Home» Humour» Humour Rumours» Morning walk humorous article by raeesh maniar

અને મેં સવારે ચાલવાનું નક્કી કર્યું...

Raeesh Maniar | February 20, 2014, 01:31 PM IST
morning walk humorous article by raeesh maniar

સૌ.ગૂગલ ઇમેજ

સુરત :

જ્યાં સુધી ફાંદ ન હતી ત્યાં સુધી એમ માનતો હતો કે ફાંદ એ સમૃદ્ધિની નિશાની છે. પણ માંડ જરા ફાંદ વધી ત્યાં ડોક્ટરોએ મારી પત્નીના મગજમાં ઠસાવી દીધું કે ફાંદ એ બિમારીનું ઘર છે. હસુભાઈના પત્ની માને છે કે ધુમ્રપાન બિમારીનું ઘર છે તેથી હસુભાઈ બીડી-સિગારેટ ઘરની બહાર મૂકી આવે છે. એ રીતે હું મારી ફાંદને બહાર મૂકી આવી શકતો નથી. કોઈકે મારી પત્નીને કહ્યું કે સવારે ચાલવાથી ફાંદ ઉતરે છે. અને મારે વહેલી સવારે ચાલવા જવું જ પડશે એમ ઠરાવાયું. એમ કરવામાં ભલે હું ઠરી જાઉં.

પહેલા બેચાર દિવસ તો હું ઊઠયો ત્યારે વહેલી સવાર નહોતી, મોડી સવાર થઈ ગઈ હતી. આ બહાનું મને બેચાર દિવસ કામ લાગ્યું.

પછી તો પત્નીએ એલાર્મ મૂકીને જગાડવાનું શરૂ કર્યું. મને કહે, “જો કુદરતની ગોદમાં ચાલવા જવાનું છે.” મેં કહ્યું “ગોદડીની ગોદ શું ખોટી છે!” જગાડવાથી કે ઝંઝોડવાથી મારું ચાલકબળ જાગૃત થયું નહીં તેથી મારી પત્નીને સહેલીએ સલાહ આપી કે ઠંડું પાણી રેડવાથી સરસ રીતે ઊંઘ ઊડી જાય છે. આમ ઠરીને ઊઠવા કરતાં થથરીને ઊઠવું સારું. પછી તો આ કલ્પના માત્રથી મારી સવારની જ નહીં, રાતોની ઊંઘ ઊડી ગઈ અને ગભરાટનો માર્યો હું ઊંઘમાં ચાલતો થઈ ગયો. પણ એ ચાલવું પૂરતું ન હતું.

ડોક્ટરોની અપેક્ષા તો મને ત્રણ કિલોમીટર ચલાવવાની હતી. તેથી આખરે એક દિવસ વહેલી સવારે અંધારું હતું ત્યારે જ ગૌતમ બુદ્ધની જેમ મેં ચાલવા માટે મહાભિનિષ્ક્રમણ કર્યું. ફરક એટલો જ હતો કે અહીં ખુદ યશોદાએ જ મને દરવાજો ખોલી બહાર ધકેલ્યો. મારા ઘરની નજીકના રસ્તે જ્યાં કાયમ વાહન પર જ ફરતો ત્યાં પહેલીવાર દિવ્ય પગલાં પાડ્યાં. મોર્નિંગ વોક માટે રિક્ષા મળે કે કેમ તેનો નિષ્ફળ પ્રયાસ કર્યા પછી ચાલવાનું શરૂ કર્યું. પણ મારી ગલીના કૂતરાઓ બુધ્ધુ તે મારું આ બુદ્ધત્વ સમજ્યા વગર મારી પાછળ દોડ્યા. ડોક્ટરે ચાલવા જ કહ્યું હતું, દોડવા નહોતું કહ્યું એમ આ કૂતરાઓને મેં એમની ભાષામાં સમજાવવાનો નિષ્ફળ પ્રયાસ કર્યો. છેવટે મોદી સાહેબનો સદભાવનાનો ઉપદેશ વિસરીને પથ્થર હાથમાં લીધો ત્યારે જ કૂતરાઓને સદબુદ્ધિ આવી પણ ત્યાં સુધી હું બેફામ દોડીને ગાયના એક બે પોદળા ખંડિત કરી ચૂક્યો હતો. અને મારા નવાનકોર અડીદાસના શૂઝ, એડી સુધી અડી પણ ન શકાય એવા થઈ ચૂક્યા હતા. ચાલતો ગયો અને રિક્ષા કરીને આવ્યો.

બીજા દિવસે મેં ચાલવા માટે નજીકના ગ્રાઉંડ પર જવાનું નક્કી કર્યું. ગ્રાઉંડ પર જઈને જ ચાલવું રસ્તે નહીં, એવું નક્કી કર્યું હોવાથી રિક્ષા કરીને ગ્રાઉંડ સુધી ગયો. મેદાનના દરવાજે ઉતર્યો તો રિક્ષાવાળો કહે, “અંદર સુધી છોડી દઉં?” મેં કહ્યું “ના... રે ચાલતો જઈશ.” પરંતુ ગ્રાઉંડની બહાર જ ખમણ ઈડલી અને ચા બિસ્કીટની લારી એટલા આકર્ષક લાગ્યા કે બે-ત્રણ દિવસ તો બહાર જ સમય વીતાવી પાછો ફર્યો. પણ ગૃહમોરચે આ સમાચાર પહોંચી ગયા અને મને પાકીટ આપવાનું બંધ કરવામાં આવ્યું.

નછૂટકે ગ્રાઉંડને અંદરથી જોવું પડ્યું. મેદાનમાં વિવિધ રંગ – ઢંગ - અંગવાળી માનવાકૃતિઓ વિહરી રહી હતી. મેદાનમાં પ્રવેશતાં જ એક લગભગ એકસો ચાલીશ કિલોના ભાઈ દેખાયા. મેં પૂછ્યું, “આજે જ ચાલવાનું શરૂ કર્યું લાગે છે.” એ ભાઈએ જવાબ આપ્યો, “ના....રે ત્રણ વરસથી ચાલું છું. એક પણ દિવસ ખાલી નથી ગયો.” એક પણ દિવસ ખાલી નથી ગયો તો ફાંદ કેમ ખાલી ન થઈ? એવું ન પૂછાય એટલે મેં સારા શબ્દોમાં પૂછ્યું, “પણ તમારું વજન?” એ કહે, “ત્રણ વરસમાં દસ જ કિલો વધ્યું.” મેં કહ્યુ, “તો ચાલીને ફાયદો શું?” એ કહે, “એની આગળના ત્રણ વરસ નહોતો ચાલતો ત્યારે 20 કિલો વધેલું એટલે દસ કિલોનો ફાયદો ગણાય કે નહીં?” હું માથું ખંજવાળતો આગળ વધ્યો. એક પછી એક ફાંદાળાઓ ગપગોળા લગાવતા પગપાળા ચાલતાં હતા. લાફીંગ બુદ્ધા જેવા દેખાતા આ ચાલણવીરો ખમણની લારી તરફ ધસી ગયા. ચાલવાથી જે કેલરીનું દહન થયું એનું પ્રતિક્રમણ એ ખમણ ખાઈને કરવા લાગ્યા.

ત્યાં જ એક એકદમ સૂકલકડી દેહધારી ભાઈ દેખાયા. મેં કહ્યું, “લાગે છે જનમથી ચાલ્યા જ કરો છો.” એ કહે, “ના....રે હમણા બે વરસથી જ શરૂ કર્યું.” ડોક્ટરો કહે, “ચાલશો તો જ ભૂખ લાગશે અને વજન વધશે.” ટૂંકમાં એ ભાઈ વજન વધારવા માટે ચાલતા હતા. મેં પૂછ્યું, “વજન વધ્યું?” એ કહે, “42 હતું 44 થયું.” મેં કહ્યુ, “આ કાન ટોપી સ્વેટર ટ્રેકસૂટ અને શૂઝ કાઢી નાખો તો?” એ ભાઈ કહે, “તો 41 જ થાય છે.”

ગૌતમ બુદ્ધને રસ્તે મળેલી ચાર વ્યક્તિઓએ સંસાર અસાર છે એવો અનુભવ કરાવ્યો. મને આ બે વ્યક્તિઓની મુલાકાતથી જ્ઞાન લાધ્યું કે ચાલવું અસાર છે. પણ જેમ બુદ્ધ અસાર હોવા છતાં સંસારને છોડી શક્યા નહીં તેમ હુંય ચાલતો રહ્યો. ચાલતો જ રહ્યો. મારા ચાલવાના ઢંગ જોઈને એ કેમ્પસમાં એક સાયકલવાળા આદિવાસીએ અને એક કચરાના ટેમ્પાવાળાએ ડ્રાઈવીંગ સીટ પર મને લીફ્ટ આપવાની ઓફર કરી. એ લાલચનો ત્યાગ કરી હું ચાલતો જ રહ્યો. આખો ચક્રાવો ત્રણ કિલોમીટરનો થાય એવી જાણ હતી પણ આખો ચકરાવો કદી મેં પૂરો કર્યો નહીં. જેમ કે ઉત્તર ધ્રુવ અને દક્ષિણ ધ્રુવ છે એવી પાકી જાણ હોવા છતાં મેં ત્યાં પહોંચવાની કદી ખેવના રાખી નથી, તેમ મેં પણ આખો ચકરાવો પૂરો કરાવાની બાલિશ ચેષ્ટા કરી નહીં. એક દિવસ કારમાં બેસીને આખું લાંબુ ચક્કર માર્યું ત્યારે જ મને મારી જાત પર માન થયું કે સારું થયું કે મેં ચાલતાં આ સાહસ કર્યું નહીં. ઘાણીનો બળદ જેમ ચાલી ચાલીને એક જ જગ્યાએ પાછો ફરે તેમ આ ચાલનારા પરસેવે રેબઝેબ થઈને પણ છેવટે તો જ્યાંથી શરૂ કર્યું ત્યાં જ પહોંચતા હતા. એ જોઈ મને તેમની દયા આવી.

શાયર ‘બેફામે’ કહ્યું છે,

                          બેફામ તોયે કેટલું થાકી જવું પડ્યું

નહીંતર જીવનનો માર્ગ છે ઘરથી કબર સુધી

પણ આ મૂરખાઓ તો કબરમાંય ટ્રેડમિલ મુકાવે એવા ‘ચાલુ’ માણસો છે. એમની સંગત સારી નહીં એમ સમજી મોટેભાગે હું શારીરિક રીતે ચાલવાનું બંધ કરી મારા મગજને ચલાવવા માંડું છું.

કોઈએ સાચું જ કહ્યું છે, ચાલવું એ અસ્થિરતાની નિશાની છે. સ્થિર બુદ્ધિ અને સ્થિર પગ વચ્ચે સંબંધ હોય છે. આપણી સંસ્કૃતિમાં ચલનો નહીં, અચલનો મહિમા છે. મતિવાન વ્યક્તિ મગજ ચલાવે છે અને ગતિવાન મૂઢ પગ જ ચલાવે છે. વેદોમાં આવું લખ્યું છે. (એટલે કે આવું લખ્યું હશે જ, એમ ધારી શકાય) ઘોડો તેજ ચાલે છે તેથી એને ઘોડાગાડીમાં જોતરાવું પડે છે. ગદર્ભ બહુ ચાલતો નથી તેથી એ મુક્ત રહે છે. આવું નીતિશતકમાં લખ્યું છે. (મહેરબાની કરી ચેક કરશો નહીં.) ચાલે એને ચલતાપૂર્જા કે ચાલુ શબ્દોથી નવાજવામાં આવે છે. ન ચાલે, એકે ડગ ન ભરે, એને અડગ કહેવામાં આવે છે.

જો તક મળે તો મારી પત્નીને મારે એટલું જ કહેવાનું છે કે આજકાલ ધોની ખાસ ચાલતો નથી, બચ્ચન ચાલતો નથી, મનમોહન ચાલતા નથી, અરે! અણ્ણા ને કેજરીવાલ પણ ચાલતા નથી. તો પછી હું શું કામ ચાલું?

RM/DP

Raeesh Maniar

Raeesh Maniar

ડો. રઈશ મનીઆર એક માતબર ગઝલકાર, નાટ્યકાર અને હાસ્યકાર તરીકે જાણીતા છે. એમણે સત્તર  જેટલા પુસ્તકો લખ્યા છે. મુશાયરાઓમાં કવિ તરીકે અને વક્તા કે સંચાલક તરીકે એમને સાંભળવા એ લહાવો છે. ગુલઝાર, જાવેદ અખ્તર, કૈફી આઝમી સાહિર લુધિયાન્વી જેવા ઉર્દુ કવિઓને એમણે ગુજરાતી ભાષામાં ઉતાર્યા છે. શાયરશિરોમણી મરીઝ વિશેના એમના પુસ્તક પરથી સફળ નાટક ‘મરીઝ’ અવતર્યું છે.  કેવી રીતે જઈશના ગીતો માટે એમણે એવોર્ડ મેળવ્યો છે, ફ� More...

Reader's Feedback:

blog comments powered by Disqus

Today Cartoon

GGN Voice
 
Radisson

Opinion Poll

 
અરવિંદ કેજરીવાલ વારાણસીમાં મોદી સામે જીતી શકશે ?
હાં. જીતી જશે 80.92 %
નાં. હારી જશે. 18.61 %
કહીં ન શકાય. 0.47 %