
સોયાબીન, મગફળી, મકાઇ, તલ અને સુર્યમુખી જેવા ભારતનાં ખરિફ સિઝનનાં તેલીબિયાનાં નવા પાક મંડીઓમાં આવી ગયા છે. જ્યારે રવિ સિઝનનાં સરસવ, ઉનાળુ મગફળી, કપાસિયા અને ઉનાળુ મકાઇ જેવા નવેક તેલીબિયાનાં વાવેતર થઇ ગયા છે. આમતો ખરિફ વાવેતરનાં પ્રારંભે એટલે કે જુન , જુલાઇ તથા ઓગસ્ટ-૧૩માં સચરાચર વરસાદનાં કારણે દેશમાં ખરિફ તેલીબિયાનું બમ્પર વાવેતર થવાના અંદાજ મુકાયા હતા, પણ સપ્ટેમ્બર માસમાં મેઘરાજા અચાનક અદ્રશ્ય થઇ જતા આંકડાશાસ્ત્રીઓનાં આંકડા ખોટા પડવાની દહેશત ઊભી થઇ હતી.
સોયાબીન તથા તલનાં પાકમાં આ દહેશત કાંઇક અંશે સાચી પણ પડી છે, જોકે મગફળીમાં સપ્ટેમ્બર માસનાં વિપરીત વાતાવરણ છતા પાક બમ્પર થયો છે. કદાચ એટલે જ એક સમયે ૨૦૦૦ રૂપિયાનાં ભાવે વેચાયેલો ૧૫ કિલો સીંગતેલનો ડબ્બો આજે ૧૪૫૦ રૂપિયે મળે છે. વપરાશકારોને રાહત છે પણ મિલરો અને ખેડૂતો પડતર નહી થતી હોવાની કાગારોળ કરે છે, સાથે જ તેજીનાં લેણ ઉભા રાખનારા રોકાણકારો પણ. સિંગતેલની સિઝન ઓણ સાલ કદાચ આજ રીતે પુરી થઇ જશે પણ અન્ય તેલીબિયામાં હજુ ઘણી ઉથલ પાથલ થઇ શકે છે. કારણકે આ તેલીબિયાને વૈશ્વિક ડિમાન્ડ તથા સપ્લાય સાથે સીધો સંબંધ છે.
વૈશ્વિક પરિબળો જાણીએ તો સોયાબીન તથા તેલમાં હજુ પણ તેજીની ગરમી દેખાઇ શકે છે. કારણકે આગામી મહિનેથી બ્રાઝિલમાં બાયોડિઝલ માટેની ખપત સાત થી દસ ટકા સુધી વધી શકે છે. આવી જ કાંઇક સ્થિતી આર્જેન્ટિનાની છે. અમેરિકામાં બાયોડિઝલ માટેની બ્લેન્ડર ક્રેડિટ રીન્યુ થવાની શક્યતા ખાદ્યતેલ ક્ષેત્રનાં માંધાતા દોરાબ મિસ્ત્રી વ્યક્ત કરી રહ્યા છે.
ચીન પણ ૭૦૦ લાખ ટન જેટલી સોયાબીન વૈશ્વિક બજારમાંથી આયાત કરશે એવી ધારણા છે. જો કે ચીનની વ્યવસાયિક નીતિ ભારતની રાજનીતિ જેવી છે, જેની કોઇ ચોક્કસ ભવિષ્યવાણી કરી ન શકાય. હાલનાં સંજોગોમાં પણ જો ચીન આયાત કરે તો તેજીવાળા ગંગા પાર થઇ જાય પણ જો ચીન આયાત ન કરે તો આજ તેજીવાળાનાં મોંમા ગંગા જળ મુકવા પડે. બીજી તરફ દક્ષિણ આફ્રિકામાં ખરાબ હવામાને અગાઉની ધારણા કરતા ૧૦૦ થો ૨૦૦ લાખ ટન સોયાબીનનો પાક ઘટાડવાની ચિંતા ઉભી કરી છે. મતલબ કે સોયાબીનનાં વેપારમાં સૌએ ચીન અને આફ્રિકા પર નજર રાખવી પડશે. સુર્યમુખીનાં તેલમાં હાલમાં ઇજીપ્ત તથા ઇરાનની મોટી ડિમાન્ડ છે.
છેલ્લા બે માસથી એરંડા ગુજરાત, મહારાષ્ટ્ર, રાજસ્થાન તથા મધ્યપ્રદેશનાં દરેક પીઠામાં ચર્ચાને ચગડોળે છે. કારણ પણ મજબુત છે. નોરતા પછીનાં સમયગાળામાં એરંડાનાં ભાવમાં ૨૦ થી ૪૦ ટકા સુધીનો ઉછાળો દેખાઇ ચુક્યો છે. મુવમેન્ટ એટલી જોરદાર છે કે આજ સુધી ક્યારેય એરંડાની વાત નહી કરનારા નિષ્ણાંતોને પણ એરંડાની વિષેશ નોંધ લેવી પડે છે. આમતો એરંડાનાં ઉત્પાદનમાં ભારત મોખરે છે અને સાલ ૨૦૧૧-૧૨માં એરંડાનું વૈશ્વિક ઉત્પાદન ૨૦ લાખ ટન હતુ. જેમા ભારતનો હિસ્સો ૧૬ લાખ ટન જેટલો હતો. આજ રીતે સાલ ૨૦૧૨-૧૩માં વૈશ્વિક ઉત્પાદન ૧૪ લાખ ટન હતુ, જેમાંથી ભારતનો હિસ્સો ૧૧ લાખ ટન હતો. પણ એરંડિયાની નિકાસ મોટા પાયે થતી હોવાથી વૈશ્વિક ડિમાન્ડ પર ભાવ વધઘટ થઇ શકે છે.
ગત સાલનાં ઓછા ઉત્પાદનનાં કારણે એરંડાનો વૈશ્વિક સ્ટોક ઓછો હોવાના અહેવાલો વહેતા થયા હતા, સાથે જ ભારતમાં પણ આવક ઘટવાની વાતો આવતી હતી. એમ તો તેજીવાળા ચોક્કસ ગ્રુપ આ હવા ફેલાવતા હોવાના પણ સમાચાર હતા. પણ હમણા બજાર થોડુ સ્થિર થયુ છે. છેલ્લા પાંચ વર્ષથી નિકાસ પણ એકંદરે વધી રહી છે, તેથી જો પાક ખરેખર ઓછો હોય તો ભાવ ભડકી શકે છે. એક અંદાજ પ્રમાણે હાલનાં ભાવે પણ નિકાસ થતી હોવાથી જો ભારતમાં ૧૪ લાખ ટન એરંડાનું ઉત્પાદન થાય તો ભાવ કાબુમાં રહી શકે. બીજીતરફ એરંડામાં પાંચ વાર ઉતારા આવતા હોવાથી હોળી સુધી પાકનું સાચુ ચિત્ર વ્યક્ત કરવુ મુશ્કેલ છે. આવી તકોનો લાભ લઇને તેજી કે મંદી વાળા મોરલા કળા કરી જાય તે સ્વાભાવિક છે.
KS/DP
(નોંધ – ઉપરોકત વિચારો લેખકના પોતાના છે જીજીએન તેની સાથે સહમત છે એમ માની લેવું નહીં.)
Reader's Feedback: