પ્રહર પ્રહર મોસમ મોસમના
મણકા સરતા જાય
સમયની તસ્બીહ ફરતી જાય..
સમય કદી કોઇનો રોક્યો રોકાતો નથી. એની ઉડાન અવિરત ચાલતી રહે છે. સઘળા સ્પંદનોથી દૂર..સાક્ષી ભાવે એ સરતો રહે છે. આવું અનેકવાર..અનેક જગ્યાએ આપણે વાંચતા રહીએ છીએ કે સાંભળતા રહીએ છીએ. આપણા મનની અવસ્થા મુજબ કદીક એની ગતિ આપણને ઝડપી લાગતી હોય છે તો કદીક એની ગતિ ખોડંગાતી લાગે છે.
આજે લગભગ દરેક પાસેથી આપણને એક વાકય અવારનવાર સાંભળવા મળતું રહે છે.
“સમય જ ક્યાં મળે છે યાર, બહુ બિઝી છું. ચોવીસ કલાક પણ ઓછા પડે છે. એક મિનિટનીયે ફુરસદ નથી મળતી..નિરાંતે શ્વાસ લેવાનોય સમય નથી મળતો.”
આવા અનેક જાતના વાકયોની આજેકાલ કોઇ નવાઇ નથી રહી. બલ્કે કોઇ કહે છે કે મારી પાસે સમય છે ત્યારે આશ્વર્ય લાગે છે.
આપણે ઘડિયાળના માલિક નહીં પણ ગુલામ બની ગયા છીએ એવું નથી અનુભવાતું? કદીક બે પાંચ મિનિટ આરામથી બેઠા હોઇએ અને અચાનક ઘડિયાળ સામે નજર જાય અને આપણે હાંફળા ફાંફળા બની ફરી એકવાર ભાગીએ છીએ..
આજે દરેક કામ માટે જાતજાતના યંત્રો આપણી સેવામાં હાજર છે. સ્વિચ દબાવો અને અનેક કામો થઇ જાય છે. અને છતાં આપણી પાસે સમય નથી.. એકવીસમી સદીનો આ કદાચ સૌથી મોટો અભિશાપ છે. કોઇ પાસે નવરાશ નથી. અતિવ્યસ્તતા જાણે આજના યુગની ઓળખ બની ગઇ છે.
જીવનમાં આજે કોઇને નવરાશ નથી અને જયાં નવરાશ ન હોય ત્યાં હળવાશ..હાશકારો તો હોવાનો જ ક્યાંથી? આજના માનવીનું જીવન જાણે યંત્ર જેવું બની ગયું છે અને યંત્રને વળી હાશકારો કેવો કે નિરાંત કેવી?
અત્યારે કામ કરી લઇએ પછી નિરાંતે માણીશું..એવી ભ્રામક કલ્પનામાં માનવી રાચતો રહે છે અને ભાગતો રહે છે. પણ જીવનમાં ખરેખર એવી પળ આવતી જ નથી કે આવે છે ત્યારે એ પળને માણવાની શારીરિક ક્ષમતા નથી હોતી. જીવનભર દોડ્યા પછી પણ આપણા હાથ ખાલી જ રહેતા હોય છે. આજને માણવાનું ચૂકી જવાય છે ને આવતી કાલ કદી આવતી નથી. જયોતીન્દ્ર દવેએ સાચું જ કહ્યું છે કે આપણે ઘડિયાળને ચાવી આપીએ છીએ એ આપણો એક ભ્રમમાત્ર છે. હકીકતમાં ઘડિયાળ આપણને ચાવી આપીને દોડાવે છે કે ચલાવે છે.
આપણે ઘડિયાળના માલિક નહીં પણ ગુલામ બની ગયા છીએ એવું નથી અનુભવાતું? કદીક બે પાંચ મિનિટ આરામથી બેઠા હોઇએ અને અચાનક ઘડિયાળ સામે નજર જાય અને આપણે હાંફળા ફાંફળા બની ફરી એકવાર ભાગીએ છીએ.. ક્યાં? કઇ તરફ? શા માટે? એવા ક્ષુલ્લક વિચારો કરવાનો સમય ક્યાં છે?
બહુ દૂરની..મહાપુરૂષોની વાત નહીં કરું.. પણ પ્રબોધભાઇની વાત કરવી ગમશે.
અનેક લોકો રોજ ફરિયાદ કરે છે કે અમને સમય નથી મળતો. પણ મોટા મોટા કામ કરનારા અનેક માણસો નજીવા કામો કરવાની ફુરસદ પણ મેળવી જ લે છે. જરૂર છે..વિચારપૂર્વકના આયોજનની.
ઉદ્દેશના તંત્રી પ્રબોધભાઇ જોશી..કોર્પોરેટ લેવલના અતિ વ્યસ્ત માણસ.. મહિનામાં પંદર દિવસ વિદેશ ફરનારા.. પણ ક્યારેય એમની પાસેથી સમય નથી એવો શબ્દ નથી સાંભળ્યો. નાનામાં નાની વ્યક્તિને જવાબ આપે જ..અને એ પણ તુરત.. હું મારી વાર્તા વાંચવા મોકલું અને સૂચન માગું ત્યારે ક્ષોભથી કહું કે “પ્રબોધભાઇ મને જાણ છે કે તમે અત્યંત બિઝી છો..છતાં..” ત્યારે હસતા ચહેરે એમનો હંમેશનો જવાબ..“એની ચિંતા તમારે નથી કરવાની..એ મારો પ્રશ્ન છે અને મારી પાસે હંમેશાં સમય છે.” અને આ અનુભવ મારી એકલીનો નહીં અનેક લોકોનો રહ્યો છે. આવો જવાબ તમને પ્રસન્નતાસભર બનાવે જ ને? તમારે માટે કોઇને સમય છે એવું કોઇ કહે ત્યારે મન કેવી પ્રસન્નતા અનુભવે? આવી પ્રસન્નતા આપણે પણ બીજાને આપવી ન જોઇએ?
મહેન્દ્ર મેઘાણી સંપાદિત મજાનું પુસ્તક અડધી સદીની વાચનયાત્રા આપણામાંના ઘણાંએ વાંચ્યું હશે. એમાંની એક મને બહુ ગમી ગયેલી વાત ગમતાનાં ગુલાલ તરીકે અહીં આપ સૌ માટે..શબ્દો તો પૂરા યાદ નથી. પણ મૂળ વાત આ જ છે.
અનેક લોકો રોજ ફરિયાદ કરે છે કે અમને સમય નથી મળતો. પણ મોટા મોટા કામ કરનારા અનેક માણસો નજીવા કામો કરવાની ફુરસદ પણ મેળવી જ લે છે. જરૂર છે..વિચારપૂર્વકના આયોજનની.
ચાલો, માની લો કે આપણી પાસે ફક્ત પંદર મિનિટનો સમય છે. આ ફક્ત પંદર મિનિટમાં શું શું કરી શકાય તેની નાનકડી યાદી બનાવવી જોઇએ.
* 15 મિનિટ ખુલ્લી હવામાં ચાલવા જઇ શકાય. કે સાઇકલીંગ કરી શકાય.
* કોઇ સારા પુસ્તકના થોડા પાના વાંચી શકાય.
* શરીરને તંદુરસ્ત રાખવા જુદા જુદા આસનો કે વ્યાયામ કરી શકાય.
* મનને સ્વસ્થ રાખવા પ્રાર્થના, ધ્યાન કે ચિંતન કરી શકાય.
* કશું કર્યા સિવાય શાંત ચિત્તે મૌન બની જાત સાથે સંવાદ સાધી શકાય. અને રિલેક્ષ બની શકાય.
* ઘરના એકાદ-બે રૂમની સફાઇ કરી શકાય.
અહીં આપણે આપણી જરૂરિયાત પ્રમાણે બીજું પણ ઘણું ઉમેરી શકીએ, જેમ કે....
* 15 મિનિટમાં નાના બાળકને નાની એવી સરસ વાર્તા કહી શકીએ.
* કોઇ જૂના મિત્રને કે સ્વજનને ફોન કરી સંબંધો રીચાર્જ કરી શકાય.
જેમ વિચારતા જશું તેમ આવા તો અનેક કામો મળી આવશે જે પંદર મિનિટમાં થઇ શકે. જરૂર હોય છે ફકત આયોજનની.. આપણે કયા નકામા કામોમાં સમય ગુમાવી બેસીએ છીએ એની તપાસ કરીને એને ટાળી શકાય.
પછી કયારેય ગાવું નહીં પડે કે.. “દિલ ઢૂંઢતા હૈ ફિર વોહી, ફુરસદ કે રાત દિન...”
તો દોસ્તો, હવેથી આપણી પાસે સમય છે જ ને? વધુ નહીં તો 15 મિનિટ તો ખરી જ ને?
ND / KP
Reader's Feedback: