ગુજરાત વિધાનસભાનું બજેટ સત્ર 23 ફેબ્રુઆરીથી શરુ થઈ રહ્યું છે ત્યારે આઝાદી પહેલા ગુજરાતમાં એક નહીં પણ ચાર ચાર વિધાનસભાઓ કાર્યરત હતી જેમાં ભાવનગર વિધાનસભા, પોરબંદર સ્ટેટ વિધાનસભા, વડોદરા વિધાનસભા અને સૌરાષ્ટ્ર વિધાનસભાનો સમાવેશ થાય છે.
પહેલી મે, 1960ના રોજ અલગ ગુજરાત બાદ વર્તમાન વિધાનસભા અસ્તિત્વમાં આવી હતી. વિધાનસભાના ઈતિહાસ પર એક નજર નાખીએ તો, સૌપ્રથમ 1941માં ભાવનગરના તે સમયના મહારાજ ભાવસિંહજી દ્વારા પ્રજાના પ્રતિનિધિની સભાના નામે વિધાનસભાની રચના કરવામાં આવી હતી. જેમાં 38 જેટલા નિયુક્ત સભ્યો હતા અને તેમને પ્રજાના પ્રશ્નો પૂછવાની સત્તા આપવામાં આવી હતી. ત્યારબાદ તેમના પુત્ર કૃષ્ણકુમારસિંહજી દ્વારા ભાવનગર વિધાનસભાની રચના કરવામાં આવી હતી. તેજ ગાળામાં પોરબંદર ખાતે પોરબંદર સ્ટેટ એસેમ્બલી કાર્યરત હતી તો 1908માં બરોડા સ્ટેટના મહારાજા સયાજીરાવ ગાયકવાડે વડોદરા વિધાનસભાની સ્થાપના કરી હતી.
1952માં સૌરાષ્ટ્ર વિધાનસભાની રચના થઈ હતી. 31 ઓક્ટોબર, 1956માં તેને મુંબઇ વિધાનસભાની સાથે ભેળવી દેવામાં આવી હતી અને ત્યાર બાદ 1960માં અલગ ગુજરાત બાદ વર્તમાન ગુજરાત વિધાનસભાની રચના થઇ હતી.
ક્યારે કેટલા ધારાસભ્યો હતા...
1960માં ગુજરાત વિધાનસભાના સભ્યોની સંખ્યા 132 હતી. ત્યારબાદ 1962માં 154 સભ્યોની સંખ્યા નિયુક્ત થઇ અને 1967માં 168 ધારાસભ્યો અને તે પછી 1975માં 182 ધારાસભ્યોની સંખ્યા નક્કી થઇ હતી જે આજદિન સુધી યથાવત છે અને કેન્દ્ર સરકારના એક નિર્ણય અનુસાર 2025 સુધી માત્ર ગુજરાતની જ નહીં પરંતુ દેશની કોઇપણ વિધાનસભાના સભ્યોની સંખ્યામાં વધારો થઇ શકે તેમ નથી.
ગુજરાત વિધાનસભાના પ્રથમ અધ્યક્ષ...
અલગ ગુજરાત બાદ અસ્તિત્વમાં આવેલી વિધાનસભાના પ્રથમ અધ્યક્ષ તરીકે કલ્યાણજી મહેતા નિયુક્ત થયા હતા. 1971 સુધી ગુજરાત વિધાનસભા અમદાવાદમાં કાર્યરત હતી અને તેની પ્રથમ બેઠક અમદાવાદની સિવિલ હોસ્પિટલના વર્તમાન ઓપીડી બિલ્ડિંગમાં મળી હતી. ત્યાર બાદ 11 ફેબ્રુઆરી, 1971માં ગાંધીનગરની સેકટર 17ની સેન્ટ્રલ લાયબ્રેરી કે જે જૂની વિધાનસભા તરીકે ઓળખાય છે ત્યાં કાર્યવાહી ચાલતી હતી. ગાંધીનગરની સ્થાપના થયા બાદ 20 માર્ચ, 1978માં વર્તમાન વિધાનસભા ઇમારતનું ભૂમિપૂજન થયું હતું અને જુલાઈ 1982માં તત્કાલિન રાજ્યપાલ શારદા મુખરજી દ્વારા વિઠ્ઠલભાઈ પટેલ ભવન ખુલ્લુ મુકવામાં આવ્યું હતું.
Reader's Feedback: