Home» Shabda Shrushti» Story and Satire» Nilam doshi article on child education

નાનકડી રિમઝિમ મોટી થઇ ગઇ !

Nilam Doshi | July 15, 2012, 01:09 PM IST

અમદાવાદ :

 

હાસ્યં બ્રહ્મા, હાસ્યં વિષ્ણુ, હાસ્યં દેવો મહેશ્વર:

હાસ્યં સાક્ષાત્ પરબ્રહ્મ તસ્મૈ શ્રી હાસ્યાય નમ:

 

જીવનમાં હાસ્યનું મહત્વ હવે દરેક ક્ષેત્રે સ્વીકારાયું છે.

જિંદગી ઝિંદાદિલીનું નામ છે. મુર્દાદિલ કયા ખાક જિયા કરતે હૈં?

આનંદ એક એવું પ્રબળ એન્જિન છે જે પીડા, દુ:ખ , દર્દની ભારેખમ દીવાલોનો બોજ પણ આસાનીથી ઉપાડી શકે છે.

આમ પણ કહેવાયું છે. Laugh and world will laugh with you… Weep and weep alone...

બાકી હાસ્યથેરાપી વિશે જેટલું લખાય એટલું ઓછું. ઝાઝી વાતે ગાડાં ભરાય.

તો મિત્રો, આવો આજે આપણે અત્તરગલીમાં હાસ્યના અત્તરની સુવાસથી મઘમઘીએ..

“ શ્યામલ ઘેર આવ્યો..અને આજે સૌમ્યા બરાબર વીફરી.

 

તને ખબર છે શ્યામલ, આપણી રિમઝિમ આજે કેવડી થઇ ગઇ? અને હજુ સુધી આપણે તેને વિશે કંઇ ગંભીરતાથી વિચાર્યું સુદ્ધાં નથી.

અરે, રિમઝિમ હજુ એવડી મોટી કયાં થઇ ગઇ છે?

તને નાની લાગે છે? Now this is high time to think “

સ્યોર..નાની જ છે. હજુ તો આપણી પાસે ઘણો સમય છે.

શું ધૂળ સમય છે? શોધતાં શોધતાં યે એકાદ વરસ નીકળી જશે…

બધું થઇ જશે…તું નકામી ચિંતા કરે છે”

તું તો થઇ જશે..થઇ જશે…બસ બોલ્યા કરે છે. તને કંઇ ચિંતા જ કયાં છે દીકરીની?

 

આટલું વાંચીને આપણને ચોક્કસ થવાનું કે આ રિમઝિમ બહુ મોટી થઇ ગઇ હશે અને હજુ બેનબાનું ઠેકાણું નથી પડ્યું લાગતું. એવી કોઇ ગેરસમજ ઊભી થાય અને કોઇ હોંશીલી વ્યક્તિ કદાચ સહાનુભૂતિથી ઠેકાણાં શોધવા મંડી પડો એ પહેલાં એક ચોખવટ કરી દઉં...નકામા તમે બધાં હેરાન થાવ અને બીજીવાર મારો લેખ વાંચવાની તકલીફ ન લો તો? વાચક વિના કોઇ પણ લેખકની કિંમત કેટલી? ના..ના.. તમારો વિરહ મને ન પોસાય.

 

તો મૂળ વાત એમ છે કે આપણી...આ નાનકડી નાયિકા રિમઝિમ ખરેખર મોટી તો થઇ જ ગઇ છે. ચાર દિવસ પહેલાં જ તેનો પહેલો જન્મદિવસ ઊજવાઇ ચૂકયો છે.

 

યસ, રિમઝિમ પૂરા એક વરસની થઇ ગઇ છે. અને આ બધી ધમાલ સારો મૂરતિયો શોધવાની નહીં…પણ સારી સ્કૂલ…અર્થાત્ સારી પ્લે સ્કૂલ શોધવાની છે.

 

મમ્મી સૌમ્યાએ પા પા પગલી ભરતી રિમઝિમને નોકરબાઇ પાસે મૂકીને સારી પ્લે સ્કૂલ શોધવાનું મહાન અભિયાન ચાલુ કરી દીધું.

 

બે ચાર જગ્યાએ થોડો સંતોષ થતાં (વાતો સાંભળીને તો સારું જ લાગ્યું.) એડ્મિશનનાં ફોર્મ પણ સારી એવી ફી ભરીને લઇ આવી. બાળકના ભવિષ્યનો સવાલ હોય ત્યાં બાંધછોડ થોડી કરાય? શ્યામલને ઓફિસના કામમાંથી સમય ન હોવાથી આ આખા પ્રોજેકટની જવાબદારી બિચારી સૌમ્યા એકલી પર આવી ગઇ.

 

ફોર્મ તો લઇ આવી..પણ હવે? એમાં માગેલી નાની નાની સંખ્યાબંધ વિગતોમાં તેને કંઇ સમજાયું નહીં.

ફોર્મની થૉડી વિગતો નમૂના તરીકે...

 

1 તમારા બાળકની રુચિ શેમાં છે? તેનો અભિગમ કઇ તરફ છે?

2 તેની આદતો કઇ કઇ છે?

3 તેનું વલણ કેવું છે?

4 તે કો-ઓપરેટિવ છે કે નહીં?

બીજા પણ આવા કેટલાયે સંજોગો આપ્યા હતા…કે આવા સંજોગો હોય કે આવે ત્યારે તમારું બાળક કેવી રીતે વર્તન કરે છે? કેવી રીતે રિએકટ કરે છે?

 

જેમ ફોર્મ અઘરું તેમ તે સ્કૂલ વધારે સારી…એવી માન્યતા હશે કદાચ.

 

હવે એક વરસની રિમઝિમના તો શું સૌમ્યાને તો પોતાના અભિગમની યે પૂરી ખબર નહોતી. પોતે કયારે કેવું વર્તન કરશે તે યે નહોતું સમજાતું.

 

એનો અર્થ એ કે સ્કૂલ બાળકનો કેટલો ખ્યાલ અત્યારથી રાખે છે. બધી જગ્યાએ તેને કહેવામાં આવ્યું હતું કે તેઓ બાળમનોવિજ્ઞાનનો અભ્યાસ કરી તે પ્રમાણે વૈજ્ઞાનિક એપ્રોચથી બાળકનું ઘડતર કરે છે.

 

પણ હવે આ ફોર્મ ભરવાનું કરવું શું? જો ફોર્મ ભરવામાં ભૂલ થાય તો એડ્મિશન કેન્સલ થાય ને રિમઝિમના ભવિષ્યનું શું થાય? પણ નો પ્રોબ્લેમ..

 

સ્કૂલના સંચાલકોએ મા, બાપ માટે ફોર્મ ભરતાં શીખવાના ક્લાસ પણ ચાલુ કર્યાં જ હતા. વાલીઓને તકલીફ પડવી ન જોઇએ. અને ફી ભરતાં જ સૌમ્યાને ફોર્મ ભરવાના કલાસમાં એડ્મિશન મળી ગયું.(“દુનિયા ઝૂકતી હૈ..ઝૂકાનેવાલા ચાહિએ..આ કહેવત યાદ આવે છે?)

 

સૌમ્યા ડબલ ગ્રેજ્યુએટ થયેલી હોશિયાર સ્ત્રી હતી. પણ ફોર્મ ભરવાની તેને એટલી બધી અલગ-અલગ રીતો શીખવાડવામાં આવી કે તે ગૂંચવાઇ ગઇ. સહેલું શીખવાડે તો તો કલાસની અનિવાર્યતા કેમ સમજાય?

 

આખરે ફોર્મ ભરવાનો એ મહાન કોર્સ તેણે સફળતાપૂર્વક પૂરો કરી અભિમન્યુનો પહેલો કોઠો તો પસાર કરી લીધો.. અને હવે બીજા ફક્ત છ જ કોઠા રહ્યાં. બીજો કોઠો હતો રિમઝિમના ઇંટરવ્યૂની તૈયારીનો.. એની વાત પછી કયારેક..

 

અને મમ્મી બિચારી જ્યારે દીકરીના ઉજ્જવળ ભવિષ્ય માટે આટલી બધી મહેનત કરી..દોડધામ કરતી હતી… ત્યારે નાદાન રિમઝિમ કંઇ સમજ્યા વિના એકલી એકલી હસતી હતી...!

 

ઇતિ…સ્કૂલ અભિયાને પ્રથમ: અધ્યાય સમાપ્તમ્!

 

તા.ક. બાય ધ વે…આપના કોઇનું બાળક એકાદ વરસનું થઇ ગયું હોય તો જરૂરથી મળશો. મેં પણ હમણાં પ્લે સ્કૂલ ચાલુ કરી છે. અને સાથે ફોર્મ ભરતાં શીખવવાના કલાસ પણ.. અને આ લેખ વાંચનાર પાસેથી કોઇ ફી નહીં લેવામાં આવે.

 

KP

Nilam Doshi

Nilam Doshi

(નીલમ હરીશ દોશી સંન્નિષ્ઠ વાર્તાકાર છે. એમના બે પુસ્તકોને ગુજરાત સાહિત્ય અકાદમીના એવોર્ડ મળી ચૂકયાં છે. હકારાત્મક અભિગમ અને સંવેદનની સચ્ચાઇ એમના લખાણનું જમા પાસું રહ્યું છે.)

More...

 

(નોંધ – ઉપરોકત વિચારો લેખકના પોતાના છે જીજીએન તેની સાથે સહમત છે એમ માની લેવું નહીં.)

 

Reader's Feedback:

blog comments powered by Disqus

Today Cartoon

GGN Voice
 
Radisson

Opinion Poll

 
અરવિંદ કેજરીવાલ વારાણસીમાં મોદી સામે જીતી શકશે ?
હાં. જીતી જશે 80.30 %
નાં. હારી જશે. 19.06 %
કહીં ન શકાય. 0.64 %