Home» Religion» Pilgrimage & Festival» Chandi padvo celebration at surat

સુરતીઓ ખાશે 10 કરોડનાં ઘારી અને ભૂસું !

જીજીએન ટીમ દ્વારા | October 18, 2013, 02:47 PM IST

સુરત :

સુરતીઓનો પ્રિય તહેવાર એટલે ચંદની પડવો. સુરતના લોકો શરદપૂર્ણિમાના પૂર્ણ ચંદ્રદર્શન બાદ બીજા દિવસને ચંદની પડવો તરીકે મનાવે છે. શરદપૂનમના દિવસે દૂધ અને પૌંઆ ખાય છે તો ચંદની પડવોનાં દિવસે સુરતીઓ ઘારી ખાય છે. આ ઘારી ખાવા માટે સુરતીઓ એ હદે તલપાપડ હોય છે કે મીઠાઈ બનાવનારાથી માંડીને સહકારી સંસ્થા દ્વારા ખાસ આયોજન કરવું પડતું હોય છે.

સુરતીઓ જે ઘારીની લિજ્જત માણે છે તેના ઉપર ચોખ્ખા ઘીનું સફેદ પડ હોય છે જે તેને ચાંદ જેવો ચહેરો આપે છે. સુરતીઓ એક અંદાજ મુજબ ચંદની પડવોની એક જ સાંજે રૂ. 8થી 10  કરોડથી વધુનાં ઘારી-ભૂસું અને અન્ય વાનગીઓની લિજ્જત માણતાં હોય છે.

બે દિવસ અગાઉથી જ ચંદની પડવોની માટે ઘારી ખરીદવા મિઠાઈ-ફરસાણની દુકાનો પર લાંબી લાઇન જોવા મળે છે. મહત્વની વાત એ છે કે હાલમાં મોંઘવારીએ લોકોની કમ્મર તોડી નાંખી હોવા છતાં સુરતીઓનો ઘારી ખાવાનો ઉત્સાહ ઓછો થયો નથી. ઘારી ખરીદી કરવા આવતાં લોકો પોતાની પસંદગીની ઘારીનો ચાખે છે અને ઘારી લઇ જતાં રહે છે. સુરતીઓ કહે છે કે ચંદની પડવોના દિવસે ઘારીનું મહત્વ છે રૂપિયાનું નહિ.

આ ઘારી આમ તો 125થી વધુ વર્ષોથી બને છે. જોકે તેને બનાવવાની પદ્ધતિમાં કોઈ બદલાવ આવ્યો નથી. હા, તેમાં કેટલીક વેરાયટી જરૂર આવી છે. મીઠી કચોરીમાં અંદર માવો ભરાય છે તે રીતે ઘારીમાં માવો તો હોય જ છે તેની સાથે ભરપૂર ડ્રાયફુટ્સ હોય છે.

ઘારીનું બહારનું પડ કચોરી કરતા ઘણું પાતળું હોય છે. આ ઉપરાંત ઘારી ઉપર પ્રચૂર પ્રમાણમાં ઘી રેડવામાં આવે છે. અને ઘીનું પડ કઠણ થઇ જાય ત્યારબાદ લોકો આરામથી ચાંદની રાત્રીના અજવાળામાં ઘારી આરોગતાં હોય છે.

ઘારીની માંગ દર વર્ષે વધતી જતી હોય છે. લોકો દર વર્ષે આગળના વર્ષ કરતાં વધારે ઘારીનો ઓર્ડર આપે છે. ઘારીને પણ સ્પર્ધાની અસર થાય છે ત્યારે મિઠાઈ વિક્રેતાઓ પણ લોકોની ડિમાન્ડને ધ્યાનમાં લઈને અલગ અલગ પ્રકારની ઘારી બનાવે છે.

આ વર્ષે વિવિધ 11 પ્રકારની ઘારી ઉપલબ્ધ છે. માવા ઘારી, બદામ પીસ્તા ઘારી, સ્પેશિયલ કેસર બદામ પીસ્તા ઘારી, સ્વીસ ચોકલેટ નટ્સ, ઓરેન્જ બુખારી નટ્સ, અંજીર અખરોટ ઘારી, કાજુ મેંગો મેજિક ઘારી, સ્ટ્રોબેરી નટ્સ ઘારી અને સ્પેશિયલ કૃષ્ણ કસ્તુરી ઘારી ઉપરાંત ડાયાબિટીસનાં દર્દીઓ પણ ઘારીની મજા માણી શકે તે માટે સુગર-ફ્રી ઘારી પણ હવે ઉપલબ્ધ છે.

સુરતની ઘારી આમ તો ચંદની પડવોના દિવસે જ ખવાતી હોય છે. જોકે સુરતીઓ ચંદની પડવોના આગળના દિવસે અને પછીના દિવસે પણ ઘારીની મજા માણવાનું ચૂકતાં નથી, કારણ કે ઘારી ખાવાનો ઇન્તેજાર સુરતીઓનો એક વર્ષ સુધીનો હોય છે.

ઘારીનો ઈતિહાસ

ઘારીનો સ્વાદ એક વખત કોઈ એ કર્યો તો તે ક્યારેય તેને ભૂલી શકે નહિ. ઘારી ખાનારને એક સવાલ જરૂરથી થતો હોય છે કે આ ઘારી બનાવવાની શરૂઆત કોણે અને કેવી રીતે કરી હશે? સવાલ મહત્વનો હોવા છતાં તેનો કોઈ ચોક્કસ જવાબ કોઈ પાસે નથી.

જોકે એવું કહેવાય છે કે સુરતમાં ઘારીના ઈતિહાસમાં સંતશ્રી નિર્મળદાસજી અને દેવશંકર ઘારીવાલાનો સૌથી મહત્વનો ફાળો છે. દેવશંકરની મિઠાઈની દુકાન હતી, દેવશંકરની સેવાથી ખુશ થઈ અખાડાના નિર્વાણબાબાએ તેમને ઘારી બનાવવાની પ્રેરણા આપી હતી.

નિર્વાણબાબાને પોતે ચંદ્ર જેવી મિઠાઈનું સપનું આવ્યું હોવાની વાત કરી દેવશંકરને તેવી મિઠાઈ બનાવવા કહ્યું હતું. જે બાદમાં ઘારી તરીકે ઓળખાતી થઈ. પહેલાં ઘારી માત્ર માવાની બનતી હતી. બાદમાં એલચી, બદામ, પિસ્તા અને કેસર જેવા ડ્રાયફ્રુટ્સ અને ફ્લેવર્સનો ઉમેરો થતો ગયો.

બીજી તરફ સુરતની ફેમસ ઘારી આઝાદીના ઈતિહાસ સાથે અનોખો નાતો ધરાવે છે. અંગ્રેજ શાસન સમયે સૌપ્રથમ વખત આઝાદીની માગ સાથે 1857માં વિપ્લવ થયો ત્યારે તાત્યા ટોપે તથા તેમનું સૈન્ય સુરત આવ્યું હતું. સુરતમાં તાત્યા ટોપેએ આશ્રય મેળવ્યો ત્યારે દેવશંકર ઘારીવાલાએ તેઓને ઘારી ખવડાવી હતી. આ સ્વાદ તેમના દાઢે રહી જતાં તાત્યા ટોપેએ તેમના સૈન્યને ઘારી ખવડાવવા વિનંતી કરી હતી.

બીજા દિવસે તાત્યા ટોપેના સૈન્યને સામૂહિક ઘારી ખવડાવવામાં આવી હતી. આઝાદીની ચળવળ સાથે જોડાયેલા લશ્કરે જે દિવસે સામૂહિક ઘારી ખાધી તે દિવસે આસોવદ પડવો હતો. ત્યારથી સુરતમાં આસો વદ પડવો એટલે કે ચંદની પડવોના દિવસથી સામૂહિક ઘારી ખાવાની પરંપરા શરૂ થઈ હતી જે આજે પણ યથાવત્ છે. દાંડીયાત્રાએ નીકળેલા મહાત્મા ગાંધીનું સ્વાગત પણ સુરતીઓએ ઘારી ખવડાવી કર્યું હતું.

ઘારી આમ 150-200 વર્ષ જૂનો ઈતિહાસ ધરાવે છે. જોકે આજ ઈતિહાસ અને સ્વાદને પગલે હવે ઘારી માત્ર સુરત કે ગુજરાત જ નહિ પરંતુ ભારત દેશ અને વિદેશમાં પણ ખવાય છે. ચંદની પડવોના 15 દિવસ પહેલાં વિદેશી ઘારી માટે ખાસ ઓર્ડર સુરતમાં ઘારી બનાવતા મિઠાઈ વિક્રેતાઓને આપવામાં આવે છે. જેને ખાસ પેકિંગ સાથે વિદેશમાં મોકલવામાં આવે છે.

DP
 

Reader's Feedback:

blog comments powered by Disqus

Today Cartoon

GGN Voice
 
Radisson

Opinion Poll

 
અરવિંદ કેજરીવાલ વારાણસીમાં મોદી સામે જીતી શકશે ?
હાં. જીતી જશે 79.91 %
નાં. હારી જશે. 19.44 %
કહીં ન શકાય. 0.65 %