સાવ સાધારણ ઘરની સુજાતા પોતાના રૂપને લીધે સુજય જેવા ગર્ભશ્રીમંત યુવકના ઘરમાં આવી હતી. સુજાતાના રૂપ પાછળ સુજય દીવાનો બન્યો હતો અને તેથી જ બીજા બધા તફાવતને અવગણીને સુજાતાના લગ્ન સુજય સાથે શક્ય બન્યા હતા.
સાસરે આવતાં અહીંનો અઢળક વૈભવ જે કદી જોયો કે જાણ્યો નહોતો એ જોઇને સુજાતાની આંખો અંજાઇ ગઇ હતી. અને હવે પોતે આ અઢળક ધનની સ્વામિની છે એ ભાને તેને ગર્વિષ્ઠ બનાવી. એકાએક આવી પડેલો પૈસો જીરવવો બધા માટે કંઇ આસાન નથી હોતો. સુજાતા માટે પણ આસાન ન બન્યો. અહીં તેને પૂરી સ્વતંત્રતા મળી હતી. સાસુ, સસરા મોટે ભાગે વિદેશમાં રહેતા હતા. તેઓ ત્યાંનો બિઝનેસ સંભાળતા, જ્યારે સુજય અહીંનો બિઝનેસ સંભાળતો હતો. ઘરમાં નોકર ચાકરોની ફોજ હતી. સુજાતાના અઢળક રૂપને હવે તો જાણે ચાર ચાંદ લાગ્યા હતા. કીમતી ઝવેરાત, મોંઘા ડિઝાઇનર વસ્ત્રો, ચહેરા પર પૈસાનો છલકતો રૂઆબ.. સુજાતા હવે પિયર પણ ભાગ્યે જ જતી. હવે તેને એ બધા સ્વજનો તુચ્છ લાગતા. આવી ગંદી જગ્યાએ કેમ રહી શકાય? જ્યાં પોતે જન્મી હતી, ઉછરી હતી એ બધું જ સુજાતા જાણે ભૂલી ગઇ હતી. જાણે એક નવી જ સુજાતાનો જન્મ થયો હતો. અને એ બંને સુજાતામાં આસમાન જમીનનો ફરક હતો.
સુજાતા ક્લબ, પાર્ટીઓ, તેના જેવી જ શ્રીમંત બહેનપણીઓની કીટી ક્લબ આ બધામાં મસ્ત રહેતી. એવામાં અચાનક એક દિવસ તેને જાણ થઇ કે પોતે મા બનવાની છે. તેને મજા ન આવી.
સુજય માટે સુજાતા ગર્વનું...પ્રદર્શનનું સાધન હતી. મોટી મોટી પાર્ટીઓમાં તે સુજાતાને લઇને જતો. ત્યાં આવી સુંદર પત્ની બદલ બધા તેને અભિનંદન આપતા. ત્યારે પોતે આવી રૂપવતી સ્ત્રીનો માલિક છે એનો ગર્વ અનુભવતો. સુજાતા પાર્ટીમાં આકર્ષણનું કેન્દ્ર બનીને ઘૂમતી રહેતી.
સઘળા સ્પંદનોથી દૂર એવો સમય સાક્ષીભાવે સરતો રહ્યો. સુજાતા ક્લબ, પાર્ટીઓ, તેના જેવી જ શ્રીમંત બહેનપણીઓની કીટી ક્લબ આ બધામાં મસ્ત રહેતી. એવામાં અચાનક એક દિવસ તેને જાણ થઇ કે પોતે મા બનવાની છે. તેને મજા ન આવી. ક્યાંક પોતાનું ફિગર બગડી જાય તો? તેણે સુજયને કહ્યું કે પોતે મા બનવા નથી માગતી અને તે એબોર્શન કરાવી નાખવા માગે છે. પણ સુજયે ના પાડી કે ના, એવું કશું કરવું નથી. મમ્મી, પપ્પાને પૌત્રની ખૂબ આશા છે. તેથી આપણે એવું કશું કરવું નથી.
સુજાતાને ગમ્યું તો નહી પણ તેણે કોઇ જિદ ન કરી. સુજાતાએ તેની અનિચ્છાએ પણ દીકરીને જન્મ આપ્યો. પરંતુ સુજાતા જનેતા જ બની શકી મા નહીં જ. તેને દીકરી કરતા પોતાના ફિગરની ચિંતા વધારે હતી. તેથી દીકરી તો જન્મથી જ આયા..એટલે કે મોટા ઘરના રિવાજ મુજબ નેનીના હાથમાં સોંપી દેવાઇ. અને સુજાતા ફરીથી પહેલાની જેમ જ પાર્ટીઓમાં..પોતાની રંગીન દુનિયામાં વ્યસ્ત બની રહી.
દીકરીનું નામ બુલબુલ પાડયું હતું. દીકરીનો જન્મ એટલે સુજાતા અને સુજય માટે એક વધારે પાર્ટી આપવાનો અવસર.. બુલબુલના દર જન્મદિવસે મોટી પાર્ટીનું આયોજન થતું. જ્યાં સ્વાભાવિક રીતે જ આકર્ષણનું કેન્દ્ર બુલબુલ નહીં પણ સુજાતા જ બની રહેતી.
બુલબુલ હવે પાંચ વરસની થઇ ચૂકી છે. દિવસમાં એકાદ વાર માનો ચહેરો જોવા પામે છે. બાકી નેની જેમ રાખે તેમ રહે છે. હવે તો સ્કૂલે જવા લાગી છે. સ્કૂલેથી આવીને ટ્યુશન કલાસમાં જવાનું હોય છે. નાનકડી બુલબુલ પાસે પણ હવે સમય જ ક્યાં બચે છે? તેનું આખું ટાઇમટેબલ બનાવાઇ ગયું છે. એ ટાઇમટેબલ મુજબ તેને જીવવાનું છે.
બુલબુલને કદી પોતાને ઘેર આવવું ગમતું નથી. પણ કોઇ ઉપાય નથી. નેનીને બધું સમયસર બુલબુલને કરાવવાનું છે. એની નોકરીનો સવાલ છે.
હમણાં તેમની સામે એક મધ્યમવર્ગની કોલોની બની છે. જેમાં એક બેડરૂમના નાના નાના ફલેટ છે. એમાં બુલબુલની નેનીના કોઇ સગા રહેવા આવ્યા હતા. બુલબુલને સાથે લઇને નેની ઘણી વાર તેને ઘેર જાય છે. ત્યાં બુલબુલ આરામથી સચવાઇ જાય છે. કેમ કે તેમને પણ બુલબુલ જેવડી જ એક દીકરી, તનિશા છે. બુલબુલને તેની સાથે રમવું બહું ગમે છે. બંને કંઇ ને કંઇ રમ્યા કરે છે. તનિશાની મમ્મી ખૂબ પ્રેમાળ છે. તનિશાને મમ્મી નહી પણ મા કહીને બોલાવવાની આદત હતી.
તનિશાની મા બુલબુલને પણ ખૂબ પ્રેમ કરે છે. નેનીની વાત પરથી તેને સમજાઇ ગયુ હતું કે આ છોકરી પ્રેમની ભૂખી છે. બુલબુલ તેને વીંટળાઇ વળતી. તે પણ તનિશાની જેમ જ તેને મા કહે છે. તેના ખોળામાં ચડીને બુલબુલ અને તનિશા ખૂબ મસ્તી કરે છે. સમય થાય એટલે નેની બુલબુલને લઇને પાછી બંગલે આવે છે. બુલબુલને કદી પોતાને ઘેર આવવું ગમતું નથી. પણ કોઇ ઉપાય નથી. નેનીને બધું સમયસર બુલબુલને કરાવવાનું છે. એની નોકરીનો સવાલ છે.
આજે નેની બુલબુલને લઇને ઘેર આવી ત્યાં જ સુજાતા બહારથી આવી. તેને આવેલી જોઇ અચાનક બુલબુલ તેની પાસે દોડી.
“મોમ, આઇ વોન્ટ મા…મારે મા જોઇએ છે.પ્લીઝ..”
“અરે,, હું જ તારી મા છું. આ વળી શું નવું તૂત કાઢયું છે?”
“નો..યુ આર મોમ.. મારે મોમ નહી તનિશા જેવી મા જોઇએ છે.”
સુજાતાએ ગુસ્સે થઇને કહ્યું, “એકવાર કહ્યું તો ખરું કે હું જ તારી મા છું. સમજાતું નથી.? નેની, આને લઇ જા..મારે હજુ તૈયાર થવાનું પણ બાકી છે.”
નેની મા… મા કરતી બુલબુલને પરાણે ખેંચીને અંદર લઇ ગઇ.
ND / KP
(નોંધ – ઉપરોકત વિચારો લેખકના પોતાના છે જીજીએન તેની સાથે સહમત છે એમ માની લેવું નહીં.)
Reader's Feedback: