માથે સફેદ હેડ સ્કાર્ફ, ગ્રીન લોંગ સ્લીવ શર્ટ અને બ્લેક લેગિંગ્સમાં દોડી રહેલી સારા જ્યારે મહિલાઓની 800 મીટર દોડમાં ત્રીજા સ્થાને આવી ત્યાં હાજર રહેલાં સેંકડો લોકોએ ઊભા થઇને તેનું તાળીઓથી અભિવાદન કર્યું હતું. કેટલાકે હર્ષભેર જયઘોષ કરીને તેની આ સિદ્ધિને બિરદાવી હતી.
સાઉદી અરબની મહિલા ખેલાડીઓ ઓલિમ્પિકમાં પ્રથમવાર જ રમી રહી છે. આ બાબત પ્રશંસનીય તો છે જ સાથે સાથે વખાણવાલાયક એ છે કે પ્રથમવાર જ ઓલિમ્પિકમાં રમી રહેલી સાઉદી અરબની મહિલાઓ ઘણો સારો દેખાવ કરી રહી છે.
નોંધનીય છે કે સાઉદી અરબની મહિલાઓને કોઈ પણ સ્પર્ધામાં વસ્ત્રોની ગરિમા સચવાય તે શરતે જ ભાગ લેવા દેવામાં આવ્યો છે.
સારા અત્તાર પણ તેમાંની જ એક યુવતી છે. નખશિખ વસ્ત્રોથી ઢંકાયેલી સારાએ સફળતાપૂર્વક પોતાની રમત પૂર્ણ કરી છે. સારા ઓલિમ્પિકમાં ટ્રેક ફિલ્ડ સ્પર્ધાઓમાં સાઉદી અરબ તરફથી ભાગ લેનારી પહેલી મહિલા એથ્લિટ છે. તેના માટે આ સ્પર્ધામાં ભાગ લેવો મોટા સન્માનની બાબત છે.
માથાથી માંડીને પગ સુધી પૂરાં વસ્ત્રોમાં ઢંકાયેલી સારાનો ફક્ત ચહેરો જ દેખાતો હતો. સારા 800 મીટર સ્પર્ધામાં પોતાની નજીકની પ્રતિસ્પર્ધી કરતાં ફક્ત અડધી મિનિટના અંતરે દૂર રહી હતી.
સારાએ જણાવ્યું હતું કે, “આ ઓલિમ્પિક મારા માટે આખી જિંદગી ઘણી મોટી પ્રેરણા પૂરો પાડતો રહેશે. સાઉદી અરબ ઓલિમ્પિક કમિટીએ ઓલિમ્પિકના એક મહિના પહેલાં જ મારી એન્ટ્રી કન્ફર્મ કરી હતી. આ મારા માટે મોટા સન્માનની વાત છે.”
MP / KP
Reader's Feedback: