Home» Shabda Shrushti» Thought» Nilam doshi article about first child birth

પ્રથમ શિશુના આગમનનો મખમલી અહેસાસ

Nilam Doshi | January 30, 2013, 12:09 PM IST

અમદાવાદ :

પ્રથમ શિશુ સૌ કહાનો, માતા બધી જ યશોમતી;
મૃદુ,મલિન મોં માં બ્રહ્માંડો અનંત અવલોકતી...”


આજે સવારે ઊઠી ત્યાં ફોન રણકી ઊઠ્યો અને દીકરાએ શુભ સમાચાર આપ્યા કે એને અમેરિકન હાર્ટ એસોસિયેશન તરફથી એવોર્ડ મળ્યો છે. હું છલકી ઊઠી. પચીસ વરસની ઉંમરે પુત્રને મળેલાં ગૌરવપ્રદ એવોર્ડના સમાચારથી કોઇ પણ મા આનંદથી છલકી જ રહે ને?

આ સમાચારની સાથે મન પચીસ વરસ પાછળ કૂદી ગયું. દીકરાના  જન્મ સાથે જ આંખોમાં એક શમણું અંજાયું હતું. જે આજે સાચું પડતાં મનમાં આનંદની લહેર ફરી વળી અને મારા મન:ચક્ષુ સામે પુત્રના જન્મ પહેલાંની અનુભૂતિ ફરી એકવાર જીવંત બની ઊઠી.

ત્યારે હજુ પુત્રનો જન્મ પણ કયાં થયો હતો? ઉદરમાં પાંગરતાં એ અદીઠ શિશુ માટે કેવાં કેવાં અને કેટકેટલાં સ્વપ્નો જોયાં હતાં! એ સમયે સેવેલું સ્વપ્ન આ સમાચારે જાણે સાકાર થયું અને વરસો પહેલાંના સમય સાથે  તુરત એક તાર જોડાઇ ગયો....આપમેળે એક અનુસંધાન રચાઇ ગયું અને અનાયાસે એ દિવસોમાં સરી જવાયું.
 

શરીરરૂપી સરોવરમાં એક નાજુક પુષ્પ ખીલવાની વેળાએ સમગ્ર અસ્તિત્વ જાણે એક અબોટી સુવાસથી છલકી ઊઠ્યું હતું. કયા જન્માંતરોનો..કયા ઋણાનુબંધનનો સંબંધ આવનાર શિશુ લાવશે? કુદરતની કેવી કમાલ! સર્જનહારની કેવી અદભુત લીલા..!

પ્રથમ શિશુના આગમનના સમાચારે “સારા પ્યાર તુમ્હારા બાંધ લિયા મૈને આંચલ મેં ...” કોઇ પિક્ચરનું ગીત અંતરમાં ઊમટી આવ્યું. એક નવો અહેસાસ, એક અકલ્પ્ય રોમાંચ....અનેક કલ્પનાઓ.. એક છોકરીનું સ્ત્રીમાં અને એક સ્ત્રીનું માતામાં થતું રૂપાંતર..! નિતનવા ભાવોની ભરતી. તન, મનમાં પ્રગટતા  ફેરફારો.. અંતરમાં ઉઘડતી કલ્પનાઓનું ભાવ વિશ્વ...!

શરીરરૂપી સરોવરમાં એક નાજુક પુષ્પ ખીલવાની વેળાએ સમગ્ર અસ્તિત્વ જાણે એક અબોટી સુવાસથી છલકી ઊઠ્યું હતું. કયા જન્માંતરોનો..કયા ઋણાનુબંધનનો સંબંધ આવનાર શિશુ લાવશે? કુદરતની કેવી કમાલ! સર્જનહારની કેવી અદભુત લીલા..!

મારા શરીરની અંદરથી એક પૂર્ણ માનવી...આખેઆખો મનુષ્ય જન્મશે એ વાત જ  મને આશ્ચર્યમુગ્ધ.... અદ્દભુત રોમાંચકારી લાગે છે! હું આયના સામે મારા શરીરને એક અલગ દ્રષ્ટિથી નીરખતી રહું છું. ચિરપરિચિત શરીર આજે મારા માટે અપરિચિત બની ગયું છે કે શું?

સગાંસ્નેહીઓની વિવિધ સૂચનાઓનો અવિરત ધોધ વહેતો રહે છે. કોઇ રામાયણ, ગીતા જેવા ગ્રંથો વાંચવાની સૂચના આપે છે. કોઇ ખુલ્લી હવામાં ચાલવા જવાની સૂચના આપે છે. ખાવાપીવાની સૂચનાઓનો તો આરો કે ઓવારો નથી.

આયખું જાણે મઘમઘી ઊઠ્યું હતું.  ધીમે ધીમે શરીર બહારથી બેડોળ બનતું જતું હતું. પણ આ અવસ્થાને નીરખવાની આપણી દ્રષ્ટિ તેને બેડોળને બદલે ગૌરવવંતું બનાવે છે. આ બેડોળતામાં પણ એક સૌંદર્ય નિખરી રહે છે.

નાનું અમથું તે સાવ જીવતર
ને આખું આકાશ મારી પાંખમાં
આમ ટપકું હું અમથું બ્રહ્માંડમાં”


આ નાનકડા, ટપકા જેવાં જીવતરમાંથી જે સર્જન થાય છે તેની તોલે બીજું શું આવી શકે? દેવોને દુર્લભ આ અનુભવ છે. પીડા છે.. પણ એ પીડા વાંઝણી નથી. એ સર્જનની પીડા છે. એક અબોધ શિશુ એની નાનકડી આંખ ખોલે છે અને બધીયે પીડા પળવારમાં ગાયબ થઇ જાય છે.
 

ક્યારેક જન્મથી કોઇ ખોડ સાથે અવતરેલ બાળકની વાતો સાંભળી મનોમન પ્રાર્થના થતી રહે છે, ‘હે, ઇશ્વર મારા શિશુને એવી કોઇ ખોડ ન સાંપડે...એ  અસામાન્ય હોશિયાર નહીં હોય તો ચાલશે પણ કોઇ શારીરિક ખોડ ન હોવી જોઇએ. એ સંપૂર્ણ તંદુરસ્ત આ દુનિયામાં આવી શકે એટલી કૃપા કરીશ ને?’

તું મોટો થઇને શું બનીશ..શું કરીશ? આ પળથી મન હવાઇ કિલ્લા બાંધતું રહે છે! કુદરતે કેવી માયા, મમતા મૂકી છે..! આ માયા મમતાને સથવારે તો દરેક સ્ત્રી બધી પીડા હસતે હૈયે જીરવી જાય છે. નવ મહિનાની એક એક ક્ષણ અદીઠ શિશુનો વિચાર કરીને જીવાતી રહે છે. શું ખાઇશ તો તારી ત્વચા રૂપાળી થશે..શું  કરીશ તો તને પૂરતું પોષણ મળશે...અમારી બધીયે દિનચર્યા અત્યારથી જ તારી આસપાસ ગોઠવાઇ ગઇ છે! બેટા, તને ક્યારેય ખ્યાલ પણ નહીં આવે કે બાળકના જન્મ પહેલાંથી એક સ્ત્રી..એક માતા બાળકનો વિચાર કેટકેટલી નાની-નાની વાતોમાં પણ કરતી રહે છે. ભાવતી વસ્તુઓ ન ખવાય...વાંધો નહીં...મારા બાળક માટે છે ને? ન ભાવતી વસ્તુઓ પણ પ્રેમથી ખવાય છે. મારા બાળકને ફાયદો થાય છે ને? કોઇ ભોગ આપે છે એવી કોઇ ભાવના.. એવા કોઇ ખ્યાલ વિના પણ કેટકેટલી કાળજી એક મા લેતી રહે છે. આ બધાની ગણતરી જો કરવામાં આવે ને તો ઇશ્વર પણ દેવાળિયો બની જાય. એટલું દેવું દરેક માતાનું હોય છે! આ નિર્વ્યાજ સ્નેહનું કોઇ મૂલ્ય હોઇ શકે ખરું? આ ઋણ ક્યારેય રૂપિયા, આના, પાઇથી ચૂકવી શકાય ખરું? એ સંતાન જયારે મોટું થાય એને કદી આ વાતનો અહેસાસ થઇ શકે છે ખરો?

બેટા, અમારી નાનકડી દુનિયા તારું સ્વાગત કરવા હવે તત્પર બની છે, અધીર બની છે. ક્યારેક જન્મથી કોઇ ખોડ સાથે અવતરેલ બાળકની વાતો સંભળી મનોમન પ્રાર્થના થતી રહે છે, ‘હે, ઇશ્વર મારા શિશુને એવી કોઇ ખોડ ન સાંપડે...એ  અસામાન્ય હોશિયાર નહીં હોય તો ચાલશે પણ કોઇ શારીરિક ખોડ ન હોવી જોઇએ. એ સંપૂર્ણ તંદુરસ્ત આ દુનિયામાં આવી શકે એટલી કૃપા કરીશ ને?’

અને પરમ આસ્થાથી, શ્રદ્ધાથી સઘળી શંકાઓ, ભયને અવગણી તને આવકારવા મારું તન, મન ઝંખી રહ્યું છે. મારી અંદર મખમલી એહસાસ ઊગી રહ્યો છે. પુષ્પની સુવાસ છે, પંખીના ટહુકાર છે, મોજાનો ઘૂઘવાટ છે. ઇશ્વર પ્રત્યે અખૂટ આસ્થા છે. મારા અંશના અવતરવાની પરમ પ્રતીક્ષા છે, અને દૂર દૂરથી રવીન્દ્ર સંગીતનો કોઇ સૂર મારા અંતરે ઊગી રહે છે.

ઓ રે નવીન અતિથિ, તુમિ નૂતન કે તૂમિ ચિરંતન?
યુગે યુગે કોથા તૂમિ છિલે સંગોપન?”


ND / KP

Nilam Doshi

Nilam Doshi

(નીલમ હરીશ દોશી સંન્નિષ્ઠ વાર્તાકાર છે. એમના બે પુસ્તકોને ગુજરાત સાહિત્ય અકાદમીના એવોર્ડ મળી ચૂકયાં છે. હકારાત્મક અભિગમ અને સંવેદનની સચ્ચાઇ એમના લખાણનું જમા પાસું રહ્યું છે.)

More...

 

(નોંધ – ઉપરોકત વિચારો લેખકના પોતાના છે જીજીએન તેની સાથે સહમત છે એમ માની લેવું નહીં.)

 

Reader's Feedback:

blog comments powered by Disqus

Today Cartoon

GGN Voice
 
Radisson

Opinion Poll

 
અરવિંદ કેજરીવાલ વારાણસીમાં મોદી સામે જીતી શકશે ?
હાં. જીતી જશે 80.92 %
નાં. હારી જશે. 18.61 %
કહીં ન શકાય. 0.47 %