જિંદગી ઝિન્દાદિલીકા નામ હૈ,
મુર્દે દિલ કયા ખાક જિયા કરતે હૈ ?
યસ.... જીવન એટલે સુખ, દુઃખ, ખુશી અને પીડાનો સરવાળો... જીવનમાં પરમ વિષાદની પળો આવે છે તો ખુશીની છલકતી પળો પણ ગેરહાજર નથી જ રહેતી. દુઃખ વિના સુખની કિંમત જલદી સમજાતી નથી. રોજ ઘરમાં પ્રકાશ હોય. પંખા કે એસી ચાલતાં હોય ત્યારે એ કેવા સામાન્ય બની રહે છે. પણ થોડી વાર લાઇટ જાય ત્યારે એનું મહત્વ અચાનક અનુભવાય છે. અંધકાર વિના પ્રકાશનું મૂલ્ય સમજાતું નથી. પહેલું સુખ તે જાતે નર્યાં એ આપણે સૌ જાણીએ છીએ, લખીએ છીએ, બીજાને કહેતાં રહીએ છીએ...પણ જયારે આપણે પોતે બીમાર પડીએ...અને કશું જ ન ગમે ત્યારે શરીરની કિંમત સમજાય છે. અઢળક સુખ પણ શારીરિક તંદુરસ્તી સિવાય વ્યર્થ બની રહે છે.
જીવનના સંઘર્ષ વચ્ચે, દુઃખ કે પીડા વચ્ચે પણ માનસિક સ્વસ્થતા જાળવી શકે...સુખ આવે ત્યારે આપણે ઇશ્વરને કહેતા નથી કે હે ઇશ્વર તે અમને કેમ સુખ આપ્યું? તો પીડા વખતે ફરિયાદ શાની? જે અનિવાર્ય છે એની સામે દલીલ કર્યા સિવાય એને સ્વીકારવાનું જ હોય ને? હસતાં કે રડતાં...જે સંજોગો આવે એને સ્વીકારીને એમાંથી રસ્તો કરવાનો....
એમ થોડા મૂંઝાઇ મરી જવાના? અમે તો રસ્તો કરી જવાના....આવું કવિઓ કહેતાં રહે છે. આપણે ખુશ થઇને વાંચતા રહીએ છીએ...પણ અમલને નામે ?
ધ્રુવ ભટ્ટ કહે છે...તેમ...
સૂરજ તો ઊગે ને આથમી જાય, મારી ઉપર આકાશ એમ ને એમ છે...
આજે કયાંક વાંચેલી એક વાત યાદ આવે છે.
જયાં ઘોંઘાટ ન હોય ત્યાં શાંતિ હોય જ એ જરૂરી નથી. સાચી શાંતિ ભીતરની હોય છે. મુશ્કેલીઓ, સંઘર્ષો, ઘોંઘાટો, અનેક તોફાનો વચ્ચે પણ જે ભીતરની શાંતિ...સ્વસ્થતા ન ગુમાવે એ જ સાચી શાંતિ...
એક રાજાએ દેશના શ્રેષ્ઠ ચિત્રકારોને બોલાવ્યા અને શાંતિનો સંદેશ આપતું હોય એવું ચિત્ર દોરવાની એક હરીફાઇ જાહેર કરી. જે ચિત્ર પહેલું આવે એના સર્જકને મોટા ઇનામની જાહેરાત કરી.
આ જાહેરાતના પ્રતિસાદમાં અનેક ચિત્રકારોએ પોતાની કલાકૃતિ રજૂ કરી. સમયમર્યાદા પૂરી થતાં રાજા પાસે અનેક સુંદર ચિત્રો આવ્યાં. રાજા કલાપારખુ હતો. તેણે એ બધાં ચિત્રો ધ્યાનથી એકદમ બારીકાઇથી નિહાળ્યાં. અંતે એમાંથી તેણે બે ચિત્ર પસંદ કર્યાં. હવે આ બેમાંથી શ્રેષ્ઠ કયું એ નક્કી કરવાનું હતું.
પહેલું ચિત્ર હતું એક શાંત સરોવરનું...સરોવરની ચારે બાજુ લીલોતરીથી છવાયેલા ઊંચા પહાડો હતા. સરોવરના શાંત પાણીમાં આ પહાડોનું પ્રતિબિંબ, ઉપર સ્વચ્છ, નીલવર્ણુ આકાશ અને કયાંક રૂના આછા ગોટા જેવાં શ્વેત વાદળ...શાંતિની આભા સર્વત્ર છવાયેલી સાફ જોઇ શકાતી હતી. કોઇ પણ વ્યક્તિ આ ચિત્ર જુએ એટલે એને એમાંથી પ્રગટ થતી શાશ્વત શાંતિ અચૂક સ્પર્શી રહે. ચિત્ર ખરેખર ખૂબ સુંદર બન્યું હતું. શાંતિના વિષયને એકદમ અનુરૂપ હતું. બધાને થયું કે નંબર તો આ ચિત્રને જ મળશે.
હવે રાજાએ બીજા ચિત્રને ધ્યાનથી નિહાળ્યું.
બીજા ચિત્રમાં પણ પહાડો હતા. પરંતુ એ સાવ સૂકાંભઠ્ઠ અને ઉબડખાબડ...ઉપર ગગનનું રૌદ્રસ્વરૂપ દીસતું હતું. મુશળધાર વરસાદ અને વીજળીના કડાકા-ભડાકાઓથી કુદરતનું બિહામણું સ્વરૂપ સર્જાયું હતું. પહાડો વચ્ચે ભયાનક ગતિ સાથે પાણીનો ધોધ ધસમસતો હતો. ચિત્રમાં શાંતિનું તો નામોનિશાન નહોતું. બધા કહેતા હતા, ચિત્રકાર વિષય જ ભૂલી ગયો છે.
પરંતુ રાજાએ બારીકાઇથી ચિત્ર ફરી ફરીને નિહાળ્યું. તો એણે જોયું કે ધોધની પાછળના ખડકની તિરાડમાંથી એક નાનકડો છોડ ઊગી નીકળ્યો હતો અને એ છોડની વચ્ચે એક ટચૂકડા પક્ષીએ પોતાનો માળો બાંધ્યો હતો. પાણીના ધસમસતા પ્રવાહના પ્રચંડ અવાજની વચ્ચે પણ એ પક્ષી શાંત ચિત્તે પોતાના માળામાં નિરાંતવું બનીને મીઠા ટહુકા વેરી રહ્યું હતું.
રાજા ખુશ થઇ ગયો. આ ચિત્ર જ શ્રેષ્ઠ છે. ઇનામ આ બીજા ચિત્રને જ મળ્યું. ત્યારે બધાને આશ્ચર્ય થયું. કોઇને સમજાયું નહીં. આ ચિત્રમાં તો શાંતિનું નામોનિશાન નથી દેખાતું. આમાં તો શાંતિને બદલે તોફાન દેખાય છે.
સુખ-શાંતિના સમયે તો સહુ કોઇ સ્વસ્થતા જાળવી શકે...મુશ્કેલીના સમયે પણ જે શ્રદ્ધા ગુમાવ્યા સિવાય, અકળાયા સિવાય જીવનસંગીત રેલાવી શકે એ જ સાચો માનવી. ઇશ્વરે આપેલા સુખનો...ખુશીનો આપણે સ્વીકાર કરીએ છીએ તો એના જ આપેલા દુઃખનો અસ્વીકાર કેમ કરી શકીએ?
ત્યારે રાજાએ કહ્યું, 'જયાં ઘોંઘાટ ન હોય ત્યાં શાંતિ હોય જ એ જરૂરી નથી. સાચી શાંતિ ભીતરની હોય છે. મુશ્કેલીઓ, સંઘર્ષો, ઘોંઘાટો, અનેક તોફાનો વચ્ચે પણ જે ભીતરની શાંતિ...સ્વસ્થતા ન ગુમાવે એ જ સાચી શાંતિ...મુશ્કેલીઓ વચ્ચે પણ જીવનનું સંગીત અટકતું નથી. અટકવું ન જોઇએ. જેમકે અહીં આ ચિત્રમાં એક ટચૂકડું પક્ષી ધસમસતા ધોધ વચ્ચે પણ પોતાનું જીવનગીત ગાઇ રહ્યું છે, કેમ કે એનું ભીતર શાંત છે.'
સાવ સાચી વાત નથી? સુખ-શાંતિના સમયે તો સહુ કોઇ સ્વસ્થતા જાળવી શકે...મુશ્કેલીના સમયે પણ જે શ્રદ્ધા ગુમાવ્યા સિવાય, અકળાયા સિવાય જીવનસંગીત રેલાવી શકે એ જ સાચો માનવી. ઇશ્વરે આપેલા સુખનો...ખુશીનો આપણે સ્વીકાર કરીએ છીએ તો એના જ આપેલા દુઃખનો અસ્વીકાર કેમ કરી શકીએ? દુખ, પીડા તો જીવનને સમજવાની શક્તિ આપે છે. જીવનને જાણવાની તક આપે છે.
ના દેખાયું તેજ અંબારે, જોયું મેં ઘન અંધારે... સુખની ક્ષણોમાં અમુક સત્યો ન સમજાય એવું બને.. પણ પીડા જીવનનાં અનેક સત્યો આપણી સમક્ષ ઉજાગર કરી રહી છે.
બાકી સુખ, દુખ તો ઘટ સાથે ઘડાયેલાં છે. એને જીરવી જાણે એને જીવનમાં સફળતા અચૂક મળે.
સુખ કે દુ:ખમાં...કોઇ પૂછે તો કહીએ આપણે તો સદા રાજી રાજી....અને પછી તો....
શાના દુઃખ અને શાની નિરાશા ?
મુકુલે મુકુલે મુખરિત આશા,
જીવનમાં આશાની લકીર કદી અસ્ત ન થાય એ શ્રદ્ધા સાથે અસ્તુ…………
KP
(નોંધ – ઉપરોકત વિચારો લેખકના પોતાના છે જીજીએન તેની સાથે સહમત છે એમ માની લેવું નહીં.)
Reader's Feedback: