અહીં મોટી મોટી.. આદર્શની, જ્ઞાનની ઘણી વાતો કરી. આજે થોડી હળવી વાત..હળવાશથી.. આમ પણ પૃથ્વી ગોળ છે..તેવું તો નાનપણથી ભૂગોળમાં ભણ્યા હતા. એની સાબિતિઓ ગોખી ગોખીને થાકી ગયા હતા. આજે આટલા વરસો પછી એક સાબિતિ ઘેર બેઠા આવી. ઘેર બેઠા ગંગાની જેમ ઘેર બેઠા પૃથ્વી ગોળ હોવાની સાબિતિ.
વાત એમ બની કે એકાદ વરસ પહેલાં અમારા એક સંબંધીને મેં તેના જન્મદિવસે એક ભેટ આપી હતી. આજે એ જ ભેટ ફરી ફરીને તેના મૂળ માલિક...અર્થાત્ મારી પાસે પાસે આવી ગઇ. જો કે આમ તો મૂળ માલિક ન કહી શકાય કેમકે મારી પાસે એ કયાંથી આવી હતી એ મને પણ યાદ નથી. બાઇ બાઇ ચારણીની જેમ એ ન જાણે કેટલા ઘર ફરી ફરીને અંતે મારી પાસે પહોંચી હતી.
નહીંતર તો કદાચ મને એમ થાત કે એના જેવી જ બીજી હશે… બજારમાં એવી જ બીજી વસ્તુ ન મળતી હોય તેવું થોડુ છે? પણ જે સંબંધીએ મને આપી હતી..એ બહેન પણ હશે મારી જેમ ભૂલકણા, કેમ કે ઉપરથી તો પહેલાના બધા ચીટકા તેમણે કાઢી નાખ્યા હતા પણ મેં તો છેક નીચે યે મારા નામનું એક ચીટકું લગાવેલું જે કદાચ કોઇને દેખાયું નહોતું અને તેથી જ એ મારી પાસે ફરીથી હરખાતા હૈયે આવી ચડી હતી.
મારા મગજમાં એક સરસ વિચાર આવ્યો. કે ભેટ લેવાના…. સોરી.. લેવાના નહીં… ભેટ દેવાના નિયમોનું એક ચોક્કસ બંધારણ હોવું જોઇએ જેથી કોઇને તકલીફ ન થાય.
મારી આ ભેટ ઘણાં હાથમાં ફરી આવ્યાનો અનુભવ લઇને આવી હતી એ તો તેના હાલહવાલ પરથી જ દેખાઇ આવતું હતું. અને બિચારું તેનું બોક્ષ તો મરવાના વાંકે જીવી રહ્યું હોય તેવી મરણતોલ હાલતમાં હતું. બધાએ તેને નવા નવા સરસ મજાના કપડા લાલ..લીલી જરીવાળા જરૂર પહેરાવ્યા હતા. પણ માંયલો બદલાવવાની હિમત કદાચ કોઇએ ન’તી કરી..કે પછી એવી જરૂર નહીં લાગી હોય પણ સો વાતની એક વાત આ બિચારી ભેટને કોઇ સંઘરતું નહોતું એ પાક્કું. કદાચ દહેજ પૂરુ નહોતું પડયું.
પણ આ જોઇને મારા મગજમાં એક(બાય ધ વે…હમણાં જ મેં સી.ટી.સ્કેન મગજનું કરાવ્યું છે…અને હાશ! મને તો બીક હતી..કેમકે મારા છોકરાઓ તો એ માટે હમેશા શંકાશીલ રહેતા.પણ ભલું થજો એ ડોકટરનું કે જેણે સાબિતી આપી દીધી કે મારે યે મગજ છે…અને એ યે પાછા એક નહીં.. બે…બે…..) સરસ વિચાર આવ્યો. કે ભેટ લેવાના…. સોરી.. લેવાના નહીં… ભેટ દેવાના નિયમોનું એક ચોક્કસ બંધારણ હોવું જોઇએ જેથી કોઇને તકલીફ ન થાય.
આમેય ભેટ દેવામાં મજા આવતી હોય તેવા કેટલા? મોટે ભાગે તો દેવી પડે તેમ હોય…ખરાબ ન લાગે અને વહેવાર નિભાવવા પડે માટે જ દેવાતી હોય છે ને? અહીં આપણે એવી ભેટની જ વાત કરીએ છીએ. બાકી દિલથી દીધેલી ભેટું થોડી પાછી આવતી હશે? એની થોડી કિંમતુ જોવાતી હશે? એમ તો મને યે થોડી થોડી સમજ પડે છે.
હં..તો મને થયું કે આ ભેટ દેવાનું એક બંધારણ…નિયમો..નક્કી કરી નાખવા સારા.
કામની શરૂઆત કોઇ ન કરે તો જાતે કરવી સારી. વાતું તો બધાય કરે,..કામ કરવાવાળા તો મારા જેવા કો’ક વીરલા જ નીકળે. ગીતામાં ભગવાન કૃષ્ણે કહ્યું છે, કર્મ કર…ફળની આશા ન રાખ. તેથી હું ફળની આશા રાખ્યા સિવાય એટલે કે કોઇને આ બંધારણ કામ લાગશે કે નહીં એ વિચાર કર્યા સિવાય…નિયમો ઘડવાનું કામ ચાલુ કરી દઉં.
ભેટ ભલે પાંચ, દસ રૂપિયાની હોય…પણ ઉપર રેપર કદી જેવું તેવું નહીં લગાડવાનું. એ નવું નક્કોર લાગવું જોઇએ. એમાં કંજુસાઇ સારી નહીં…આપણે પણ કંઇક આબરૂ જેવું તો હોય કે નહીં? આપતી વખતે તો એટલીસ્ટ આપણો વટ પડવો જોઇએ ને?
હા, તો નિયમ નંબર…
1) જો કોઇની આવેલી ભેટ જ પાછી દેવી હોય તો ખાસ સૂચના.. નીચે, ઉપર આજુબાજુ..ચોતરફ બરાબર જોઇ લેવું. ક્યાંય નામ લખેલું રહી નથી ગયું ને? આ જો આજે દેનારે એ ભૂલ કરી નાખી..એમાં મારે આ આખું બંધારણ ઘડવા બેસવું પડ્યું.
2) હવેથી ભેટ દેનાર દરેકે ભેટ પૂંઠાને બદલે હમેશા પ્લાસ્ટીકના બોક્ષમાં જ પેક કરાવવાનો આગ્રહ રાખવો..જેથી ગમે તેટલા હાથમાં ફરે તોયે વાંધો ન આવે.
3) બને તો બોક્ષ ઉપર જ લખી નાખવું કે અંદર છે શું..અને અંદાજે કેટલી કિમતનું છે..રેન્જ લખી નાખો તો યે ચાલે. જેથી લેનારને એ કામની ન હોય તો એ ભેટ હવે પછી કોને આપવી તે નક્કી કરવું સહેલું પડે.
4) ભેટ ભલે પાંચ, દસ રૂપિયાની હોય…પણ ઉપર રેપર કદી જેવું તેવું નહીં લગાડવાનું. એ નવું નક્કોર લાગવું જોઇએ. એમાં કંજુસાઇ સારી નહીં…આપણે પણ કંઇક આબરૂ જેવું તો હોય કે નહીં? આપતી વખતે તો એટલીસ્ટ આપણો વટ પડવો જોઇએ ને? પછી કોઇ મોઢે કહેવા થોડું આવવાનું છે? પછી તો તેરી બી ચૂપ ને મેરી બી ચૂપ.
5) ભેટ ઉપર આપણું નામ હમેશા પેન્સીલથી જ લખવું જેથી બીજી વાર દેનારને છેકવું સહેલું પડે.
6) ભેટ ઉપર કાર્ડ એવી રીતે લગાવવું કે સહેલાઇથી પાછું ઉખેડી શકાય. શક્ય હોય તો સાથે એક કોરું કાર્ડ મૂકી દેવું.
7) એવી સરક્યુલેશન વેલ્યુ ધરાવતી ભેટનો બને તો એક અલગ જ કબાટ રાખવો. જેથી અચાનક ગોતવી હોય તો સહેલું પડે.
આ તો તાત્કાલિક જે નિયમો સૂઝ્યાં તે આપ સૌ વહાલા વાચકોના લાભાર્થે લખી નાખ્યા. બાકીના નિયમો સૌએ પોતાની સગવડ અને જરૂરિયાત પ્રમાણે ઉમેરી લેવા ભાવભરી વિનંતિ.
ND / KP
(નોંધ – ઉપરોકત વિચારો લેખકના પોતાના છે જીજીએન તેની સાથે સહમત છે એમ માની લેવું નહીં.)
Reader's Feedback: