સ્વાતિબહેનના ઘરમાં દીકરો, વહુ અને તેનાં બે નાનાં સંતાન...એક પુત્ર અને એક પુત્રી હતાં. છ વર્ષનો પુત્ર દર્શ અને આઠ વરસની પુત્રી દિયા...બંને સ્વાતિબહેનના ચાર્જમાં રહેતાં...કેમકે દીકરો અને વહુ બંને પોતપોતાની નોકરીમાં વ્યસ્ત હતાં. સ્વાતિબહેન દર્શ અને દિયામાં કોઇ ભેદભાવ કોઇ રીતે કરતા નહીં. આમ તો ઘરમાં કામ કરનાર નોકર હતો જ. પરંતુ દિયા અને દર્શે પોતાનો રૂમ સાથે મળીને જાતે જ સાફ કરવાનો રહેતો. બને હજુ નાના હતા તેથી હોંશે હોંશે દોડી દોડીને કામ કરતાં. દર્શ હાથમાં કપડું લઇને બધું લૂછી નાખે અને દિયા કચરો વાળી લે. પોતપોતાનાં પુસ્તક, કપડાં, બૂટમોજાં બધું જગ્યાએ ગોઠવીને જાતે જ રાખવાનું. પોતાની વોટરબેગ ભરવાની. સ્કૂલબેગ રાત્રે તૈયાર કરીને જ સૂવાનું અને બધું કામ સરસ રીતે જાતે કરી નાખે એટલે સ્વાતિબહેને તેમને વાર્તા અચૂક કહેવી પડે.
શરૂઆતમાં વહુ...ચૈતાલીને થતું કે સાસુ પોતાનાં છોકરાઓ આગળ આવાં બધાં કામ કરાવે છે. દર્શ તો હજુ કેટલો નાનો છે. છોકરો છે છતાં છોકરીનાં પણ બધાં કામ તેને કરવાનાં જ...અને દિવસે દિવસે રોજ સાસુ તો તેમનાં કામ વધારતાં જાય છે. એકાદ બે વાર સાસુ સાથે તે ઝઘડી પણ પડી.
‘મમ્મી, ઘરમાં નોકર છે જ...પછી આવાં બધાં કામ બાળકો પાસે કેમ કરાવો છો ?’
ત્યારે સ્વાતિબેને તેને પાસે બેસાડીને કહ્યું, ‘તું મને ઘણીવાર અર્પિતની ફરિયાદ કરે છે ને કે અર્પિત તને કોઇ મદદ નથી કરાવતો.’
હું જાણું છું કે તું નોકરી કરે છે ત્યારે તેની પણ ફરજ છે કે તને રસોડામાં મદદ કરાવે. પણ સાથેસાથે હું એ પણ જાણું છું કે એ નહીં કરાવી શકે. કેમ કે નાનપણથી એને એવી આદત જ નથી પડી...
હું જાણું છું કે તું નોકરી કરે છે ત્યારે એની પણ ફરજ છે કે તને રસોડામાં મદદ કરાવે. પણ સાથેસાથે હું એ પણ જાણું છું કે એ નહીં કરાવી શકે. કેમ કે નાનપણથી એને એવી આદત જ નથી પડી...અને રસોડાનું કામ છોકરાથી કરાય જ નહીં...એ એના દાદીમાએ તેના દિમાગમાં નાનપણથી ફિટ કરી દીધું છે કે એ તો છોકરીઓનું કામ છે. અર્પિત નાનો હતો અને કયારેક રસોડામાં ઘૂસતો તો પણ મારા સાસુ તેને તુરત બોલાવી લેતાં.
‘છોકરીની જેમ રસોડામાં કયાં ભરાયો છે ?’
હું ઇચ્છવા છતાં કશું બોલી શકતી નહોતી. અમારા જમાનામાં સાસુને સામો જવાબ કયાં આપી શકાતો હતો?
પણ બેટા, મારા સાસુએ જે ભૂલ કરી તે ભૂલ મારે નથી કરવી. છોકરાને નાનપણમાં કોઇ કામ કરવા ન દઇએ અને પછી મોટો થાય ત્યારે તેની પાસેથી આશા રાખીએ કે તે કંઇ મદદ કરાવતો નથી. પણ એ કેવી રીતે કરાવે?
આજે જયારે સ્ત્રી જાગૃત બની છે ત્યારે પુરુષ એને સહકાર નથી આપી શકતો તેનાં કારણો તેના શૈશવમાં જ ક્યાંક હોય છે. પુરુષપ્રધાન સમાજને બદલવો હશે તો એ શરૂઆત નાનપણથી જ થઇ શકે. છોકરો નાનો હોય ત્યારે એની માનસિકતા આસાનીથી બદલી શકાય...ઘરમાં બહેનને આદર આપતાં શીખડાવીએ અને બહેનની સાથે સાથે જ ઘરમાં દરેક કામ બંને સાથે મળીને જ કરે એવો આગ્રહ રાખવામાં આવે તો એ છોકરો છે માટે કંઇક અલગ છે એવો ભાવ ઉત્પન્ન જ ન થાય. શૈશવથી જ પરિસ્થિતિનો સહજતાથી સ્વીકાર થઇ શકે તો પાછળથી કોઇ પ્રશ્નો ઊભા ન થાય. આ માટે ઘરના દરેક સભ્યે જાગૃત રહેવું પડે.
બોલ...હવે તું કહે તેમ કરું...તારી વહુ પણ તારી જેમ જ ફરિયાદ કરતી રહેશે...તું તો હજુ ફક્ત ફરિયાદ કરીને જ રહી જાય છે....નવી પેઢી તમારાથી પણ એક સ્ટેપ આગળ જ હોવાની ને? અમે ફરિયાદ નહોતા કરી શકતા...તમે ફરિયાદ સુધી પહોંચ્યા અને તમારી આવનાર વહુ એથી આગળ જ પહોંચવાની...અને બેટા, આ કામ આપણે સ્ત્રીએ જ કરવાનું છે. કદાચ તેનાં ફળ આપણને ખાવાં ન મળે તો યે શું? આવનાર પેઢી માટે આપણે ઉત્તમ વારસો તો તૈયાર કરી શકીએને? પુરુષપ્રધાન સમાજ છે...એમ કહીને બેસી રહેવાથી કે નારા લગાવવાથી કે બગાવત કરવાથી, બંડખોર બનવાથી કશું નક્કર પરિણામ નહીં મળી શકે. નક્કર પરિણામ તો નવી પેઢીને એ રીતે ઉછેરવાથી જ મળી શકે.’
દરેક ઘરમાં આવી શરૂઆત થઇ શકે તો ધીમે ધીમે સમાજમાં બદલાવની શરૂઆત થશે અને પુરુષ કે સ્ત્રીપ્રધાન સમાજ નહીં પણ એક સહિયારા સમાજના શ્રીગણેશ થશે. જયાં સ્ત્રી કે પુરુષ કોઇ આગળ કે પાછળ નહીં હોય. અને એક નવી ક્ષિતિજની ઝાંખી શક્ય બનશે. જે આજના સમયની માંગ છે.
બસ...સાસુની આ વાત સાંભળ્યા અને સમજ્યા પછી ચૈતાલી સાસુને પૂરો સહકાર આપે છે. છોકરાઓ કેળવાય છે. ઘરનાં કામમાં મદદ મળે છે. સ્વાશ્રયની આદત પડે છે. અને ભાવિ પેઢીની પ્રગતિનાં પગરણ મંડાય છે. એક નવી દિશા ઊઘડી રહી હોય એવું ચૈતાલીને લાગે છે. બાળકો નાનાં છે ત્યારે હોંશથી બધું કરે છે અને પછી તો એ આદત બની જાય છે.
હવે જ્યારે દીકરી પણ દીકરા જેટલું જ શિક્ષણ લેતી થઇ છે અને ઘરમાં આર્થિક યોગદાન આપતી થઇ છે ત્યારે દીકરાના ઉછેરમાં...તેના માનસિક વલણમાં ફેરફાર કરવાની જરૂરિયાત ઓળખીને શૈશવથી જ એની શરૂઆત કરવી જોઇએ. જેથી છોકરાના મનમાં પોતે છોકરીથી ઊંચો, ચડિયાતો છે કે અમુક કામ તેનાથી ન થાય એવા કોઇ ખ્યાલ જન્મે જ નહીં અને ઘરમાં કે બહાર બધી જગ્યાએ બંને આપોઆપ સમાનતાથી ભૂમિકાએ રહી શકે.
દોસ્તો, દરેક ઘરમાં આવી શરૂઆત થઇ શકે તો ધીમે ધીમે સમાજમાં બદલાવની શરૂઆત થશે અને પુરુષ કે સ્ત્રીપ્રધાન સમાજ નહીં પણ એક સહિયારા સમાજના શ્રીગણેશ થશે. જયાં સ્ત્રી કે પુરુષ કોઇ આગળ કે પાછળ નહીં હોય. અને એક નવી ક્ષિતિજની ઝાંખી શક્ય બનશે. જે આજના સમયની માંગ છે.
ND / KP
Reader's Feedback: