જામનગર જીલ્લામાં સિંચાઈ વિભાગમાં કરોડો રૂપિયા પડતર પડ્યા છે, તેમ છતાં નવા કામોના આયોજનો થતા નથી. એટલે સુધી કે જુના તૂટી ગયેલા જળસંચયના નાના ચેક ડેમ તલાવડીઓ પણ રીપેર કરવામાં આવતા નથી. કરોડો રૂપિયાની ફાળવાયેલી ગ્રાન્ટમાંથી જિલ્લા પંચાયતે ખેડૂતો માટે ચેક ડેમો, પુર સંરક્ષણ દીવાલોના કામો, નાની સિંચાઈ યોજના વગેરે કામો તાકીદે કરીને લોકોને થતો અન્યાય દુર કરવાની માંગ થઇ રહી છે.
જામનગરની જીલ્લા પંચાયત કરોડો રૂપિયાનું વાર્ષિક બજેટ ધરાવે છે મોટો વહીવટ કરે છે જીલ્લાના સેંકડો ગામડાઓની કાયાપલટ કરવાની જવાબદારી જીલ્લાના પંચાયતના શિરે છે હાલારના હજારો ખેડૂતો પશુપાલકો અને ગ્રામજનોના જીવનમાં વાઈબ્રન્સી લાવવા માટે રાજ્ય તથા કેન્દ્રની સરકારો તમામ જીલ્લા પંચાયતોને કરોડો રૂપિયા અને સાધનો આપે છે.
પરંતુ કમનસીબી એ છે કે જામનગર મહાનગરપાલિકા અને જામનગર વિસ્તાર વિકાસ સતા મંડળ (જાડા) જેવી અન્ય સંસ્થોની માફક જીલ્લા પંચાયત પણ લકવાગ્રસ્ત ગઈ છે, વાઈબ્રન્ટ નથી. લોકોના કલ્યાણ અંગે વિચારવાની દ્રષ્ટિ કે નિષ્ઠાનો શાસકો-અધિકારીઓમાં અભાવ જોવા મળે છે.
જીલ્લાના ધારાસભ્યએ જીલ્લા પંચાયતના એક વિભાગ સિંચાઈ વિભાગની કેટલીક પ્રમાણભૂત માહિતીઓ એક્ત્ર કરી આ માહિતીને પ્રસિદ્ધ કરી છે. આ ચોંકાવનારી યાદી પ્રમાણે સિંચાઈ વિભાગની કામગીરી મોટાભાગે ઠપ્પ થયેલી પડી છે. સિંચાઈના નામે છેલ્લા ત્રણ વર્ષથી આવેલી અંદાજે રૂ. ૧૮ કરોડની ગ્રાન્ટ વપરાયા વિનાની પડી છે...! જીલ્લા પંચાયતે 'ઈતર' કામગીરીઓમાં ધ્યાન આપવાને બદલે પોતાની કામગીરી પૂરી કરવી જોઈએ.
ધ્રોલ તાલુકામાં છેલ્લા એક વર્ષથી રેગ્યુલર એસઓ નથી. વહીવટી કામગીરી ઠપ્પ છે. વર્તમાન એસઓ અન્ય શાખામાં બેસે છે. તેઓને તાલુકાની વધારાની કામગીરી સોપવામાં આવી છે, તેથી તેઓ કરવાના અમુક કામો કરી શકતા નથી. ધ્રોલ જામનગર કાલાવડ તાલુકાની વાત કરીએ તો બાલંભાડી સિવાયની તમામ કેનાલ બંધ હાલતમાં છે. જીલ્લા પંચાયતે પાછલા પાંચ વર્ષમાં ડેમની કેનાલ રીપેર કરવામાં કોઈ જાતનો રસ દાખવ્યો નથી.
સરકારે ડેમ્સ કેનાલ્સના કામ માટે ઈઆરએમ યોજના હેઠળ લાખો રૂપિયા ફાળવ્યાં છે, પરંતુ આ યોજના હેઠળ તાલુકાઓની કેનાલોનું ન તો આધુનિકરણ થાય છે ન તો સમારકામ. નાની સિંચાઈ યોજનામાં પર્યાય નાળાં વાપરવામાં આવે તો ડેમો-કેનાલોમાં પાણી ભરી શકાય અને સિંચાઈ થઇ શકે તેમ છે. પડેલી ગ્રાન્ટમાંથી સંબંધિત રસ્તા, નાળા, પુલીયાના કામો થઇ શકે તેમ છે. સિંચાઈ વિભાગ આ કામોમાં કોઈ રસ દાખવતું નથી. સિંચાઈ પેટા વિભાગની ભાગ-૧ની કચેરી ધ્રોલમાં ખસેડવાનો સરકારનો આદેશ ઘણા સમયથી હોવા છતાં તેનો અમલ થતો નથી.
જામનગર જીલ્લામાં સિંચાઈ વિભાગમાં કરોડો રૂપિયા પડતર પડ્યાં છે, નવા કામોનાં આયોજનો થતાં નથી. જિલ્લા પંચાયતે ખેડૂતો માટેના ચેક ડેમો, પુર સંરક્ષણ દીવાલોનાં કામો, નાની સિંચાઈ યોજના વગેરે કામો તાકીદે કરીને લોકો ને થતો અન્યાય દુર કરવો જોઈએ તેવી લાગણી ધારાસભ્ય રાઘવજીભાઈ પટેલે વ્યક્ત કરી છે.
Reader's Feedback: