આપણે સૌએ કોઇ પણ શુભ, દરેક મંગલ કાર્યની શરૂઆતમાં બ્રાહ્મણોને નીચેનો એક મંત્ર બોલતા સાંભળ્યો જ હશે.
“સ્વસ્તિ ન: ઇન્દ્ર વ્રુધ્ધ્શ્ર્વા: ન: પૂષા: વિશ્વવેદા:!
સ્વસ્તિ નસ્તાક્ષ્ર્ય્રો અરિષ્ટ્નેમિ: સ્વસ્તિ નો બ્રુહસ્પતિર્દધાતુ !!”
અર્થાત્.. …“હે મહાન કીર્તિવાળા ઇન્દ્ર, અમારું કલ્યાણ કરો. વિશ્વના જ્ઞાનસ્વરૂપ દેવ, અમારું કલ્યાણ સાધો. જેમનું હથિયાર અમોઘ છે એવા ગરૂડ ભગવાન અમારું મંગલ કરો.”
સારા અવસરે ઘણી વાર અનેક વિઘ્નો નડતા હોય છે. એવી આપણી માન્યતા હોય છે. તેથી એને નિવારવા માટે.. કોઇ પણ કાર્ય નિર્વિઘ્ને પૂરૂ કરવાની મંગલ ભાવના સાથે સ્વસ્તિકનું પ્રતીક સંકળાયેલું છે. સ્વસ્તિક શબ્દ સુ+અસ્- ધાતુમાંથી બનેલો છે. સુ એટલે સારું, કલ્યાણમય, મંગલ અને અસ-એટ્લે સત્તા, અસ્તિત્વ. આમ સ્વસ્તિ એટલે કલ્યાણની સત્તા, માંગલ્યનું અસ્તિત્વ અને તેનું પ્રતીક એટલે આપણો સાથિયો કે સ્વસ્તિક.
એક પ્રતીક મૌન રહીને ઘણું કહી શકે છે. નાનકડા એવા પ્રતીકના માધ્યમથી મહાન વિચારો સરળતાથી અને સહજતાથી સંક્ષેપમાં વ્યક્ત થઇ શકે છે. સાહિત્યમાં, ખાસ કરીને કાવ્યમાં આવા પ્રતીક દ્વારા કવિ કેટકેટલું કહી શકે છે.
આપણી ભારતીય સંસ્કૃતિમાં દરેક પ્રતીકનું..સિમ્બોલનું એક આગવું મહત્વ છે. કોઇ પણ પ્રતીક એ આપણી સંસ્કૃતિના સૂત્રરૂપ છે. એક નાનકડા સૂત્રની અંદર અનંત અર્થ સમાયેલ હોય છે. તેવી જ રીતે પ્રતીકમાં પણ અનેક અર્થ સમાયેલ હોય છે. એક નાનકડા ચિત્ર દ્વારા કે એકાદ શબ્દ દ્વારા એ કેટકેટલું સૂચવી જાય છે. ઉદાહરણ તરીકે એકાક્ષરી શબ્દ “ઓમ્”માં કેટલા વિશાળ પરિમાણો ગર્ભિત રીતે સંકળાયેલા છે. જે રીતે એક નાનકડા બીજની અંદર ઘટાદાર વૃક્ષ સમાયેલ હોય છે. એ જ રીતે દરેક પ્રતીકમાં અનેક અર્થો છૂપાયેલા હોય છે અને એની પાછળ સચવાયેલી હોય છે એક પવિત્ર ભાવનાની ખૂશ્બુ. આ ભાવના જ જે-તે પ્રતીકને સાર્થક અને જીવંત બનાવે છે.
ભૌતિક રીતે જોતાં રાષ્ટ્રધ્વજ એ રંગીન કપડાનો નાનકડો ટુકડો જ છે ને? પરંતુ તેમાં સાંસ્કૃતિક ભાવના વણાયેલી છે, એની સાથે આપણું મન જોડાયેલું છે. એને આપણે કાપડના ટુકડા તરીકે નથી જોતા. એને ગૌરવથી આપણા દેશના પ્રતીક તરીકે માન આપીએ છીએ અને આપણા માટે તે અમૂલ્ય બની રહે છે. સામાન્ય પથ્થરને સિંદૂર લાગતા તે પથ્થર ન રહેતાં ભગવાન બની રહે છે કે પથ્થરને આકાર આપતા તે મૂર્તિ બની જાય છે. એ જ રીતે ચૂડી અને ચાંદલા જેવી સામાન્ય વસ્તુ જ્યારે સ્ત્રીના સૌભાગ્યની ભાવના સાથે સંકળાય ત્યારે તેનો અર્થ બદલાઇ જાય છે.
આમ પ્રતીક એ મૌનની ભાષા છે. બિંદુમાં સિંધુ કે ગાગરમાં સાગર જોવાની સમર્થતા આ પ્રતીકમાં છૂપાયેલી છે. એક પ્રતીક મૌન રહીને ઘણું કહી શકે છે. નાનકડા એવા પ્રતીકના માધ્યમથી મહાન વિચારો સરળતાથી અને સહજતાથી સંક્ષેપમાં વ્યક્ત થઇ શકે છે. સાહિત્યમાં, ખાસ કરીને કાવ્યમાં આવા પ્રતીક દ્વારા કવિ કેટકેટલું કહી શકે છે. પ્રતીકાત્મક..રૂપકની રીતે કહેવાયેલ શબ્દોમાં અલગ પ્રકારનું સૌંદર્ય નિખરી રહે છે. રસનો અનુભવ થાય છે, જે સાહિત્યના પ્રાણસમાન છે. તેથી જ સાહિત્યમાં પણ પ્રતીકનું આગવું મહત્વ છે.
આપણે દરેક શુભ પ્રસંગે..દિવાળી જેવા તહેવારમાં ઘરના ઉંબરે, સાથિયો કરતા હોઇએ છીએ. હવે તો આપણા રસોડામાંથી પાણિયારા અદ્રશ્ય થવા લાગ્યા છે. પહેલાના સમયમાં ત્યાં પણ ઘણાં અવસરે કુમકુમનો સાથિયો અચૂક સ્થાન પામતો. આ સાથિયા પાછળનો સંકેત...એનો અર્થ આપણે જાણવો ગમે જ ને? આ સાથિયાને આપણી સંસ્કૃતિનાં એક ખાસ શુભ, મંગલ પ્રતીક તરીકેનો દરજ્જો મળ્યો છે. કોઇ શુભ પ્રસંગે કે દિવાળી જેવા તહેવારમાં આપણે શુકનના પ્રતીક તરીકે સાથિયો જરૂર દોરીએ છીએ.
સાથિયાની ચાર બાજુઓ એટલે ભગવાન વિષ્ણુના ચાર હાથ..જે પોતાના ચાર હાથથી ચારે દિશાનું પાલન કરે છે. સ્વસ્તિક એટલે બધી બાજુથી, બધી રીતે બધાનું ભલું થાઓ..એવો ભાવ આ પ્રતીકમાં સમાયેલો છે.
એક ઊભી રેખા અને તેના પર તેટલી જ બીજી આડી રેખા એ સ્વસ્તિકની મૂળ આકૃતિ હતી. ઊભી લીટી એ જ્યોતિર્લિંગનું સૂચન કરે છે. જયોતિર્લિંગ એ વિશ્વની ઉત્પતિનું મૂળ કારણ મનાય છે. અને આડી રેખા એ વિશ્વનો વિસ્તાર બતાવે છે. ખ્રિસ્તી ધર્મમાં જે રીતે ક્રોસ ને શુભ ચિન્હ ગણવામાં આવે છે એ ક્રોસનું મૂળ ઉદ્દભવસ્થાન આ સ્વસ્તિક છે. એના મૂળિયા આપણા સાથિયામાં છૂપાયેલા છે. આખરે તો દરેક ધર્મનો સાર એક જ છે ને, ઉપરના ડાળ, પાંદડા..ક્રિયાકાંડ ભલે અલગ હોય..મૂળિયા તો એક જ. દરેક ધર્મનો સાર એક જ વાક્યમાં કહેવો હોય તો આમ જરૂર કહી શકાય..બી ગુડ એન્ડ ડુ ગુડ..
સાથિયાની ચાર બાજુઓ એટલે ભગવાન વિષ્ણુના ચાર હાથ..જે પોતાના ચાર હાથથી ચારે દિશાનું પાલન કરે છે. સ્વસ્તિક એટલે બધી બાજુથી, બધી રીતે બધાનું ભલું થાઓ..એવો ભાવ આ પ્રતીકમાં સમાયેલો છે. સ્વસ્તિકની ઊભી રેખા ભગવાન હંમેશા મારી સાથે ઊભા છે તેનું સૂચન કરે છે અને આડી રેખા વિશ્વનો વ્યાપ દર્શાવે છે. તે સૂચવે છે કે આપણે ભગવાનના કામ માટે વિશ્વ તરફ વળવાનું છે.
સાથિયાની ચાર રેખાઓ સંદેશ આપે છે કે કે ચારે દિશાઓ આપણી પર શુભ વિચારો વરસાવે છે. ચાર રેખાઓ ચારે દિશાઓ પોતામાં સમાયાનું સૂચન કરે છે. બધા સંકુચિતતાઓ છોડીને ચારે દિશામાં, ચારે તરફ માનવીની સંવેદનાનો, કરૂણાનો વિસ્તાર કરવાનો સંદેશ આ પ્રતીક આપે છે. સાથિયાની દરેક રેખા દ્રઢ અર્થાત્ પોતાને સ્થાને અને સમાન છે. એ જ રીતે માનવીએ પણ પોતાના ધ્યેયમાં અડગ, સ્થિર અને સૌ માટે સમાન બનવું જોઇએ.
સાથિયો લાલ રંગના કુમકુમથી કરાય છે. સમગ્ર સૃષ્ટિમાં માણસમાત્રના લોહીનો રંગ લાલ છે. અર્થાત્ દરેક માનવી સમાન છે. તો આ ભેદભાવ શાને? આમ સાથિયો એકતાનું પ્રતીક છે. શુભ અવસરે ઘરના બારણા પર કે ઉંબર પર કરાતા સાથિયા પાછળ આ જ મંગલ ભાવના સમાયેલી છે.
મિત્રો, આપણે હવેથી જયારે આ સાથિયો કરીશું ત્યારે જાગૃત મન સાથે આ મંગલ ભાવનાનું સ્મરણ કરીને સૌનું શુભ ઇચ્છીશું ને?
સર્વે ભવંતુ સુખિન: સર્વે સંતુ નિરામયા..
ND / KP
(નોંધ – ઉપરોકત વિચારો લેખકના પોતાના છે જીજીએન તેની સાથે સહમત છે એમ માની લેવું નહીં.)
Reader's Feedback: