Home» Shabda Shrushti» Folk Literature» Raghavji madhad article on folk literature

કાઠિયાવાડનો રોટલો મોટો કહેવાય છે!

Raghavji Madhad | July 17, 2012, 11:09 AM IST

અમદાવાદ :

સૌરાષ્ટ્ર એટલે સંત અને શૂરાની ધરા. રોટલો અને ઓટલો ગજબનો. સાધુ-સંતોના આશ્રમ, રામરોટી અને મમતાળુ મનેખથી ભર્યોભર્યો મલક. કહેવાય છે કે કાઠીયાવાડનો રોટલો મોટો !

 

પણ જેનો રોટલો કે ઓટલો સાવ નાનો છે, એકપણ પ્રકારની પ્રસિદ્ધી નથી. જનસમાજ માટે એક તદ્દન સામાન્ય સાધુ છે. ધાર્મિક શ્રદ્ધાના ઠેકાણાથી વિશેષ કશું નથી એવાં સાધુને મળવા જવાનું છે. છતાંય તેઓ સૌથી નોખા કે અનોખા છે. ગામના સીમાડે એક નાનકડા મંદિર પાસે મઢુલી બનાવીને રહે છે. આજુબાજુના ગામમાં પહેલા જતાં. હવે પણ જાય છે, ઝોળી ફેરવે છે પણ હવે ઝોળીમાં રોટલા નથી પણ...આ બાબત જ એમને ત્યાં સુધી ખેંચી જાય છે. બાકી કોઈ આશ્રમમાં જઈ ગાદીપતિના પગમાં આળોટવાનું ફાવતું કે ગમતું નથી.

 

અમે રોડ પર આવીને ઊભા રહ્યાં.ત્યાં પહોંચવા માટે ચાલીને જવાનું હતું.

 

હજુ ગઈ રાતે જ વરસાદ પડ્યો તેથી સીમ આખી લીલકાઈ ગઈ હતી. ઉગતા સુરજના કોમળ  કિરણો સોનેરી ચાદર બિછાવી રહ્યાં હતાં. પવન હજુ આરામ ફરમાવી રહ્યો હતો. વૃક્ષો સ્થિતપ્રજ્ઞ ઋષીનાં જેમ મૌન ધારણ કરીને ઊભા હતાં. નીરવ અને નિરાકાર વગડાની વચ્ચે નાનકડું મંદિર સમજુ છોકરાની જેમ શાંત થઇ, પલાંઠીવાળીને છાનામાનું બેઠું છે. આ બધું મનભરીને જોવું ગમે છે.

 

મારા સાથે જે માણસ છે, તેનાં સાથે હું છું કે મારાં સાથે તે છે...આ કહેવું મુશ્કેલ છે.પણ બન્ને સાથે છીએ તે નરવી હકીકત છે. તે પોલીસ અને હું શિક્ષણનો માણસ. પ્રકૃતિમાં તદ્દન વિરોધાભાસ. કહેવાય છે કે, પોલીસ શિક્ષક જેવું વર્તન કરે તો ચાલે પણ શિક્ષક પોલીસ જેવું વર્તવા જાય તો ભારે મુશ્કેલી સર્જાય !

 

મને કહ્યું:” આમ ચાલતા દસ-પંદર મિનિટ થશે, બહુ દૂર નથી.”

 

"સાધુઓ અને તેનાં આશ્રમની વિભાવના જ બદલાઈ ગઈ છે. ક્યાંક તો આશ્રમમાં ફાઈવસ્ટાર હોટેલ જેવી સુવિધાઓ ઉપલબ્ધ હોય છે. પૈસા ફેંકો અને તમાશા દેખો જેવી સ્થિતિ છે."

અમે બન્ને ખેતર વચ્ચેની એક કેડી પર ચાલવા લાગ્યાં. વરસો પછી આમ રફ રસ્તે ચાલવાનું બન્યું તેથી તકલીફ થતી હતી છતાંય ચાલવામાં આનંદ આવતો હતો. મારે તો એક દિવસ ચાલવાનું છે બાકી દરરોજ આમ ચાલતાં હશે તેને શું થતું હશે ! તેમાં આ સાધુ તો કેટલું ચાલે છે...

 

શ્રદ્ધા, આસ્થા અને ભક્તિભાવે લોકો આશ્રમમાં જતાં હોય છે. પ્રસાદી લેવાય, દાન-દક્ષિણા આપવામાં આવે,ગાદીપતિ સાધુ કોઈ એવાં આશીર્વાદ આપે.. તેમાં અંધશ્રદ્ધા પણ ભારોભાર ભરેલી હોય છે. છતાંય મનની શાંતિ માટેનું ઠેકાણું તો જરૂર કહી શકાય. પણ આજે તો જાણે સાધુઓ અને તેનાં આશ્રમની વિભાવના જ બદલાઈ ગઈ છે. ક્યાંક તો આશ્રમમાં ફાઈવસ્ટાર હોટેલ જેવી સુવિધાઓ ઉપલબ્ધ હોય છે. પૈસા ફેંકો અને તમાશા દેખો જેવી સ્થિતિ છે. આવાં સમયે કોઈ સાધુ ખરા અર્થમાં સાધુત્વને શોભાવતા હોય તો તેમના દર્શન અને પાયલાગણતો કરવા જ જોઈએ. તેથી અમે આમ નીકળ્યા છીએ.

 

પહેલી વખત જયારે આ પોલીસવાળા ભાઈ મને મળ્યાં ત્યારે થયું કે, આ માણસ મારા તો શું કોઈના વાંચક ન હોય શકે. એકવડો બાંધો અને માપસરની ઊંચાઈ સુધી તો બરાબર. પણ મો પર પૂળોપૂળો મૂંછો. જોતાં જ ડર લાગે. પણ તેમની વાણીએ ગજબનો જાદુ કરેલો. મને સંમોહિત કરી દીધેલો. કારણ કે વાંચન અને વિચાર તેમની વાણીમાંથી મુક્તપણે ટપકતાં હતાં. તેમણે વાતમાંથી વાત કરતાં કહેલું, કે એક સાધુ મા’રાજને પણ વાંચનનો ભારે શોખ છે, આખો દિવસ કંઈકને કંઇક વાંચતા જ હોય ! અહીં સુધી તો ઠીક.. હોય ઘણાં સાધુ સંતો વાંચે છે અને સારું લખે છે. પણ આગળની વાત કરી તે મારા માટે આશ્ચર્યજનક હતી. તેમણે કહ્યું કે, અમે તો આમ પોલીસવાળા બહારથી ભલે રુક્ષ લાગીએ પરતું અંતરથી પોચા અને મીઠાં હોઈએ છીએ. વળી ભક્તિભાવવાળા ખરાં. થોડાં વરસો પહેલા આ મંદિરે આવેલો. સાધુ મા’રાજ બેઠાં બેઠાં પસ્તીમાં આવેલા જુના છાપાંઓ વાંચી રહ્યાં હતાં. પછી વાતચીતમાં ખ્યાલ આવ્યો કે વાંચવાનો ગજબનો શોખ છે પણ છાપાં કે પુસ્તકો ક્યાંથી લાવવા !?

 

આ સમયે આ પોલીસવાળા ભાઈએ તેનાં ટૂંકા પગારમાંથી, કરકસર કરીને પણ આ સાધુ માટે છાપાં અને થોડાં સામયિકોના લવાજમ ભરી આપ્યા હતાં. નાનકડા ગામની ટપાલ વ્યવસ્થામાં એ બધું ગોઠવાઈ ગયેલું. પણ એક નોનકરપ્ટેડ અને તદ્દન સામાન્ય વ્યક્તિ જે ઘરમાં કરકસર કરી, કોઈ સાધુ માટે લવાજમ ભરે....મારી જિંદગીમાં આવું પહેલીવાર જાણવા કે સાંભળવા મળ્યું હતું.

 

મંદિરમાં લોકો ખૂબ જ દાન-દક્ષિણા આપે છે. અદ્યતન મંદિરો બંધાવે છે...તે તેનો વિષય છે. આપણે  છંછેડવા જેવો નથી. પણ એકવીસમી સદીના મંદિરની કલ્પના જરા જુદી હોઈ શકે.

 

"સાધુ મા’રાજ મોબાઈલ પર કોઈક સાથે વાત કરી રહ્યાં હતા. સંસાર ત્યાગીને સીમાડે રહેનાર સાધુને પણ સમાજના સંપર્ક વગર ચાલતું નથી. પણ આ સાધુ તો પુસ્તક અંગેની વાત કરી રહ્યાં હતાં."

અમે પહોચ્યા ત્યારે સાધુ મા’રાજ મોબાઈલ પર કોઈક સાથે વાત કરી રહ્યાં હતા. હવે આમ હોવું નવાઈભર્યું નથી. સંસાર ત્યાગીને સીમાડે રહેનાર સાધુને પણ સમાજના સંપર્ક વગર ચાલતું નથી. પણ આ સાધુ તો પુસ્તક અંગેની વાત કરી રહ્યાં હતાં.

 

સામયિકો આવતાં શરુ થયા. પણ વાંચી લીધા પછી શું કરવું તે વિચારે ઝોળીમાં લઈને નીકળે. કોઈ વિદ્યાર્થી કે વાંચનપ્રિય વ્યક્તિને આપે....પછી તો, રોટલાની સાથે સાથે પુસ્તકોની ઝોળી આજુબાજુના ગામમાં ફરવા લાગી. સુરત વસતા રત્નકલાકારો દ્વારા સહાય મળવી શરુ થઇ, તેથી પોતે વાંચન તરસ સંતોષે અને ગ્રામજનોની તરસને પણ તૃપ્ત કરવા લાગ્યાં.

 

થોડી વાતો કરી. હું ખાસ આપને મળવા આવ્યો છું તેવું કહ્યું ત્યારે સાધુના મો પરની લકીર થોડી વંકાઇ. હું બહુ ઓછી ક્ષણોમાં પામી ગયો. કારણ કે સાધુ આવું સાવ નોખા પ્રકારનું કાર્ય કરી રહ્યાં છે છતાંય તેમણે પ્રસિદ્ધિનો મોહ રાખ્યો નથી અને પોતે અહીં ખાસ મળવા આવ્યા છે...તેવું સાબિત કરવાનો પ્રયત્ન સારો નહી તે બાબત મને સમજતાં સમય ન લાગ્યો.

 

હાથે પકાવેલી દાળ-રોટીનો પ્રસાદ પામીને અમે ભાવવંદના સાથે વિદાઈ લીધી. વગડામાંથી હડેડાટ હાલ્યો આવતો નખરાળો પવન જાણે જીવનનો કંઇક જુદો જ સંદેશો આપી રહ્યો હતો.

Raghavji Madhad

Raghavji Madhad

(રાઘવજી માધડ ગુજરાતી લોક સાહિત્યના પ્રખર અભ્યાસી છે. તેઓ ગુજરાતી લોક સાહિત્યની જાણી-અજાણી વાતો અને પ્રસંગોનું નિરૂપણ લોકબોલીમાં જ કરીને પ્રાચીન સાંસ્કૃતિક વારસાથી સાંપ્રત પેઢીને પરિચિત કરાવશે.)

More...

 

(નોંધ – ઉપરોકત વિચારો લેખકના પોતાના છે જીજીએન તેની સાથે સહમત છે એમ માની લેવું નહીં.)

 

Reader's Feedback:

blog comments powered by Disqus

Today Cartoon

GGN Voice
 
Radisson

Opinion Poll

 
અરવિંદ કેજરીવાલ વારાણસીમાં મોદી સામે જીતી શકશે ?
હાં. જીતી જશે 80.15 %
નાં. હારી જશે. 19.21 %
કહીં ન શકાય. 0.63 %