“ગાંઠે ચપટીક અજવાળાં અને સામે અઢળક અંધાર,
પ્રાગટ્યની આ પળે શાને ઊગતો આશંકાનો ઓથાર?”
અંધકારના ગર્ભમાંથી અજવાસની દુનિયામાં મારા પ્રાગટ્યની ક્ષણ નજીક આવી રહી છે. કેવી હશે આ દુનિયા? શું હશે અહીં? કેવો થશે અહીં મારો સત્કાર? મારા આગમનને વધાવનાર કોઇ હશે? કોઇ આંખોને, કોઇ હૈયાને મારી પ્રતીક્ષા હશે? કે પછી હું સદાની ઉપેક્ષિતા જ રહીશ? એક અજાણ ભાવ.. અજાણ દિશા, અજાણ રાહ.... મનમાં જાગતો એક ફફડાટ... આશંકા... અનેક અનુત્તર પ્રશ્નો.. મારું નાનકું હૈયુ કોઇ આશાંકાથી કેમ ફફડી રહ્યું છે? મારા થનગનાટને કોણ રોકી રહ્યું છે?
પ્રાગટ્યની આ પુનિત ક્ષણે મારી અંદર પરમ શ્રદ્ધાને બદલે આવી શંકા શા માટે? કદાચ એનું કારણ એ હોઇ શકે કે માના ગર્ભની અંદર જ ઘણાં સમય સુધી મેં આવા કોઇ સંવાદો સાંભળી લીધા છે. જાણ્યે..અજાણ્યે હું અનેક અણગમતી ચર્ચાઓની સાક્ષી બની ચૂકી છું.
‘હવે જવા દો ને વાત... દીકરીનો પાણો છે.. આપણા કુટુંબની પરાંપરા મુજબ પહેલે ખોળે તો દીકરો જ જોઇએ.. દીકરો હશે તો વંશ આગળ વધશે. સમીર, સમજાવી દેજે નિશાને.. હજુ બહુ સમય નથી થયો... અને હવે તો બધી વાતના ઉપાય હાથવગા છે જ. પહેલો તો દીકરો જ જોઇએ.. દીકરી તો સાપનો ભારો...
મને અવતરવા દેવી કે નહીં એની ચર્ચા ચાલતી હતી! પછી તો આ ચર્ચા બે-ચાર દિવસ સુધી ચાલતી રહી. હું અંદર ને અંદર થરથરતી રહી. મારા અસ્તિત્વનો આધાર આ બધી દલીલો પર ટકી રહ્યો છે? દીકરી હોવું એ જ એકમાત્ર મારો અપરાધ?
હું તો થરથરી ઊઠી.. શું થતો હશે આ બધાનો અર્થ? હું દીકરી છું..એટલી સમજ મને પડી છે. પણ દીકરી એટલે સાપનો ભારો? હું દીકરી છું એ મારો ગુનો છે? હું પણ એ જ પરમાત્માનું સર્જન નથી?
ત્યાં સંભળાયાં કોઇનાં ધીમા ડૂસકાં...
સમીર, બા પોતે જ કોઇની દીકરી નથી? મારી દીકરીને આ દુનિયામાં આવવાનો હક્ક નથી?
વાક્ય અધૂરું જ છોડી દેવાયું. પણ એ અવાજ ભીનાશથી નીતરતો હતો.
હું તો અંદર જ આખેઆખી હચમચી ઊઠી. આ તો મને અવતરવા દેવી કે નહીં એની ચર્ચા ચાલતી હતી! પછી તો આ ચર્ચા બે-ચાર દિવસ સુધી ચાલતી રહી. હું અંદર ને અંદર થરથરતી રહી. મારા અસ્તિત્વનો આધાર આ બધી દલીલો પર ટકી રહ્યો છે? દીકરી હોવું એ જ એકમાત્ર મારો અપરાધ?
આજે હું..એક ન જન્મેલી દીકરી આપ સૌને પ્રશ્ન પૂછી રહી છું..તમે સૌ પણ એક દીકરી જ છો ને? તમે યે મને સાપનો ભારો માનશો? હું તો વહાલનું ખળખળ વહેતું ઝરણું બનીશ...તમારા ચપટીક અમથા પ્રેમ સિવાય બીજી કોઇ મોટી અપેક્ષાઓ મને નથી.
પણ ના.. ના... કોઇ તો એવું છે જે મને આવકારવા મથે છે. મારા આગમનને ઇચ્છે છે. એટલી સાંત્વના તો જરૂર પામી શકી. પરંતુ સાથે સાથે મારી આસપાસ ચાલતી તીખી ચર્ચાઓ, દલીલો, કોઇનાં આંસુઓ, વલોપાત, કોઇની નારાજગી મેં જાણી લીધાં છે. કોની નારાજગી? એ કોણ હશે એની તો આ ક્ષણે જાણ નથી. પરંતુ મારા આગમનથી કોઇ નારાજ છે એટલું તો હું જરૂર જાણી શકી છું. અલબત્ત એ નારાજગી શા માટે એનો કોઇ ખ્યાલ નથી. પરંતુ મારા કોઇ વાંકગુના વિના મારા અસ્તિત્વને મીટાવી દેવાની કોઇની ઇચ્છા જાણી લેવાથી હું ભયભીત બની ઊઠું એ સ્વાભાવિક નથી? શું હું કોઇને માટે ભારરૂપ છું? મને સાપનો ભારો શા માટે કહે છે? આ ક્ષણે તો મને કશું સમજાતું નથી. સમજાય છે તો માત્ર એટલું જ કે કોઇક તો એવું છે જેને આ દુનિયામાં મારું આગમન નથી ગમતું.
પણ..અંતે મને અવતરવા દેવાનું નક્કી થયું. અને મારી ભીતરમાં એક હાશકારો છવાયો. હાશ! હવે હું આ સુંદર દુનિયા જોઇ શકીશ.
હું…એક દીકરી…સાપનો ભારો નહીં..તમારા આંગણાનો તુલસીક્યારો બનવા આવી છું. મને અવતરવા દેશો ને? મને આવકારશોને?? વિશ્વની સમસ્ત દીકરીઓની પ્રતિનિધિ બનીને આજે હું..એક ન જન્મેલી દીકરી આપ સૌને પ્રશ્ન પૂછી રહી છું..તમે સૌ પણ એક દીકરી જ છો ને? તમે ય મને સાપનો ભારો માનશો? હું તો વહાલનું ખળખળ વહેતું ઝરણું બનીશ...તમારા ચપટીક અમથા પ્રેમ સિવાય બીજી કોઇ મોટી અપેક્ષાઓ મને નથી.
મને..મારા અસ્તિત્વને મીટાવી દેવાના કોઇ ચોક્કસ કારણો તમારી પાસે છે?
આ ક્ષણે તો મનમાં ઊઠતા મારા આ પ્રશ્નોનો જવાબ મને કયાંથી મળવાનો? આવનારો સમય પોતાની અંદર મારા સઘળા પ્રશ્નો સંગોપીને બેઠો જ હશે ને? કોઇ પળે સમયની બાંધ મુઠ્ઠી ખૂલશે અને....
તમારી પાસે કદાચ એવા કોઇ કારણો હોય..જેને લીધે તમે મને આવકારતા ડરતાં હો તો એ કારણો મીટાવો... મારા અસ્તિત્વને શા માટે મીટાવવાનું વિચારો છો? કારણો નથી મીટાવી શકતા તો મને જ મીટાવી દેશો? શા માટે? આખરે શા માટે? અને તમે પોતે કોઇની દીકરી છો.. તમારા જ એક નાનકડા અંશનો અનાદર શા માટે? મને નહીં આવકારો? હું યે એ જ પરમ પિતાનું સર્જન છું. મને તમારા આંગણામાં ખીલવા દેશો ને? હું ઘરદીવડી બની તમારા આંગણાને અજવાળીશ... ભારરૂપ નહીં બનું. મને તમારા અંતરમાં ચપટીક જગ્યા આપશોને?
આ ક્ષણે તો મનમાં ઊઠતા મારા આ પ્રશ્નોનો જવાબ મને કયાંથી મળવાનો? આવનારો સમય પોતાની અંદર મારા સઘળા પ્રશ્નો સંગોપીને બેઠો જ હશે ને? કોઇ પળે સમયની બાંધ મુઠ્ઠી ખૂલશે અને....
અત્યારે આ ક્ષણે તો મારી ટચુકડી આંખો બંધ કરી હું પરમ પિતા પરમેશ્વરને પ્રાર્થી રહું છું...મને પ્રતીક્ષા રહેશે તમારા ચપટીક સ્નેહની...તમારાં અંતરની ઉષ્માની...તમારાં હૈયાની હૂંફની..
અનેક અરમાનો..શમણાઓ લઇને અવતરવા માગતી એક નાનકડી બાળકીને આપ સૌ વહાલ કરશોને?
લિ. એક અજન્મી બાળકીનાં વંદન..
ND / KP
(નોંધ – ઉપરોકત વિચારો લેખકના પોતાના છે જીજીએન તેની સાથે સહમત છે એમ માની લેવું નહીં.)
Reader's Feedback: