Home» Politics» Gujarat Politics» First election of saurashtra state

પ્રથમ વિધાનસભા ચૂંટણીની રસપ્રદ વાતો....

જીજીએન ટીમ દ્વારા | October 13, 2012, 05:16 PM IST

અમદાવાદ :

લોકશાહી શાસનવ્યવસ્થામાં ચૂંટણી મહાપર્વ છે. સ્વતંત્રતાને નાગરિકના મત વિના તો કલ્પી જ ન શકાય. એમાંય ભારતીય ચૂંટણી પરંપરા બેજોડ છે. સમગ્ર વિશ્વ માટે ઉદાહરણરૂપ કાર્ય આપણું ચૂંટણીતંત્ર કરે છે. એમાંય આઝાદી બાદ જયારે પ્રથમ વખત ચૂંટણી પ્રક્રિયા થઇ ત્યારે તો પ્રજામાં આનંદ અને ઉત્સાહનો માહોલ હતો. વળી, સૌરાષ્ટ્ર તો એ વખતે અલગ રાજય હતું,  ત્યારે તેમાં થયેલી વિધાનસભાની ચૂંટણી લોકશાહીનું પ્રથમ પગથિયું હતું. નવી નવી આઝાદી હતી ને  કેટલીક જૂની પરંપરા હતી, એમાં સૌરાષ્ટ્ર  રાજ્યમાં જ્યારે આ ચૂંટણી યોજાઇ ત્યારે અનોખું વાતાવરણ હતું !

ગુજરાત આર્કાઇવ્ઝ-વેસ્ટ  સર્કલમાં કેટલાંક જૂનાં પુસ્તકો અને દસ્તાવેજી આધારોની ચકાસણી કરવામાં આવી તો તેમાં કેટલીક રસપ્રદ બાબતો જાણવા મળી. દેશ આઝાદ થયો એ પછી કાઠિયાવાડના પ્રિન્સલી સ્ટેટ્સે ‘‘યુનાઇટેડ સ્ટેટ્સ ઓફ કાઠિયાવાડ’’નું કરારનામું કર્યું હતું. સરદાર વલ્લભભાઇ પટેલની સૂઝબૂઝથી દેશી રજવાડાનું ભારતમાં વિલિનીકરણ થયું એ બાદ સૌરાષ્ટ્ર સરકારના પ્રમુખ જામસાહેબ અને પુષ્પાવતીબેન મહેતાના અધ્યક્ષસ્થાને શ્રી સૌરાષ્ટ્ર બંધારણસભાની રચના થઇ હતી. જેની પણ ચૂંટણી થઇ હતી. આ બંધારણસભાની બેઠકની નોંધ આર્કાવાઇવ્ઝમાં જોવા મળે છે.

સૌરાષ્ટ્ર રાજ્યની કામગીરીનો પ્રારંભ સરદાર વલ્લભભાઇ પટેલે 15મી ફેબ્રુઆરી-1948નાં રોજથી શરૂ કરાવ્યો હતો. ત્યારે સૌરાષ્ટ્રના પ્રથમ મુખ્યમંત્રી  ઉછંગરાય ઢેબરની શપથવિધિ થઇ હતી. આમ તો એ પહેલાં દેશી રજવાડાઓમાં પણ ગ્રામ પંચાયતો અમલમાં હતી. સૌરાષ્ટ્ર સરકારે સૌરાષ્ટ્ર  વિલેજ પંચાયત ઓર્ડિનન્સ વટહુકમ લાવી પંચાયતીરાજની સ્થાપના કરી હતી. એ વખતે 301 જેટલી ગ્રામ પંચાયતો હતી. જેમાં 2000થી વધુ ગામોમાં સર્વાનુમતે પંચાયતની રચના કરવામાં આવતી હતી. વળી, કેટલાક રાજ્યોમાં નગરપંચાયતો પણ હતી. જો કે, એમાં મતદારોની સક્રિય ભાગીદારી નહોતી. એટલે અહીં ઇલેક્શન નહીં પણ સિલેક્શન હતું!! વળી, મતદારયાદીમાં પણ એટલી ચોક્કસાઇ રાખવામાં આવતી નહોતી !!! ભાવનગર સ્ટેટમાં 131, જસદણ સ્ટેટમાં 38 જેટલી અને પોરબંદર સ્ટેટમાં પણ ગ્રામ પંચાયતો હતી. પણ જ્યારે, દેશ આઝાદ થયો ત્યારે સૌથી મોટું કાર્ય હતું સ્વતંત્ર રીતે ચૂંટણી કરાવવાનું !

ઉપલબ્ધ વિગતો મુજબ એ વખતે સૌથી મોટું કાર્ય હતું મતદાર નોંધણીનું. આ કામગીરી ગામના પોલીસ  પટેલ, કોટવાળ, વિલેજ ઓફિસર એટલે કે તલાટી મંત્રીઓ દ્વારા કરવામાં આવી હતી. સૌરાષ્ટ્રમાં ગોહિલવાડ, રાજકોટ, જામનગર, સુરેન્દ્ર નગર, સોરઠ જેવા જિલ્લા હતા. વર્તમાન સૌરાષ્ટ્રનો બાકીનો પ્રદેશ મુંબઇ દ્વિભાષી રાજયમાં સમાવિષ્ટ થતો હતો. પ્રથમ મતદારયાદી તૈયાર કરવાનું કાર્ય પણ મહેનત માંગી લે તેવું હતું. લોકોને સમજાવી તેમનાં નામ મતદાર તરીકે દાખલ કરવામાં આવ્યાં હતાં. લોકો માટે પણ ચૂંટણી નવી હતી, એટલે તેમાં સાશ્ચર્ય આનંદ હતો. સૌરાષ્ટ્રમાં આવી રીતે સિંગલ મેમ્બર 15,30,765 અને ડબલ મેમ્બર 3,09,125 મતદારોની નોંધણી થવા પામી હતી. કુલ 18,39,890 મતદારો પ્રથમ મતદારયાદીમાં નોંધાયા હતા. અહીં સિંગલ મેમ્બર એટલે વિધાનસભાના મતદારો એવું થાય છે. 1952માં સૌરાષ્ટ્રની પાંચ બેઠકો પર લોકસભા માટે પણ ચૂંટણી કરવામાં આવી હતી. વળી, વિધાનસભા અને લોકસભાની ચૂંટણીમાં મતદાન સ્લીપ અને મતપેટીને કલર કોડ આપવામાં આવ્યા હતા. સમગ્ર ચૂંટણી મુખ્ય ચૂંટણી અધિકારી એમ.કે.ચીટણવીસના માર્ગદર્શન નીચે યોજાઇ હતી.

ચૂંટણી માટે મતદાર જાગૃતિનું કાર્ય એટલું જ અગત્યનું હતું. મતદાર જાગૃતિ માટે ગામડામાં સાદ પાડવામાં આવતો હતો અને ઢોલ પર દાંડી પણ પીટવામાં આવતી હતી. શહેરી મતદારો માટે ઠઠ્ઠાચિત્રો સાથે એક પુસ્તિકા પ્રગટ કરવામાં આવી હતી. જેમાં મતદાન કેવી રીતે કરવું એનું  કાર્ટૂન દ્વારા માર્ગદર્શન આપવામાં આવ્યું  હતું. વળી, પ્રતિપ્રેષક અધિકારી, એટલે કે રિટર્નિંગ ઓફિસર માટે માર્ગદર્શક બુક પ્રકાશિત કરવામાં આવી હતી. સુરેન્દ્રનગર જિલ્લા  સમાહર્તા વા.ગો.સુભેદાર દ્વારા પ્રકાશિત આ પ્રકારની પુસ્તિકામાં પ્રતિપ્રેષક અધિકારીઓને કઇ રીતે ચૂંટણી કરવી એની સૂચના આપવામાં આવી હતી. આ ઉપરાંત મતદાનમથકોમાં કેવી વ્યવસ્થા કરવી, કોને અંદર પ્રવેશવા દેવા, પ્રતિપ્રેષક અધિકારીને કઇ તકેદારી રાખવી અને કઇ કલમ હેઠળ કામગીરી કરવી એ બાબતોનો એ પુસ્તિકામાં સમાવેશ થતો હતો. ગુજરાતી ભાષામાં પ્રકાશિત આ પુસ્તિકા એ વખતે અધિકારીઓ માટે ચૂંટણી ગીતા ગણાઇ હતી.

ચૂંટણીમાં પણ જોરદાર ઉત્સાહ પ્રવર્તતો હતો. નવ જેટલા રાજકીય પક્ષોએ એમાં ભાગ લીધો હતો. પ્રથમ ચૂંટણીમાં સૌરાષ્ટ્રની 55 બેઠકો માટે 287 લોકોએ ઉમેદવારી નોંધાવી હતી. તેમાંથી 12 ઉમેદવારોના નામાંકન પત્રો રદ થયાં હતાં. જયારે, 55 ઉમેદવારોએ ઉમેદવારી પરત ખેંચી હતી. આખરે 222 ઉમેદવારો ચૂંટણી લડ્યા હતા. 44.28 ટકા જેટલું મતદાન થવા પામ્યું  હતું.    આ ચૂંટણીમાં ઢેબરભાઇ ઉપરાંત પંચાયતીરાજના પ્રણેતા બ.ગો. મહેતા, સૌરાષ્ટ્ર વિધાનસભાના પ્રથમ અધ્યક્ષ મગનભાઇ જોશી, રતુભાઇ અદાણી, ઘનશ્યામભાઇ ઓઝા, જયાબેન શાહ જેવા આગેવાનો પણ ચૂંટાઇ આવ્યાં હતાં.

PP/DP

Reader's Feedback:

blog comments powered by Disqus

Today Cartoon

GGN Voice
 
Radisson

Opinion Poll

 
અરવિંદ કેજરીવાલ વારાણસીમાં મોદી સામે જીતી શકશે ?
હાં. જીતી જશે 80.27 %
નાં. હારી જશે. 19.09 %
કહીં ન શકાય. 0.64 %