય તેવો મુશ્કેલ અનુભવ બની શકે છે. જે લોકો શાંત અને સ્વચ્છ મંદિરમાં જવા ટેવાયેલા હોય તેઓ માટે શ્રીનાથજી મંદિરનો અનુભવ અચૂક થોડો અજુગતો અને હેરાનગતિવાળો રહેશે. સેંકડોની સંખ્યામાં દર્શન માટે હવેલીનાં દ્વાર ખૂલવાની કાગડોળે રાહ જોઈને બેઠેલાં ભક્તજનોના ધક્કા અને ઉન્માદથી કોઈ પણ વ્યક્તિ થોડી ઉશ્કેરાઈ જઈ શકે છે. તેમાં ઉપરથી શ્રાવણ માસના અકલ્પ્ય અને ઓચિંતા વરસાદનાં ઝાપટાં અને સાંકડી ગલીઓમાં જ્યાં જુઓ ત્યાં છાણ..! ઠેર ઠેર ગંદકી અને કચરાથી જે પ્રમાણમાં માખી અને મચ્છરોનો ઉપદ્રવ મચે છે એ જોઈને તમને નવાઈ થશે કે તમે અહીં આવ્યા જ શું કામ??? તે પણ જન્માષ્ટમીના પ્રસંગે...!!
થોડા ફિલસૂફ થઇ મેં તર્ક કર્યો કે ખરેખર આ રાહ જોવામાં જ આનો અસલી મર્મ રહેલો છે. ગામની નાની-સાંકડી ગલીઓમાં રખડવું, ઠેર ઠેર નાનાં નાનાં મંદિરો, શ્રીનાથજીનાં સુંદર ચિત્રો બનાવનાર ચિત્રકારોની દુકાનો, પિછવાઈ ચિત્રકારો, પાઘા અને વાઘા વેચતી સ્ત્રીઓ જે વૈષ્ણવોની બાલકૃષ્ણની મૂર્તિની સેવા માટે ઉપયોગમાં આવતાં નાનાં નાનાં ઘરેણાં અને કપડાં એક ધમધોકાર ગૃહઉદ્યોગ બની રહ્યો છે.
શ્રી ગોવર્ધનનાથજીનું નાનું સ્વરૂપ એવા શ્રીનાથજીની છબી અત્યંત સુંદર (લોકચિત્રોમાં કૃષ્ણનું જેવું વર્ણન કર્યું છે તે પરથી) તો ન કહી શકાય, પરંતુ વિશિષ્ટ રીતે લાક્ષણિક અને સંમોહક છે. પરંતુ ડાબા ઉગામેલાં હાથવાળા કૃષ્ણનું આ શ્યામ રૂપ, વ્રજભૂમિમાં આવેલા ગોવર્ધન ટેકરી કે જ્યાં આ રૂપ સૌપ્રથમ જોવા મળ્યું હતું. ત્યાંથી માંડીને ઉદયપુર નજીક આવેલાં નાથદ્વારામાં જ્યાં તેઓ આજે બિરાજમાન છે ત્યાં આવતાં ગુજરાત અને મહારાષ્ટ્રના દરેક ગુજરાતી ભાઈઓ અને બહેનો જેમણે પુષ્ટિમાર્ગ (પ્રેમનો રાહ) અપનાવ્યો છે, એમના હૃદયમાં રાજ કરે છે. તેમનું આ રૂપ ઘણીવાર મને પંઢરપુરમાં આવેલાં, જાંઘ ઉપર હાથ મૂકી ઈંટ પર ઊભેલા શ્યામવર્ણી વિઠ્ઠલનું સ્મરણ કરાવે છે જેઓ પણ દેખાવે એટલા રૂપાળા ન હતા. પરંતુ શ્રીનાથજી ખાસ કરીને સમૃદ્ધ પૈસા ધીરનારની ન્યાત વાણિયાઓના દેવતા છે જ્યારે વિઠ્ઠલ એ મહારાષ્ટ્રની છૂટી-છવાઈ અમુક જાતના દેવતા ગણાય છે.
શ્રીનાથજી અને તેમની લીલાઓ વિષે ઘણી માન્યતાઓ અને લોકકથાઓ પ્રચલિત છે તેમજ તેનાં ઘણાં જુદાં જુદાં અર્થઘટનો પણ કરવામાં આવ્યાં છે. મને એ વાતમાં ઘણો રસ જાગ્યો, કે કઈ રીતે ભક્તો દ્વારા કરવામાં આવતી સેવાના રૂપમાં શ્રીનાથજીના આ રૂપ અને લીલાની સુંદરતાને જીવંત રાખવામાં આવ્યાં છે.
શ્રીનાથજીની સેવાની શરૂઆત જુદા જુદા પુષ્ટિમાર્ગના ગોસ્વામીઓ દ્વારા ઘણાં વર્ષો પહેલાં થઇ હતી. ખરેખર પુષ્ટિમાર્ગ શું છે? એ સમજવા આપણે શ્રીનાથજીની વાર્તા પર ફરીવાર નજર કરવી પડશે. માનવામાં આવે છે કે, ઇન્દ્રે જયારે શ્રીકૃષ્ણ સાથેની લડાઈ વખતે વાવાઝોડું ફૂંક્યું હતું, તે સમયે જે ગોવર્ધન પર્વત સાત સાત દિવસ અને રાત સુધી ઊંચકીને શ્રીકૃષ્ણે વ્રજભૂમિના લોકો અને પ્રાણીઓને આશરો આપ્યો હતો તે જ ગોવર્ધન પર્વત પરની એક ગુફામાં શ્રીનાથજી રહેતાં હોવાનું મનાય છે.
1450 એ.ડી. ના શ્રાવણનો નાગપંચમીનો દિવસ હતો જ્યારે વ્રજનો એક ગોવાળિયો તેની રખડું અને ઓછું દૂધ આપતી ગાયને શોધવા ગોવર્ધન પર્વત પર ગયો હતો અને ત્યાં તેણે એક વિશાળ શ્યામ હાથનાં દર્શન કર્યાં. ધન્યભાગી ગોવાળિયાએ એ હાથ પારખી લીધો અને એ આશાએ એની પૂજા કરવા લાગ્યો કે એક દિવસ તેમણે કૃષ્ણના પૂર્ણ સ્વરૂપનાં દર્શન થશે. 1479 એ.ડી.ના વૈશાખના 11મા દિવસે પર્વતમાં શ્રીનાથજીનું મુખ દ્રશ્યમાન થયું હતું એવું માનવામાં આવે છે. તેઓની પાંચ ફૂટ ઊંચી પથ્થરની પ્રતિમા બની હતી જે કોઈ માણસ દ્વારા કંડારવામાં આવી ન હતી..માનવામાં આવે છે કે તે સમયે શ્રીકૃષ્ણના ગોકુળના બધા ગોવાળિયા મિત્રોનો પુનઃજન્મ વ્રજનાં જુદાં જુદાં ઘરોમાં થયો હતો. શ્રીમદ મહાપ્રભુ વલ્લભાચાર્યનાં દર્શન ચંપારણમાં એક તેજસ્વી અગ્નિચક્રમાં થયાં હતાં. શ્રીનાથજીની સેવાની શરૂઆત કરનાર પહેલાં શ્રી વલ્લભાચાર્ય અને ત્યારબાદ તેમના પુત્ર શ્રી વિઠ્ઠલાનંદજી હતા જેઓ પુષ્ટિમાર્ગી વૈષ્ણવોમાં શ્રી ગુસાઈનજીનાં નામથી વધુ માનનીય છે. ગોસ્વામી નામ તેમના પરથી જ પ્રેરિત છે, જે સંબોધન હાલના માર્ગ અનુયાયીઓ માટે કરવામાં આવે છે. મહાપ્રભુજી વલ્લભાચાર્યના વંશજો આજે પણ શ્રીનાથજીની હવેલીઓમાં સેવા કરતાં જોવા મળે છે. તેથી જ તેમના અનુયાયીઓ વલ્લભ સંપ્રદાયના હોવાનું પણ મનાય છે. આજની તારીખે પણ ભોગ, શ્રૃંગાર અને રાગ દ્વારા સેવા કરવાની ભક્તિની પરંપરા ભારપૂર્વક યથાવત્ છે.
સેવા એક પ્રકારની તૈયાર કરેલી વિભાવના છે, જેના દ્વારા શ્રી નાથજીનાં સૌંદર્યને જાળવી રાખવામાં આવ્યું છે અને સેવા માત્ર હવેલીમાં થતાં દરેક કાર્યોને સંતુલિત કરે છે. ભક્તિની રીતે જોઈએ તો શ્રીકૃષ્ણનો પંથ હિંદુ દેવમંડળોથી સાવ જુદો છે, જેમકે તેમનું મંદિર બીજા દેવોના મંદિરની જેમ ચોવીસ કલાક ખુલ્લું નથી હોતું, પરંતુ હવેલી હોય છે, જે તેમનું રહેવા માટેનું ઘર છે, જેમ સામાન્ય ઘરમાં હંમેશાં ઘરમાલિક આવ- જા કરતાં હોય તેમ...! તેથી જ તેમના નક્કી કરેલાં ચોક્કસ દર્શન હોય છે જે પણ અમુક ચોક્કસ સમય પૂરતાં જ ખુલ્લાં હોય છે. શ્રીનાથજીની ભક્ત અજબાકુમારીને (મેવાડના મીરાબાઈની પ્ર-પુત્રવધૂ) આપેલા વચનને પાળવા શ્રી નાથજી ભગવાન રોજ ગોવર્ધન પર્વત અને નાથદ્વારા વચ્ચે પ્રવાસ ખેડે છે. તેઓ દરેક રાત ગોવર્ધન પર્વતની ગુફા અને જંગલોમાં ગાળે છે અને તેમની હાજરીમાં દરેક રાતે જતીપુરાના મહાપ્રભુજીની બેઠકની સામે મુખારવિંદને શ્રૃંગાર કરવામાં આવે છે. સંધ્યાકાળની આરતી પછી શ્રૃંગાર કાઢી નાખવામાં આવે છે અને શ્રીનાથજી પર્વતમાં અદ્રશ્ય થઇ જાય છે અને ફરી નાથદ્વારા તરફ પ્રયાણ કરે છે. હવેલીની સવારથી સાંજની કાર્યવાહી અને વર્ષના દરેક દિવસ સેવાના કાર્યક્રમ પ્રમાણે યોજવામાં આવે છે. દરેક દિવસની કાર્યવાહી અને જવાબદારી તેમના સેંકડો સેવકો વચ્ચે વહેંચાયેલી હોય છે.
ભોગ, શ્રૃંગાર અને રાગનાં મિશ્રણથી બનેલી સેવા દરેક દર્શનને એક જાદુઈ સ્પર્શ આપે છે. હાલમાં શ્રીનાથજીમાં દિવસ દરમિયાન 8 અલગ અલગ દર્શન થાય છે. દરેક મહિના, ઋતુ અને તહેવાર પ્રમાણે તેના સમય અને સમયગાળો બદલાય છે. મંગળા દિવસનું પ્રથમ પવિત્ર અને અને વહેલી સવારનું દર્શન છે, ત્યાર પછી થોડા કલાકો બાદ શ્રૃંગારનાં દર્શન હોય છે જેમાં શ્રીનાથજી પગથી માથા સુધી અલાયદા વસ્ત્રોમાં હોય છે. ત્યારપછી ગ્વાલાનાં દર્શન થાય છે જેમાં તેઓ પોતાના ગોવાળ દોસ્તો સાથે ગાયો ચરાવવા નીકળે છે. તેઓ પાછા ફરે છે ત્યારબાદ રાજભોગનાં દર્શન હોય છે જેમાં તેમને બપોરનું મુખ્ય ભાણું પીરસવામાં આવે છે. પછી તેઓ થોડા સમય માટે સૂઈ જાય છે. મધ્યબપોરે ઉથાપનનાં દર્શન હોય છે જેમાં તેઓ ગાયોને પાછી લાવવા જાય છે. ગાયો સાથે પાછા ફર્યા બાદ ભોગનાં દર્શનમાં તેમને હળવો નાસ્તો પીરસવામાં આવે છે. સંધ્યાઆરતીએ મુખ્ય દર્શનનો સમય છે જેમાં માતૃભાવનાના ભાવ સાથે આરતી કરવામાં આવે છે. આરતીનું મુખ્ય લક્ષ્ય ગોવાળિયાઓને શત્રુઓની ખરાબ દ્રષ્ટિથી બચાવવાનું હોય છે. શ્રીનાથજી આરામ ફરમાવે એ પહેલાં, શયનનાં દર્શન હોય છે. આ દર્શન ચૈત્રથી અશ્વિનના 6 મહિના દરમિયાન નથી હોતા કેમ કે તે સમયે શ્રીનાથજી વ્રજમાં જતાં હોય છે.
દરેક દર્શન વખતે શ્રીનાથજીની છબીનો શ્રૃંગાર અને આજુબાજુની સજાવટ અલગ હોય છે. દરેક દર્શન માટે શ્રીનાથજી જુદા પહેરવેશ અને જુદાં ઘરેણામાં સજ્જ હોય છે અને તેમનાં દર્શન પહેલાં અને પછીનાં કામ અનુરૂપ અલગ અલગ પ્રસાદ પીરસાય છે. છબીની પાછળ વીંટવામાં આવતી પિછવાઈ અથવા રંગેલું કાપડ પણ દરેક દર્શન માટે અલગ હોય છે અને વૈષ્ણવ તહેવાર સમયે તો તે સૌથી વધુ આકર્ષક હોય છે. રંગોનો અહીં ખૂબ અર્થપૂર્ણ ઉપયોગ કરવામાં આવે છે. જેમકે શરદ પૂર્ણિમાને દિવસે સફેદ રંગનો ઉપયોગ થાય છે. શ્રીનાથજીને પીરસવામાં આવતી કોઈ પણ વાનગી સફેદ રંગની જ હોવી જોઈએ અને તેમાં પણ તે માત્ર દૂધ, દહીં કે ભાત સુધી સીમિત ન હોવી જોઈએ, પરંતુ દરેક સ્વાદને વણી લેતી વાનગીઓ પીરસાવી જોઈએ..આ તો કોઈ ઉત્તમ રસોઈયા માટે પણ એક પડકાર છે. દર્શન વખતે વગાડવામાં આવતાં હવેલી સંગીતનાં દરેક ભજન અને કીર્તનના ચોક્કસ રાગ અને કવિઓ સુદ્ધાં નક્કી કરેલા હોય છે
એક વખત ઉથાપનનાં દર્શન વખતે હું અચંબામાં મુકાઈ ગઈ.. હવેલીનો મુખ્ય ખંડ પાની સુધીના પાણીથી ભરાઈ ગયો હતો, આવી સ્થિતિમાં પણ સેંકડોની સંખ્યામાં લોકો ભગવાનની એક ઝાંખી માટે દોડાદોડ કરી રહ્યા હતા એ ભયે કે ક્યાંક દર્શન બંધ ન થઇ જાય. મંદિરના સામે રખડતી ગાયોને લીધે અવ્યવસ્થા અને બીજી બધી અસ્તવ્યસ્તતા સર્જાય છે એના પરથી મેં ધાર્યું કે ત્યાંની પાઈપલાઈનમાં કોઈ ભયંકર લીકેજ હોવો જોઈએ, પણ પછીથી મને એક સેવક દ્વારા જાણવા મળ્યું કે તે દિવસે યમુના દશમી હતી જેની ઉજવણી નિમિત્તે હવેલીનો દોલતીબારી અને મણીકોઠાખંડમાં પાણી ભરવામાં આવ્યું હતું જેમાં રમકડાંની માછલીઓ, કાચબાઓ, કમળ અને હોડીઓ સુદ્ધાં તરતી મૂકવામાં આવી હતી. અહીં પણ સજાવટનો વિષય સફેદ જ હતો. શ્રીનાથજીએ કમરથી લઇ ઘૂંટણ સુધીની સફેદ અબંધ અને મોતીવાળી પાઘ ધારણ કરી હતી. સફેદ રૂમાંથી બનાવેલાં બતકને તેમની મૂર્તિની બાજુમાં મૂકવામાં આવ્યાં હતા તેમજ પિછવાઈ પણ સફેદ રંગની હતી.
નાથદ્વારાનું નાનકડું નગર દર્શનાર્થીઓની જરૂરિયાત પૂરી કરતાં બજારોથી ઊભરાય છે. ધર્મશાળાઓમાં પણ દર્શન માટે રાહ જોવા માટે નાના નાના ઓરડા બનાવવામાં આવ્યા છે.
હવેલીની રચના પણ એક મોટા કિલ્લા જેવી છે જેમાં એક મોટો લાકડાનો દરવાજો છે જેને લાલ દરવાજા કહેવાય છે. અહીં ‘લાલ’ એટલે યશોદાનો લાલ. દરવાજાની સામે અસંખ્ય ઘરેણાં, પૂજાસામગ્રી, રંગેલા સિક્કા, શ્રીનાથજીના વાઘા અને સ્વાદિષ્ટ પ્રસાદની દુકાનો આવેલી છે. જેમાં કરકરા થોર, પોચા બેસનના લાડુ, કળી/બુંદીના લાડુ અને મોહનથાળ, મગસ, મૈસુરપાક, મનમનોહર અને થાબડીના દેશી ઘીમાં બનેલાં મોટાં મોટાં ચકતાં જોવા મળશે. વધુ કંઈ ન જોઈતું હોય તો નાનાં નાનાં પડિકાંમાં તમને સાકરિયા દાણા પણ મળી રહેશે.
શ્રી નાથજીએ હંમેશાં એક રાજવી જીવન જીવ્યું છે...!
SB/DP
(નોંધ – ઉપરોકત વિચારો લેખકના પોતાના છે જીજીએન તેની સાથે સહમત છે એમ માની લેવું નહીં.)
Reader's Feedback: