
નિલેશ ગજ્જરની હત્યામાં સામેલ રાજુ સલમાન દ્વારા જેલમાંથી આ કેસના સાક્ષીઓને ફોન કરી ખોટી જુબાની માટે પ્રભાવિત કરવાનો વિવાદ હજુ ઠર્યો નથી, ત્યાં જેલમાંથી બે મોબાઇલ ફોન મળી આવ્યા છે. આ ફોન નારાયણ સાંઇએ ઉપયોગ માટે રાખ્યા હોવાની વાતની ચર્ચા સાથે મામલો વધુ સગીન બન્યો છે.
રાજ્યના જેલ વિભાગની જડતી સ્ક્વોડ દ્વારા લાજપોર સેન્ટ્લ જેલમાં દરોડો પાડવામાં આવ્યો હતો. જડતી સ્ક્વોડના ભીખન બેહલીમની ટીમે જેલમાં કરેલી તપાસ દરમિયાન યાર્ડ નંબર ૭ના બેરેક નંબર ૩માંથી બે મોબાઇલ ફોન મળી આવ્યા હતા. આ બેરેકમાં ટોયલેટમાં લગાવાયેલા એક્ઝોસ્ટ ફેનની ઓથમાં આ ટચ સ્ક્રીનવાળા મોબાઇલ સંતાડી રાખવામાં આવ્યા હતા. ભીખન બેહલીમે આ ફોન કબજે લઇ પોલીસ ફરિયાદ નોંધાવી હતી. સબ-ઇન્સ્પેક્ટર રાવે ગુનો નોંધી તપાસ હાથ ધરી છે. વધુંમાં પ્રાપ્ત થતી વિગતો અનુસાર જે યાર્ડમાંથી મોબાઇલ મળ્યો છે એમાંની જ એક બેરેકમાંથી આ મોંઘાદાટ મોબાઇલ મળી અવ્યા છે. આ ફોનનો ઉપયોગ નારાયણ સાંઇએ કર્યો હતો કે કેમ એ દિશામાં પણ તપાસ ધરાશે એવું જાણવા મળે છે. અત્રે ઉલ્લેખનીય છે કે જેલમાં ગેરકાયદે મોબાઇલ ફોનનો ઉપયોગ કોઇ નવી વાત રહી નથી.
જેલના અધિકારીઓ અને કર્મચારીઓની જાણ બહાર મોબાઇલનો ઉપયોગ અશક્ય હોવાની વાત પણ બધા જાણે છે. હાલમાં જ હત્યા કેસના આરોપી રાજુ સલમાન જેલમાંથી સાક્ષીઓને પ્રભાવિત કરવા જેલમાંથી ફોન કરતો હોવાનો વિવાદ બહાર આવ્યો હતો. ક્રાઇમ બ્રાન્ચે આ ગુના સંદર્ભે જેલમાં સર્ચ ઓપરેશન પણ કર્યું હતું. જેમાં સીમકાર્ડ મળી આવ્યો હતો. હવે જેલમાંથી બે ફોન મળ્યા છે. જેલમાં ગેરકાયદે મોબાઇલના ઉપયોગ અંગે જેલતંત્ર જેટલી જ જવાબદારી પોલીસની પણ છે. ફોન મળવા અંગે જેલતંત્ર જે રેતી કોઇ પગલાં ભરતું નથી એ જ રીતે પોલીસ પણ ઊંડી તપાસ કરતી નથી. પોલીસને તપાસ સોંપાય તો છે પણ એ ફોન કોણ વાપરતું હતું, એનાથી કોને કયા કારણોસર કોલ થયા, આ ફોન કોની મદદગારીથી જેલમાં લઇ જવાયો એ મુદ્દાઓ તપાસ દરમિયાન પોલીસ સ્પષ્ટ કરતી ન હોવાથી આ પ્રવૃત્તિ વધી એમ કહીએ તો કંઇ ખોટું નથી.
DP
Reader's Feedback: