છત્તીસગઢના મુખ્યમંત્રી રમણસિંહ આજે ગુજરાતમાં ભાજપના ઉમેદવાર માટે પ્રચાર કરવા રાજકોટ આવ્યા હતા અને રાજકોટમાં તેમણે બે સભા સંબોધી હતી. રમણસિંહે જણાવ્યું કે મોદી ગુજરાતમાં હેટ્રિક કરશે. છત્તીસગઢના મુખ્યપ્રધાન રમણસિંહે જીજીએનના રિપોર્ટર સુરેશ પારેખ સાથે ગુજરાત વિધાનસભા ચૂંટણી અંગે ખાસ વાતચીત કરી હતી.
પ્રશ્ન : ગુજરાતમાં ફરી મોદીનો જાદુ ચાલી જશે?
ઉત્તર : એમાં કોઈ શંકા જ નથી અને જે રીતે ગુજરાતમાં વિકાસ થયો છે અને ગુજરાતની જે રીતે ચર્ચા દેશભરમાં ચાલી રહી છે તે જોતાં ભાજપ અને મોદીની જીત નિશ્ચિત છે અને જંગી બહુમતી સાથે તેઓ ફરી ચૂંટાઈને આવશે તેમાં કોઈ શંકા નથી
પ્રશ્ન : પણ મોદી સામે આ વખતે કેશુભાઈ પટેલ અને કોંગ્રેસ બંને છે.
ઉત્તર : લોકો નરેન્દ્ર મોદીએ કરેલાં કામની ચર્ચા કરે છે અને તે આધારે મત આપે છે અને આપતી આવી છે. ભાજપનો મુકાબલો તો કોંગ્રેસ સામે છે, જે રીતે દિલ્હીમાં સરકાર ચાલે છે અને ભ્રષ્ટાચારના કેસો સામે આવી રહ્યાં છે, તે જોતાં ભાજપ ફરી વિજેતા બનશે અને મોદી જીતની હેટ્રિક નોંધાવશે.
પ્રશ્ન : શું તમે મોદીને વડાપ્રધાનપદના ઉમેદવાર તરીકે જોઈ રહ્યાં છો ?
ઉત્તર : ભાજપ પાસે ઘણા નેતા છે અને મોદીએ પણ ઘણાં સારાં કામ કર્યાં છે અને ત્યારે ચોક્કસપણે જે સારાં કામ કરે છે તેના માટે નવી તકો પણ સામે આવતી જ હોય છે.
પ્રશ્ન : એફ.ડી.આઈ. મુદ્દે સંસદમાં વિવાદ ચાલે છે. શું તમારું રાજ્ય સપોર્ટ કરશે ?
ઉત્તર : ચોક્કસપણે નહિ, અને સંસદમાં જે કાંઈ થઈ રહ્યું છે તે માટે ભાજપ અને તેના સાથી પક્ષોનું સ્ટેન્ડ બહુ જ ક્લીયર છે. તેઓએ પણ એફ ડી આઈ નો વિરોધ કર્યો છે અને અમે પણ છત્તીસગઢમાં એફ.ડી.આઈ. નહીં લાવીએ.
પ્રશ્ન : રામ જેઠમલાણીને નોટિસ આપવામાં આવી છે અને હાલ પાર્ટીમાં અશિસ્ત પણ ઘણી જોવા મળી રહી છે ?
ઉત્તર : પાર્ટીમાં અશિસ્ત ચલાવી ન શકાય અને જે પાર્ટીની નીતિ છે તે મુજબ કાર્યવાહી થતી હોય છે.
SP/DP
Reader's Feedback: