
GGN EXclusive
કચ્છના અખાતમાં આવેલા ૪૨ ટાપુ પૈકી બે ટાપુ ઉપર માનવ વસાહત આવેલી છે. તે પૈકી ખંભાલી-ઓખા વચ્ચે વસેલા અજાડ ટાપુ ઉપર રાજાશાહી જમાનાથી મોટી સંખ્યામાં લોકો વસે છે. દુનિયાથી તમામ રીતે કપાયેલા આ ટાપુ ઉપર ના લોકો માટે પ્રથમ વાર વીજળીનો ઉજાશ પથરાયો છે. ટાપુ ઉપર સોલાર સીસ્ટમ ફીટ કરવામાં આવી છે, જેને પગલે લોકોના ચહેરા ઉપર પણ ઉજાસ છવાયો છે.
ઓખામંડળનો દરિયા કિનારો પ્રાકૃતિક સોંદર્ય સાથે દરિયાઈ જીવસૃષ્ટિના ખજાનાથી ભર્યો પડ્યો છે. તેમાય દરિયાની અંદર આવેલા ૪૨ ટાપુઓ પણ સુંદરતા સાથે કુદરતી ખજાનાથી ભરેલા છે. ઓખાથી ૩૦ કિલોમીટરના દરિયાઈ રસ્તે આવેલા અજાડ ટાપુ તો બધા ટાપુઓમાં સર્વશ્રેષ્ઠ ટાપુ ગણાય છે. અહી ૫૦૦ એકર ખેતીલાયક જમીન પર ૧૦થી વધારે પરિવારો ખેતી કરી જીવન નિર્વાહ ચલાવે છે.
દુનિયાથી કપાયેલા આ અજાડ ટાપુ ઉપર જામનગર મરિન નેશનલ પાર્ક સંકલિત દરિયાકાંઠા વિસ્તાર વ્યવસ્થાપન પરિયોજના દ્વારા દરિયાકાંઠા ઉપર રહેતા લોકોનો સામાજિક અને આર્થિક વિકાસ થાય, આજીવીકામાં સુધારો આવે તથા દરિયાઈ જીવસૃષ્ટિ, પરવાર અને ચેરનું સંરક્ષણ અને સંવર્ધન થાય તે હેતુથી ટાપુ ઉપર ૧૦૦% સોલાર લાઈટ અને ૧૦૦% સ્ટ્રીટ લાઈટો અર્પણ કરવામાં આવી છે.
જામનગરના મુખ્ય વન સરક્ષણ આર ડી કમ્બોજના હસ્તે આ સોલાર સીસ્ટમ અર્પણ કરવામાં આવી છે. આ પ્રસંગે ગામના રેશમાબેન અકબરભાઈ સંધારે જણાવે છે કે આ સોલાર લાઈટ દ્વારા રાત્રે બાળકો ખુબ મનોરંજન માણી શકશે. સોલાર લાઈટ દ્વારા ટાપુ પર પૂર્ણિમાનો ચંદ્ર ખીલ્યો છે. ભવિષ્યમાં પણ ખીલતો રહેશે. આ સોલાર લાઈટ પ્રજાજનોને અંધકારમાંથી અજવાળા તરફ લાવશે. આ કાર્યનો મુખ્ય ઉદ્દેશ્ય મરીન નેશનલ પાર્ક અને ગ્રામજનો વચ્ચે વિશ્વાસનો સેતુ ઉભો કરવાનો છે.
અજાડ ટાપુની કુદરતી રચના એવી છે કે અહી પ્રાથમિક સુવિધાઓ આપી શકાય એમ નથી. મુખ્યત્વે આ ટાપુ પર વસતા લોકો ઓખાથી નીકળતી બોટમાં માછીમારી કે સલાયાથી નીકળતા વાહનોમાં ખલાસીનું કામ કરે છે. ખંભાલીયા તાલુકામાં સમાવિષ્ટ આ ટાપુ ઉપર ચુડેસ્વારથી જવાય છે, જયારે કે ભરતીના પાણીની સ્થિતિને લીધે ટાપુથી પરત નીકળવા ઓખા તરફ જવું પડે છે. બંને તરફના દરિયા કાંઠાથી ૩૦ કિમી જેટલું લાંબુ અંતર ધરાવતા હોવાના કારણે આજ સુધી આ ટાપુ ઉપર વીજળીની સુવિધા ઉભી કરી શકી નહોતી. જે હવે સોલારના માધ્યમથી શક્ય બન્યું છે.
આ પ્રસંગે જામનગરના મુખ્ય વન સંરક્ષક આર.ડી.કમ્બોજ, રેન્જ ફોરેસ્ટ ઓફીસર એન.એન.જોશી, મરિન બાયોલોજીસ્ટ ચંદ્રેશ દવે, ચેતન સોજીત્રા ઉપસ્થિત રહયા હતા.
Reader's Feedback: