Home» Opinion» Society & Tradition» Nilam doshi article about wortld daughter day

વિશ્વ દીકરી દિવસ કેમ ઊજવવો પડે છે?

Nilam Doshi | January 21, 2013, 02:57 PM IST

અમદાવાદ :

દીકરી એટલે પ્રેમનો પર્યાય ..વહાલનો દરિયો, અંતરનો ઉજાસ,  બારમાસી વાદળી.. સ્નેહનું નિરંતર વહેતું ઝરણું.. દીકરી એટલે  આંગણાનો તુલસીકયારો..દીકરી એટલે બે કુટુંબને ઉજાળતી ઘર દીવડી.. કેટકેટલાં વિશેષણોથી દીકરીને આપણે નવાજીએ છીએ..

નરસિંહ મહેતા જેવા દ્રઢવૈરાગી પિતા પણ કુંવરબાઇના સ્નેહથી બંધાયેલા હતા. ગુણવંત શાહે સાચું જ કહ્યું છે. ગાંધીજીને એક વહાલસોયી દીકરી હોત તો બાપુના સત્યાગ્રહને પણ ઝાકળની ભીનાશ પ્રાપ્ત થઇ હોત અને છતાં વાસ્તવિકતા કંઇક જુદી કેમ દેખાય છે? દીકરી વહાલનો દરિયો એમ કહેવું પડે છે. દીકરી વિશે...દીકરી વહાલનો દરિયો, દીકરી એટલે દીકરી, દીકરી મારી દોસ્ત, વહાલી આસ્થા જેવા અનેક પુસ્તકો લખાતાં રહે છે.  કેમકે દીકરી વહાલી હોવી એ આપણા સમાજમાં હજુ પણ સર્વસામાન્ય કે સર્વસ્વીકૃત વાત નથી. સમાજ માટે હજુ પણ એ વાત આગવી છે. જરા ‘હટ કે’ છે અને તેથી લખવું પડે છે..કહેતું રહેવું પડે છે. એકવીસમી સદીમાં હજુ આજે પણ દીકરીને સ્થાપિત કરવી પડે છે. “બેટી બચાવો”  આંદોલન કરવાં પડે છે કે વિશ્વ દીકરી દિવસ ઊજવવાની જરૂર પડે છે. આજે પણ દીકરીએ સમાજમાં એની ઓળખ માટે ઝઝૂમવું પડે છે. પોતાના આગવા વ્યક્તિત્વની મથામણ કરતી સ્ત્રીને નારીવાદનું લેબલ લગાડાય છે.
 

દીકરી વહાલનો દરિયો એમ કહેવું પડે છે. દીકરી વિશે...દીકરી વહાલનો દરિયો, દીકરી એટલે દીકરી, દીકરી મારી દોસ્ત, વહાલી આસ્થા જેવાં અનેક પુસ્તકો લખાતાં રહે છે.  કેમકે દીકરી વહાલી હોવી એ આપણા સમાજમાં હજુ પણ સર્વસામાન્ય કે સર્વસ્વીકૃત વાત નથી.

જ્યારે દીકરો તો વહાલો હોય જ...એમાં કહેવા જેવું શું છે? એમાં નવી વાત શી છે? સદીઓથી સમાજમાં એનું સ્થાન સ્થાપિત થયેલું જ છે. એને પોતાના સન્માન માટે ઝઝૂમવું નથી પડતું અને તેથી જ કદાચ એક સ્ત્રીની પોતાની આગવી ઓળખ માટેની  મથામણને તે સમજી કે સ્વીકારી શકતો નથી. વેદકાળથી આપણો સમાજ પુરુષપ્રધાન રહ્યો છે. દીકરા માટે યુગોથી લોકો ઝંખતાં રહ્યાં છે. માનતાઓ માનતાં રહ્યાં છે. તરસતાં રહ્યાં છે. દીકરાને સ્વર્ગની સીડી ચડાવનાર મનાયો છે. દીકરો જ માબાપનું તર્પણ કરી શકે, અગ્નિદાહ દઇ શકે, દીકરો જ ભવિષ્યમાં પોતાનો સહારો બની શકે, દીકરો એટલે વંશવેલો વધારનાર, કુળને તારનાર, વૃદ્ધાવસ્થાની ટેકણ લાકડી, માબાપનું ગૌરવ, દીકરો એટલે“ પૂં “ નામના નરકમાંથી ઉગારનાર....દીકરાનું મહત્વ દર્શાવતી અનેક ઉક્તિઓ આપણા લોકસાહિત્યમાં પથરાયેલી જોવા મળે છે. જે આપણા સમાજની માન્યતાઓનું સુપેરે પ્રતિબિંબ પાડે છે. દા.ત.

પહેલું સુખ તે જાતે નર્યા, બીજું સુખ તે પેટે દીકરા,
ત્રીજું સુખ તે કોઠીએ જાર, ચોથું સુખ તે સુલક્ષણી નાર.


કે પછી...

જેવો તો યે ચૂડલો , ઘરડો  તો યે તોખાર,
હીણો તો યે દીકરો, સારો તો ય સુનાર


જ્યારે દીકરી એટલે તો પારકી થાપણ..સાપનો ભારો..કે પેટે પાકેલો પાણો ...એવી અનેક માન્યતાઓને આધારે લોકો દીકરા માટે ઝૂરતાં રહ્યાં છે. ઘણી વખત તો દીકરાની પ્રતીક્ષામાં એકથી વધુ દીકરીઓને મને-કમને જન્મ આપતાં રહ્યાં છે....કે ક્યારેક જન્મ્યા પહેલાં જ છાને ખૂણે ભ્રૂણહત્યા થતી રહે છે. ફક્ત કાયદાથી ખાસ કશું ન થઇ શકે. જનજાગૃતિ એ પાયાની જરૂરિયાત છે.
 

એવી તો અગણિત સ્ત્રીઓ સમાજમાં છે. જેમને પોતાનું સંતાન છોકરી હોવાથી તેના જન્મનો આનંદ માણવાને બદલે ચિંતા અને અફસોસ કરવો પડતો હશે. પુત્રનો જન્મ સ્ત્રીને ગૌરવ પ્રદાન કરે છે. ‘વઢકણી વહુએ દીકરો જણ્યો..’-આવી કોઇ કહેવત એથી જ આવી હશે.

હમણા જ નજરે જોયેલી એક વાત.. એક મિત્રને ત્યાં દીકરીનો જન્મ  થયો.. ત્યારે તે સ્ત્રીનાં સાસુ, સસરા અને પતિ સુદ્ધાં એક શબ્દ બોલ્યા સિવાય ત્યાંથી ચાલતાં થઇ ગયેલાં. ડિલિવરી સુધી બધા ત્યાં હોંશથી હાજર હતા. પરંતુ તેમને પ્રતીક્ષા હતી પુત્રની..પરંતુ જેવા પુત્રીજન્મના સમાચાર આવ્યા કે નિરાશ થઇને સૌ ત્યાંથી નીકળી ગયાં. એ સ્ત્રીની આંખો વરસતી હતી. ઘેર જઇને હવે શું થશે..કેમ બોલાવશે..કેવું વર્તન કરશે તે ચિંતામાં એક મા ફફડતી હતી! તેનો દોષ ફક્ત એટલો જ હતો કે તેણે દીકરીને જન્મ આપ્યો હતો. જેના માટે સ્ત્રી પોતે તો જવાબદાર પણ નથી હોતી. અને છતાં સહન કરવાનું તો સ્ત્રીને ભાગે જ આવતું હોય છે. આપણા  પુરુષપ્રધાન સમાજની આ કડવી વાસ્તવિકતા છે. હું તેને આશ્વાસન આપતી હતી...પણ પોતાની પરિસ્થિતિથી તે પૂરેપૂરી વાકેફ હોવાથી મારું આશ્વાસન તેને કામ કેમ લાગે?

આવી તો અગણિત સ્ત્રીઓ સમાજમાં છે. જેમને પોતાનું સંતાન છોકરી હોવાથી તેના જન્મનો આનંદ માણવાને બદલે ચિંતા અને અફસોસ કરવો પડતો હશે. પુત્રનો જન્મ સ્ત્રીને ગૌરવ પ્રદાન કરે છે. ‘વઢકણી વહુએ દીકરો જણ્યો..’-આવી કોઇ કહેવત એથી જ આવી હશે.

શું સમાજનું વલણ આ એકવીસમી સદીમાં યે નહીં બદલાય? “દીકરી વહાલનો દરિયો..” શું સાહિત્ય માટે કે સમાજના ગણ્યાગાંઠયા વર્ગ માટે જ રહેશે ?

પ્રશ્નો તો અનેક ઊઠે છે મનમાં. પણ જવાબ......?

મન થોડું ઉદાસ જરૂર થઇ જાય છે. આવા વિચારોથી.. પણ, નિરાશ શા માટે થવું?

“Every Cloud Has A Silvar Lining. આવું કંઇક સ્કૂલમાં ભણ્યા હતા..એ ભૂલી કેમ જવાય?

આ ક્ષણે મનમાં ગૂંજી રહી છે  કયાંક વાંચેલી આ પંક્તિ....

કેલેન્ડર કહે છે...આજે આપનો જન્મદિન
એ દિવસે, વરસો પૂર્વે...તમે ખોલી હશે આંખ.
ચોતરફ અજાણ્યો....અજાણ્યાનો...
ઘૂઘવતો હશે સંસાર....એવામાં મળી હશે
વત્સલ જનનીની...લાગણી નીતરતી પાંખ
ને તે જ ક્ષણે તમને લાગ્યું હશે.
“આપણે બંદા નથી રે રાંક.!”


આજે વિશ્વ દીકરી દિવસ ઊજવીએ છીએ ત્યારે વિશ્વની કોઇ દીકરી કયારેય રાંક ન બને એ પ્રાર્થના સાથે અસ્તુ...

ND / KP

Nilam Doshi

Nilam Doshi

(નીલમ હરીશ દોશી સંન્નિષ્ઠ વાર્તાકાર છે. એમના બે પુસ્તકોને ગુજરાત સાહિત્ય અકાદમીના એવોર્ડ મળી ચૂકયાં છે. હકારાત્મક અભિગમ અને સંવેદનની સચ્ચાઇ એમના લખાણનું જમા પાસું રહ્યું છે.)

More...

 

(નોંધ – ઉપરોકત વિચારો લેખકના પોતાના છે જીજીએન તેની સાથે સહમત છે એમ માની લેવું નહીં.)

 

Reader's Feedback:

blog comments powered by Disqus

Today Cartoon

GGN Voice
 
Radisson

Opinion Poll

 
અરવિંદ કેજરીવાલ વારાણસીમાં મોદી સામે જીતી શકશે ?
હાં. જીતી જશે 80.92 %
નાં. હારી જશે. 18.61 %
કહીં ન શકાય. 0.47 %