પંચાયતી રાજમાં સરપંચની ભૂમકા સૌથી અગત્યની ગણવામાં આવે છે. ગુજરાતમાં અનેક ગામોમાં સરપંચ તરીકે મહિલોઆ કામગીરી કરી રહી છે. જેમાં ચરોતરમાં આવેલ સિસ્વા અને ભૂમેલ ગામની મહિલા સરપંચ ઉદાહરણરૂપ બની ગયા છે.
ખેડા જિલ્લાના નડિયાદ તાલુકામાં આવેલ ભુમેલ ગામના સરપંચ તરીકે કામ રહેલા રશ્મિકાબેન પરમાર ગામની વહુ છે. તે પોતે ડબલ માસ્ટર ડીગ્રી ધરાવે છે. આ વખતે મહિલા બેઠક હતી જેથી તેઓ સરપંચની ચૂંટણીમાં ઉભા રહ્યાં હતાં અને તે જીતી ગયા હતા. હાલના દિવસોમાં ગામમાં સાફ-સફાઈ રહે તે માટે કચરો ફેલાવનાર સામે દંડ જાહેર કર્યો છે. જેમાં જાહેરમાં શૌચાલય કરનાર કે કચરો ફેકનારને એકાવન રૂપિયાનો દંડ રાખ્યો છે.
ઉપરાંત તેઓ ગામની પાણીની સમસ્યાના ઉકેલ તેમજ પંચાયત ઘર માટેની કામગીરી કરી રહ્યાં છે. ગામમાં અનેક પ્રશ્નો છે. જે પ્રશ્નોને હલ કરવા માટે નાણાંની જોગવાઈ કરી રહ્યાં છે. જેથી દરેકના ઘરમાં શૌચાલય થાય અને ગામ આર્થિક રીતે સધ્ધર થાય તે માટે આગળ રજૂઆતો કરી રહ્યાં છે. તેમને આશા છેકે નજીકના દિવસોમાં આ બાબતે કામગીરી શરૂ થઈ જશે.
આ મહિલા સરપંચ ગામમાં પોતાનું બ્યુટીપાર્લર ચલાવે છે. અને સાથે સરપંચ તરીકે પોતાની જવાબદારી પણ નિભાવે છે. ગ્રામ પંચાયતના સભ્યો અને ગ્રામજનો દ્વારા યોગ્ય સાથ-સહકાર મળતો હોવાથી કામ-કાજમાં મુશ્કેલી પડતી નથી તેમ તેઓએ જણાવ્યું હતું. ગ્રામજનોને અલગ-અલગ યોજનાની માહિતી આપવામાં આવી રહી છે. જેથી તે સરકારી યોજનાના લાભ લઈ શકે.
મહિલા સરપંચના મતે આ ગામમાં પહેલા પણ મહિલા સરપંચ હતાં જેથી આ વખતની ચૂંટણીમાં મહિલા સરપંચ આવે તેવી લોકચાહના હતી. જેથી આ વખતે ગ્રામજનોએ મારી ઉપર ભરોસો રાખ્યો છે અને લોકોમાં આ ભરોસો સાચો ઠરે તે ગામના વિકાસ માટે કાર્યરત છું.
જ્યારે આણંદ જિલ્લાના બોરસદ તાલુકામાં આવેલ ગામ સિસ્વાની પંચાયત દેશભરમાં ચર્ચાનો વિષય બની છે. તેનું માત્ર એક જ કારણ છે કે સિસ્વા ગ્રામ પંચાયતનું સુકાન 12 યુવતીઓ સંભાળે છે. આ ગામ પાંચ હજારની વસ્તી ધરાવે છે. છેલ્લા 20 વર્ષથી આ ગામમાં ગ્રામ પંચાયતની ચૂટણી થઈ નથી. આ ગામમાં સહમતીથી આગેવાનો નક્કી થાય છે. જેથી આ ગામ સમરસ ગ્રામ પંચાયતનું ઉત્તમ ઉદાહરણ બની ગયું છે.
આ ગામના વડીલો દ્વારા ગામની સરંપચ મહિલાને બનાવાતી હતી. પરંતુ આ વખતે ગ્રામ પંચાયતમાં સભ્યોથી થઈને સરપંચ સુધીના પદે યુવાન છોકરીઓને બેસાડી દેવામાં આવે છે. આ તમામ યુવતીઓની ઉંમર 22થી 26 વર્ષની વચ્ચે છે. જેમાં બે યુવતીઓ એન્જિનિયર, બે યુવતીઓ નર્સ, એક યુવતી એમબીએ, એક યુવતી એકાઉન્ટન્ટ છે. જેથી આ ટીમમાં દરેક ક્ષેત્રના સભ્યો છે. જેથી ગામની મુશ્કેલીઓ દૂર કરવામાં મુશ્કેલીનો સામનો કરવો પડતો નથી.
આ યુવતીઓ દ્રારા પ્રાથમિક તબક્કે સમસ્યા અંગે વિચારણા કરવામાં આવે છે. ત્યારબાદ તેનું પ્લાનીંગ અને અંતે એક્ઝીક્યુટ કરવામાં લાગી છે. આ ગામની યુવા મહિલા ફોજ દ્વારા સૌપ્રથમ ગામના બસ સ્ટેન્ડને સુધારવાનું કામ શરૂ કરવામાં આવ્યું હતું. બસ સ્ટેન્ડ ઘણા વર્ષોથી ખરાબ હાલતમાં હતું. જેથી તેની જરૂરિયાત પહેલા ક્રમે જણાતી હતી. અને ત્યાર બાદ આખાંય ગામમાં આરસીસી રોડ બનાવવાનો પ્લાન છે. અને ગામની મહિલાઓ ઘરે બેઠાં રૂપિયા કમાઈ શકે તે હેતુસર અગાઉના વર્ષોમાં ગૃહઉધોગ શરૂ કરવાની ઈચ્છા છે. જેથી ગામના લોકો આર્થિક રીતે મજબૂત બને.
રાજસ્થાનની એક સરંપચ છવી રાજાવત 31 વર્ષની ઉંમરે દેશની સૌથી નાની વયની સરપંચ હતી. પરંતુ હવે 25 વર્ષની ઉંમર ધરાવતી આ ગામની યુવતી હિનલ પટેલ દેશની સૌથી નાની વયની સરંપચ બની છે. આ ઉપરાંત કચ્છના નખત્રાણાના મોરઝર ગામમાં પણ ગ્રામ પંચાયતનું આખું સુકાન મહિલાઓ દ્વારા સંભાળવામાં આવે છે.
Reader's Feedback: