Home» Youth» Trends» Designer rakhi in rakshabandhan

પ્રેમને પોષતી ડિઝાઇનર રાખડી

જીજીએન ટીમ દ્વારા | July 24, 2012, 04:30 PM IST

અમદાવાદ :

ભાઈ- બહેનનાં સ્નેહને વાચા આપતું પર્વ રક્ષાબંધન સાવ નજીક છે ત્યારે બજાર અવનવી ડિઝાઇનર રાખડીઓથી છલકાઈ ઊઠ્યું છે. આમ તો રેશમની આ દોરીને બહેન સાદી નાડાછડી કે નાના ગોટા તરીકે  બાંધી દે તો પણ ભાઈ સ્વીકારવાનો જ છે, પરંતુ સ્નેહ છલકાવતી બહેન પણ હવે ભાઈને અવનવી ડિઝાઇનની રાખડી બાંધવાનું જ પસંદ કરે છે.

બહેનો રાખડીઓની ડિઝાઇનમાં પણ વેરાઇટી માંગતી હોવાથી  બજારમાં જુદી જુદી ડિઝાઇનની રાખડીઓનું રીતસર પ્રદર્શન લાગેલું હોય તેવું લાગે છે. એક રાખડી જુઓને બીજી ભૂલો એટલી બધા રંગો, ડિઝાઇન્સ અને મિટિરિયલમાં બજારમાં રાખડી મળે છે.

દર વર્ષે રક્ષાબંધનના પર્વે બજારમાં નવી નવી રાખડીઓ આવતી હોય છે. ચાલો જોઈએ આ વખતે રક્ષાબંધનમાં કેવી રાખડીઓ છવાશે.

આ વર્ષે મોતીકામની ડિઝાઇન રાખડીઓમાં વધુ જોવા મળી રહી છે. સાથે સાથે કોટન કે સૂતરનાં તાંતણાને બદલે હેવી રંગબેરંગી દોરાનો ઉપયોગ કરીને બનાવેલી રાખડીઓ પણ બજારમાં મળે છે.

રાખડીઓની ડિઝાઇનમાં એક ખાસિયત એ જોવા પણ મળશે કે દર વર્ષની જેમ ડાર્ક રંગને બદલે લાઇટ અન પેસ્ટલ કલરની રાખડીઓ પણ બજારમાં આવી છે જે બ્રેસલેટ તરીકે પણ પહેરી શકાય છે.

રક્ષાબંધન માંગલિક અને શુભ તહેવાર હોવાથી રાખડીઓમાં સાથિયા, લક્ષ્મીજી તથા ગણપતિ કે ઓમ હોય તેવી ડિઝાઇનની રાખડી મળે છે. આ ઉપરાંત ચંદન, કકું અને અક્ષત લગાવેલા હોય તેવી રાખડીઓ પણ મળે છે.

આ ઉપરાંત જરીકામ કે જરદોસીવાળી રાખડીઓની સાથે સાથે મોતી, ડાયમંડ અને જડતરવાળી ડિઝાઇનની રાખડીઓ પણ બજારમાં આવી ગઈ છે.

રક્ષાબંધનમાં રાખડીની સાથે સાથે તમે ઇચ્છતા હો કે સજાવટ કરેલી પૂજનની થાળી પણ જોઈએ છે તો એ  પણ મળી રહે છે તેમાં ગણપતિ, દીવી, સજાવેલું નાળિયેર અને કંકાવટી સેટ કરેલાં જ હોય છે.

આ ઉપરાંત ડ્રાયફ્રૂટ તથા લવિંગ, ઇલાયચી જેવા તેજાનાથી બનાવેલી સુગંધિત રાખડીઓની વેરાઇટી પણ જોવા મળશે. બધી જ રાખડીઓ ત્રણ ,પાંચ કે દસ રૂપિયાની કિંમતથી માંડીને 150 રૂપિયા સુધીની કિંમતની મળે છે.

અમદાવાદમાં તથા ગુજરાતમાં છેલ્લા એક વર્ષથી લુમ્બા રાખડીઓ પણ જોવા મળી રહી છે. આમ તો લુમ્બા રાખડી રાજસ્થાનમાં ભાભીને બાંધવામાં આવે છે. ભાઈને જેવી રાખડી બાંધો તેવી જ ડિઝાઇનનું લટકણ એટલે લુમ્બા રાખડી. જે જરી,ટીકી, મોતી, બિડ્સ, ડાયમંડ વગેરેથી એકદમ સરસ રીતે બનાવવામાં આવે છે.

લુમ્બાની બનાવટ અને ફિનિશિંગ એકદમ આકર્ષક હોવાથી ગુજરાતી મહિલાઓ પણ તે ખરીદીને ભાભીને બાંધતાં હોવાથી આ વખતે  લુમ્બા રાખડીઓનું વેચાણ પણ વધ્યું છે તેના ભાવ 30 રૂપિયાથી માંડીને 75 રૂપિયા સુધીના હોય છે.


MP / YS

Reader's Feedback:

blog comments powered by Disqus

Today Cartoon

GGN Voice
 
Radisson

Opinion Poll

 
અરવિંદ કેજરીવાલ વારાણસીમાં મોદી સામે જીતી શકશે ?
હાં. જીતી જશે 79.00 %
નાં. હારી જશે. 20.36 %
કહીં ન શકાય. 0.64 %