રવિવારે વાતાવરણમાં આવેલા ઓચિંતા ફેરફારને લીધે દરિયામાં પણ માછીમારી કરવા ગયેલા માછીમારોને પરત ફરવાની ફરજ પડી હતી. વાતાવરણમાં ફેરફારને લીધે આ વર્ષે એક માસ માછીમારી સીઝન વહેલી તો પુરી નહી થાય ને તેવી ચિંતા માછીમારોમાં વ્યાપી છે.
ઓખાના દરિયા કિનારે ૧પ ઓગષ્ટથી ૧પ મે નવ માસ દરમિયાન માછીમારી કરવા દેશના અલગ અલગ રાજયોમાંથી માછીમારો માછીમારી બોટ સાથે ઉમટી પડે છે. અહી આવેલા માછીમારો ૧૦ થી ૧પ દિવસ માછીમારી કરવાની તૈયારી સાથે દરિયામાં જવા નીકળતા હોય છે અને માછીમારી કરી ફરી પરત ફરતા હોય છે.
માછીમારી સીઝન પુરી થવાને હજુ એક માસ બાકી છે ત્યારે રવિવારે આવેલા ઓચિંતા હવામાનના પલ્ટાથી માછીમારોમાં ગભરાટ ફેલાયો છે કે આ વર્ષે માછીમારી સીઝન એક માસ વહેલી તો પુરી નહીં થાય ને? ચૈત્ર માસ એટલે ઉનાળાની શરૃઆત ગણાય છે પણ ગઈ કાલે હવામાનમાં ઓચિંતો પલ્ટો આવતા અને દરિયામાં કંઈક જુદો જ કરન્ટ દેખાતા ઓખાથી માછીમારી કરવા દરિયામાં ગયેલા માછીમારોને બોટ સાથે ઓખા પરત ફરવાની ફરજ પડી હતી.
સામાન્ય રીતે રસ્તા પર વાહનોના જમેલા કે કોઈ અડચણના લીધે ટ્રાફિક જામ થઈ જતો હોય છે અને વાહન વ્યવહાર બંધ થઈ જતો હોય છે.દરિયામાં રવિવારે આવેલા બદલાવને લીધે ઓખાથી દરિયામાં ગયેલા માછીમારોને બોટ સાથે પરત આવવાની ફરજ પડતા ઓખા બંદરે માછીમારી બોટના ખડકલા થઈ ગયા છે અને દરિયાકાંઠે ટ્રાફિકજામ જેવી સ્થિતિ સર્જાઈ છે.
ફીશરીઝ, હવામાન ખાતું શું કહે છે ?
રવિવારે આવેલા વાતાવરણમાં ફેરફાર અને તેના લીધે માછીમારોમાં વ્યાપેલી ચિંતાથી વાતાવરણના ફેરફાર અંગે હવામાન ખાતા અને ફીશરીઝ વિભાગને પુછપરછ કરવામાં આવતા આ બાબતે બંને વિભાગના સતાધીશોએ જામનગર જિલ્લામાં વરસાદ કે વાવાઝોડાની આગાહી નથી તેવો જવાબ આપતા માછીમારોને હાશકારો થયો છે.
DP
Reader's Feedback: