Home» Opinion» Society & Tradition» Sandhya bordewekar article on manbhatt

માણભટ્ટ: વિસરાતો જતો ભવ્ય કલાવારસો

Sandhya Bordewekar | July 28, 2012, 01:43 PM IST

(તસ્વીરમાં કવિ પ્રેમાનંદ માણભટ્ટ વાદ્ય સાથે છે જયારે સાથેની તસ્વીરમાં માણભટ્ટ કલાકાર ધાર્મિકલાલ પંડ્યા છે. જ્યારે લેખમાં રજૂ કરેલ તસ્વીર કવિ પ્રેમાનંદની વડોદરા સ્થિત પ્રતિમાની છે અને ધાર્મિકલાલ પંડ્યા પણ અન્ય તસ્વીરમાં માણભટ્ટ પર તાલ આપતાં નજરે પડે છે.)

વડોદરા :

 

“વીર ક્ષેત્ર વડોદરું, ગુજરાત મધ્યે ગામ,

ચતુરવંશી ન્યાતિ બ્રાહ્મણ, ભટ્ટ પ્રેમાનંદ નામ”

 

વડોદરાની સંસ્કૃતિ અને ગુજરાતી સાહિત્યના વિશાળ ઇતિહાસ તરફ નજર કરીએ તો તેમાં પ્રેમાનંદનું નામ મોખરે દેખાશે. વડોદરાના સાહિત્યિક વ્યક્તિત્વમાં તમને પ્રેમાનંદની છબી અચૂક દેખાશે. ઈ.સ.1645માં જન્મેલા પ્રેમાનંદનો ઉછેર મુઘલ રાજા ઔરંગઝેબના શાસનકાળ દરમિયાન થયો. જૂના વડોદરાના વાડી વિસ્તારમાં આવેલી એક આખી પોળ હવે ‘પ્રેમાનંદની પોળ’ તરીકે ઓળખાય છે. ગુજરાતી સાહિત્યના કપરાં કાળ દરમિયાન પ્રચલિત એવી આ લોકવાયકા “અબે તબે કા સોલા આના, અઠે કઠે કે બારા, ઇકડે તિકડે કા આઠ આના, શું શાં નાં પૈસા ચારા” (ભારતની વિવિધ ભાષાઓનું મૂલ્ય આંકતી આ પંક્તિમાં, હિન્દી ભાષા ‘અબે તબે’ ના સોળ આના (એટલે કે એક રૂપિયો), મારવાડી ભાષા ‘અઠે કઠે’ ના બાર, મરાઠીમાં ‘ઇકડે તિકડે’ ના આઠ આના, અને ‘શું શાં’ એટલે કે ગુજરાતી ભાષાનાં ચાર પૈસા(એક આનાથી પણ ઓછી કિંમતની). ગુજરાતી ભાષાની આવી અપમાનજનક પરિસ્થિતિ જોઈને પ્રેમાનંદે પ્રણ લીધું, કે જ્યાં સુધી ગુજરાતી ભાષાને પૂરતું સમ્માન ન મળે ત્યાં સુધી તેઓ માથા પર પાઘડી ગ્રહણ નહિ કરે.

 

"મહારાજા સયાજીરાવ મહાવિદ્યાલયમાં આર્ટસ્ શાખાનાં મકાનમાં ‘પ્રેમાનંદ સભાગૃહ’ આવેલું છે, વિશાળ ગુંબજની નીચે આવેલું સભાગૃહ અને તેની સામે જ પ્રેમાનંદનું માણ વગાડતું શિલ્પ...આવી ઉમદા જગ્યા અને તેનું મહત્વ હજુ પણ શહેરીજનોથી અજાણ્યું છે, અને વર્ષોવર્ષથી આ જગ્યા નકામી પડી છે."

ગુજરાતી સાહિત્યનું મહત્વ અને ભાષાની સુંદરતાને લોકો સુધી પહોંચાડવાના આશયથી પ્રેમાનંદે આખ્યાનોનું સર્જન કર્યું. રામાયણ, મહાભારત, ભાગવત અને હરિવંશ પુરાણોનો ઊંડાણપૂર્વક અભ્યાસ કરી તેમાંથી જુદીજુદી કથાઓ પ્રેમાનંદે ગુજરાતી ભાષામાં અનુવાદ કરી અને સ્વરબદ્ધ પણ કરી. ગુજરાતનાં જુદાંજુદાં ગામડાઓમાં જઈ તેઓ ‘માણ’નાં તાલ સંગાથે આ આખ્યાનોનું પઠન કરતાં. તેઓ ભક્તિકાળનાં મહાન કવિ ‘નરસિંહ મહેતા’નાં જીવન વિશે કાવ્યો લખતાં અને તેમના રસપ્રદ અને પ્રચલિત કાવ્યોને સ્વરબદ્ધ કરી લોકો સમક્ષ રજૂ પણ કરતા..!

 

પ્રેમાનંદથી પણ આશરે 150 વર્ષ પહેલાં થઇ ગયેલાં એવા આ કવિ નરસિંહ મહેતાના સમયથી જ ગુજરાતી સાહિત્યમાં આખ્યાનપઠનની પરંપરા ચાલી આવી છે. નરસિંહ મહેતાની રચના ‘નળાખ્યાન’ની પ્રસિદ્ધિનો શ્રેય ખરા અર્થમાં પ્રેમાનંદને ફાળે જાય છે, આજદિન સુધી જે લોકોના હોઠે રમી રહ્યું છે એવા આ આખ્યાનને, તે સમયે લોકો સુધી પહોંચાડનાર વ્યક્તિ એટલે પ્રેમાનંદ. સમાજમાં આવતી જાગૃતિ પાછળનું એક મૂળભૂત પરિબળ હતું આખ્યાન. તેઓ પોતાનાં આખ્યાનોનું સ્વરાંકન અને રજૂઆત ખૂબ જ નીતિપૂર્વક નક્કી કરતાં જેમ કે, ચૈત્ર માસમાં ‘ઓખાહરણ’, લગ્નગાળાના સમયે વૈશાખ માસમાં ‘શામળશાનો વિવાહ’ અને ભાદરવાના શ્રાદ્ધ વખતે તેઓ નરસિંહજીના પિતાજીની કૃતિ ‘શ્રાદ્ધ આખ્યાન'નું પઠન કરતાં.

 

ખૂબ જ દુ:ખદ વાત છે કે વડોદરા અને વડોદરાવાસીઓના માનસપટ પરથી પ્રેમાનંદનું નામ ભૂંસાતું ચાલ્યું છે. દાંડિયાબજારમાં આવેલાં ‘પ્રેમાનંદ સાહિત્યસભા’ અને સભાખંડ ભાગ્યે જ કોઈ સાહિત્યિક કાર્યક્રમનો ભાગ બનતાં હોય છે.

 

મહારાજા સયાજીરાવ મહાવિદ્યાલયમાં આવેલાં આર્ટસ્ શાખાનાં મકાનમાં પણ ‘પ્રેમાનંદ સભાગૃહ’ આવેલું છે, વિશાળ ગુંબજની નીચે આવેલું આ સભાગૃહ અને તેની સામે જ પ્રેમાનંદનું માણ વગાડતું અને આખ્યાન ઉચ્ચારતું શિલ્પ...આવી ઉમદા જગ્યા અને તેનું મહત્વ હજુ પણ શહેરીજનોથી અજાણ્યું છે, અને વર્ષોવર્ષથી આ જગ્યા નકામી પડી છે. આ જગ્યાએ થયેલો છેલ્લો કાર્યક્રમ યાદ કરું તો, થોડાં વર્ષો પહેલાં, આ મકાનનાં વિશાળ ગુંબજનું સમારકામ કરી ફરીથી શહેરીજનો માટે ખુલ્લું મુકાયું હતું, તે સમયે મહારાજા સયાજીરાવ મહાવિદ્યાલયના એક વિપક્ષ કાર્યકર્તા જૂથ દ્વારા કરેલું આઘાતજનક વર્તન તાદ્રશ્ય થઇ જાય છે.

 

પ્રેમાનંદની આ ઉત્કૃષ્ટ કળા અને સાહિત્યિક વારસા જોડે હજુ પણ સ્નેહતાંતણે જોડાયેલાં હોય તો એકમાત્ર એવા વડોદરાના મોભી વડીલ ધાર્મિકલાલ પંડ્યાનું નામ અહીં ઉલ્લેખનીય છે. 80 વર્ષનાં વયોવૃદ્ધ એવા ધાર્મિકલાલ અને માણ પર ગવાતાં આખ્યાન વચ્ચેનો સેતુ હજુ પણ અકબંધ છે. ધાર્મિકલાલ પંડ્યાનો જન્મ વડોદરા શહેરમાં થયો, પોતાના પિતા સ્વ. ચુનીલાલ ગોવિંદરામ પંડ્યા(1882-1948) પાસે તેઓએ આ કળાનો વારસો મેળવ્યો. સ્વ. ચુનીલાલ પોતે ખોખરા મહેમદાવાદના માણભટ્ટ લલ્લુ વ્યાસનાં શિષ્ય હતા. પોતાના પ્રશંસકો દ્વારા ભેટ અપાયેલું એવું એક તાંબાનું માણ તેઓએ ચુનીલાલને વારસારૂપે આપ્યું. ચુનીલાલજીએ ઘણાં મૌલિક આખ્યાનોનું સર્જન કર્યું, જેમ કે સત્યનારાયણની કથા, પુરુષોત્તમ માહાત્મ્ય, હરિશ્ચન્દ્ર તેમજ અનસૂયા આખ્યાન. તે સમયે ગુજરાતમાં ઘણા માણભટ્ટ કળાકારો હતા, પરંતુ ચુનીલાલજી ટોચની હરોળનાં અને ઉત્તમ કલાકાર ગણાતા. તેઓ મુંબઈ તેમજ ગુજરાતી વસ્તી ધરાવતી ઘણી જગ્યાઓએ કાર્યક્રમ આપવા માટે આમંત્રણ પામતા.

 

"સંજય ગાંધીનાં મૃત્યુ પછીના દિવસોમાં આખ્યાન કરવા માટે તેઓને શ્રીમતી ઇન્દિરા ગાંધી તરફથી નિમંત્રણ આપવામાં આવ્યું હતું. શ્રીમતી શીલા દીક્ષિતે પણ તેમના આત્મજનાં લગ્નમાં ધાર્મિકલાલને આખ્યાન માટે બોલાવ્યાં."

ચુનીલાલના પુત્ર ધાર્મિકલાલે, ધીરે ધીરે પિતા તરફથી આ કલા હસ્તગત કરી અને તેઓ પણ એક કુશળ આખ્યાનકાર તરીકે નામના પામ્યા. 1951થી તેમણે આખ્યાન કરવાની શરૂઆત કરી અને છેલ્લાં વીસ વર્ષમાં પ્રાદેશિક અને શહેરી કક્ષાના અસંખ્ય ખિતાબો તેઓ મેળવી ચૂક્યા છે, જેમનો એક છે 1983માં એનાયત થયેલો રાષ્ટ્રીય સંગીત નૃત્યકલા અકાદમીનો ‘ગૌરવ પુરસ્કાર’. ઓલ ઈન્ડિયા રેડિયો પાસે ધાર્મિકલાલના કેટલાંક અમૂલ્ય આખ્યાનોનું લગભગ સાત કલાકથી પણ વધુ સમયનું રેકોર્ડિંગ છે. તેઓએ અમેરિકા, કેનેડા, યુ.કે. અને પૂર્વ આફ્રિકાના ઘણા દેશોમાં કાર્યક્રમો આપ્યા છે. સંજય ગાંધીનાં મૃત્યુ પછીના દિવસોમાં આખ્યાન કરવા માટે તેઓને શ્રીમતી ઇન્દિરા ગાંધી તરફથી નિમંત્રણ આપવામાં આવ્યું હતું. શ્રીમતી શીલા દીક્ષિતે પણ તેમના આત્મજનાં લગ્નમાં ધાર્મિકલાલને આખ્યાન માટે બોલાવ્યાં. “પહેલાનાં સમયમાં સંગત માટે ચાંગ વગાડનારા કલાકારો હતાં, પરંતુ હવે આ કલાકારો સહેલાઈથી નથી મળતાં, તેથી હું તબલાં અને વાજાંપેટીની મદદથી આખ્યાન કરું છું.” ધાર્મિકલાલે કહ્યું.

 

ધાર્મિકલાલને લગ્ન તેમજ એવા ઘણા શુભપ્રસંગો માટે આખ્યાન કરવાનાં આમંત્રણો મળતાં રહે છે, પરંતુ સાચા અર્થમાં હજુ પણ એક સામાન્ય ગુજરાતી, માણભટ્ટનાં આખ્યાન અને તેની પરંપરાથી ઘણો દૂર છે અને તેથી જ ઓછાવત્તે અંશે આ કલા નાશ પામી રહી છે, એ વાતનું તેમને અત્યંત દુઃખ છે.

 

ધાર્મિકલાલ બોલ્યા કે, “માણભટ્ટનાં આખ્યાનનાં વારસાને જીવંત રાખવાનાં આશયથી મેં ‘પ્રેમાનંદ સાહિત્યસભા’ ને એક પ્રસ્તાવ પણ લખ્યો હતો, કે હું એક પણ પાઈ લીધા વિના આ સભાગૃહમાં સપ્તાહમાં ત્રણ વાર આખ્યાન કરવા માંગું છું. શાળાના વિદ્યાર્થીઓ, જેઓને ગુજરાતી વિષયના ભાગરૂપે  માણભટ્ટનાં આખ્યાનો ભણવામાં આવે છે, તેઓને પણ પ્રત્યક્ષ માણભટ્ટની છટામાં આખ્યાન સાંભળવા મળે તો તે ખૂબ મદદરૂપ નીવડી શકે છે. પરંતુ મારો આ પ્રસ્તાવ નકારી કાઢવામાં આવ્યો જેના કારણરૂપે તેઓએ કહ્યું કે, જે દિવસે લગ્ન કે બીજા પ્રસંગ માટે આ સભાગૃહ નોંધાયેલું હશે ત્યારે તમારો કાર્યક્રમ થઇ શકે નહીં...!”

 

ધાર્મિકલાલના બંને દીકરાઓ પ્રદ્યુમન અને મયંક, ખૂબ જ કેળવાયેલા માણભટ્ટ કલાકારો છે અને થોડાં વર્ષોથી આખ્યાન પણ કરે છે. તેમના પૌત્રોએ પણ આ વિષયમાં રસ દાખવ્યો છે, પરંતુ ધાર્મિકલાલ જાણે છે કે લોકોમાં હજુ પણ આ વિષય પ્રત્યેની જાગૃતિ ઘણી ઓછી છે. તેઓનું કુટુંબ સંગીતશાળા ચલાવે છે, પણ તેમાં ભણતાં કોઈ પણ વિદ્યાર્થીએ માણભટ્ટ આખ્યાન શીખવામાં રસ નથી બતાવ્યો. આ કુટુંબ હજુ પણ જૂના વડોદરાના લેહેરીપુરા દરવાજા પાસે આવેલી ખડકીમાં આવેલાં તેમના પરંપરાગત ઘરમાં રહે છે.

 

"ગુજરાતીવિભાગની સહાયથી આખ્યાન લખવા અને સ્વરબદ્ધ કરવા બાબતે પણ ચર્ચા થઇ રહી છે, પરંતુ આ સ્વપ્નને ફળીભૂત કરવા માટે વડોદરાનાં નાગરિકોનો ઉત્સાહ અને પુષ્ટિ પણ તેટલાં જ જરૂરી છે. કેમકે કહેવાય છે ને, કે પ્રેક્ષકો વિના કોઈ પણ કલાકાર અધૂરો છે..!"

પરફોર્મિંગ આર્ટસના પ્રાધ્યાપક ડો.પારુલ શાહ સાથેની વાતચીતમાં તેમણે કહ્યું “આપણે કોઈ પણ કાળે આ કલાને વિનાશના રસ્તે જવા દઈ શકીએ નહિ. યુનિવર્સિટી આમાં ખૂબ જ મદદરૂપ નીવડી શકે છે, અહીં આર્ટસ શાખામાં આવેલાં પ્રેમાનંદ સભાગૃહમાં નિયમિતપણે આ કલાની રજૂઆત થતી રહે તેવો પ્રસ્તાવ અમે મૂક્યો છે, જે કાર્યક્રમનો લાભ બધા વિદ્યાર્થીઓ અને સામાન્ય જનતા પણ લઇ શકશે..વાઈસ ચાન્સેલરે આ આયોજન અંગે કંઇક પગલાં લેવાની ખાતરી આપી છે.

આખ્યાનકાર થવા માટે ભાષા તેમજ આખ્યાન કરવાની વિશિષ્ટ શૈલી પરનું પ્રભુત્વ હોવું ખૂબ અગત્યનું છે, આખ્યાનકાર પાસે ગાયકી હોવી પણ જરૂરી છે. અમે અમારાં વિદ્યાર્થીઓનું સતત નિરીક્ષણ કરતાં રહીએ છે, જેથી આવી આવડત જો કોઈ વિદ્યાર્થીમાં હોય તો અમે તેને આ કલા વિશે પ્રોત્સાહન આપી શકીએ. ગુજરાતીવિભાગની સહાયથી કદાચ આખ્યાન લખવા અને સ્વરબદ્ધ કરવા બાબતે પણ ચર્ચા થઇ રહી છે, પરંતુ આ સ્વપ્નને ફળીભૂત કરવા માટે વડોદરાનાં નાગરિકોનો ઉત્સાહ અને પુષ્ટિ પણ તેટલાં જ જરૂરી છે. કેમકે કહેવાય છે ને, કે પ્રેક્ષકો વિના કોઈ પણ કલાકાર અધૂરો છે..!

 

શ્રાવણના પવિત્ર માસમાં ધાર્મિકલાલજીનાં આખ્યાનોની માંગ ખૂબ જ વધુ હોય છે. આ ઉંમરે અને નાજુક તબિયતે પણ જે ધગશથી ધાર્મિકલાલજી આખ્યાનો રજૂ કરે છે એ તો એક ઈશ્વરીય ભેટ જ કહી શકાય.

 

  • માણ એટલે ટેરાકોટાથી બનાવેલુ, નાના મોંવાળું માટલું, જેને ગાગર પણ કહે છે. હવે માણ ધાતુમાંથી બનાવવામાં આવે છે.

 

  • માણભટ્ટ(કલાકાર) માણને પોતાની સામે રાખી, તેના ઉપર આંગળીઓ વડે તાલ આપે છે, આંગળીઓ પર ચોક્કસ માપની ચાંદી અને તાંબાની વીંટીઓ પહેરવામાં આવે છે.

 

  • માણ પર તાલ આપી કલાકાર જુદા જુદા અવાજો વડે વિભિન્ન રસોનું વર્ણન કરી શકે છે જે, આખ્યાનમાં આવતી ઘટનાઓ જેમ કે યુદ્ધ અથવા પ્રેમ, નફરત કે માતૃત્વ જેવી લાગણીઓને તાદ્રશ્ય કરે છે. સાંભળનાર માટે, આખ્યાનના શબ્દો વડે આલેખાયેલાં ચિત્ર સાથે આ સંગીત એક અલૌકિક અનુભવ કરાવે છે.

 

  • પ્રેમાનંદના સમય પહેલાં, આવા માણ કલાકારો ‘ગાગરભટ્ટ’ અથવા ‘ગાગરિયા વ્યાસ’ તરીકે જાણીતા હતાં.

 

DD/KP

Sandhya Bordewekar

Sandhya Bordewekar

સંધ્યા બોર્ડેવેકર વડોદરા સ્થિત સ્વતંત્ર કલા લેખક અને ક્યુરેટર છે. તેઓ છેલ્લા ૩૦ વર્ષથી કલા અને સંસ્કૃતિક વિષયો પર લખતા આવ્યા છે

More...

 

(નોંધ – ઉપરોકત વિચારો લેખકના પોતાના છે જીજીએન તેની સાથે સહમત છે એમ માની લેવું નહીં.)

 

Reader's Feedback:

blog comments powered by Disqus

Today Cartoon

GGN Voice
 
Radisson

Opinion Poll

 
અરવિંદ કેજરીવાલ વારાણસીમાં મોદી સામે જીતી શકશે ?
હાં. જીતી જશે 78.98 %
નાં. હારી જશે. 20.38 %
કહીં ન શકાય. 0.64 %