વર્તમાન સમયે રાજકોટમાં મ્યુઝિયમ સપ્તાહની ઉજવણી થઈ રહી છે. ચાલુ મહિને 7મી જાન્યુઆરીથી લઈને 13મી જાન્યુઆરી દરમ્યાન જ્યુબિલી બાગ ખાતે આવેલા વોટ્સન મ્યુઝિયમમાં મ્યુઝિયમ સપ્તાહ અંતર્ગત આયોજીત થયેલા હસ્તકલા કૃતિ પ્રદર્શન, વ્યાખ્યાન માળાના શૈક્ષણિક તેમજ સાંસ્કૃતિ કાર્યક્રમોએ શહેરવાસીઓમાં ભારે આકર્ષણ જમાવ્યું છે.
રાજકોટનું વોટ્સન મ્યુઝિયમ ખાસ મહત્વ ધરાવે છે. આમ તો ગુજરાતમાં કુલ 14 મ્યુઝિયમ છે. તેમાંથી સૌરાષ્ટ્ર પંથકમાં સાત મ્યુઝિયમ આવેલા છે. શહેર પ્રમાણે નજર કરીએ તો બે મ્યુઝિયમ જૂનાગઢ, એક રાજકોટ, એક જામનગર, એક ભૂજ, એક સોમનાથ અને એક મ્યુઝિયમ પોરબંદરમાં છે.
રાજકોટમાં જ્યુબિલી બાગમાં આવેલા વોટ્સન મ્યુઝિયમમાં પાષાણ યુગના ઓજારો તેમજ સિંધુ સંસ્કૃતિના સાડા ચાર હજાર વર્ષ જૂના નમૂનાઓ અહીં સચવાયેલા છે. આ અવશેષો રંગપુર (લીમડી પાસે), રોઝડી (ગોંડલ પાસે) અને સોમનાથમાંથી મળી આવેલા છે.
મળતી માહિતી મુજબ, બ્રિટનના રાણી વિકટોરિયાએ 1887માં તાજપોશીની ગોલ્ડન જ્યુબિલીની ઉજવણી નિમિત્તે રાજકોટમાં વિકટોરિયા મેમોરિયલ્સ બિલ્ડીંગ બનાવ્યું હતું. આ બિલ્ડિંગ એક વર્ષ બાદ ત્રણ ભાગમાં વહેચાયું. એક ભાગ લેન્ગ લાઈબ્રેરી, બીજો ભાગ અરવિંદભાઈ મણિયાર હોલ (અગાઉનો કોર્નેટ હોલ) અને ત્રીજો ભાગ એટલે વોટ્સન મ્યુઝિયમ બન્યો. વર્તમાન સમયે તમે સવાસો વર્ષ જૂના આ મ્યુઝિયમમાં પથ્થર યુગના જૂના ઓજારો જોઈ શકો છો. બહુહેતુક ગણાતા આ મ્યુઝિયમમાં ઈતિહાસ, કલા, સંસ્કૃતિ અને પુરાતત્વના નમૂના સાચવવામાં આવ્યા છે.
જ્યુબિલી બાગમાં આવેલા વોટ્સન મ્યુઝિયમના ઈન્ચાર્જ ક્યુરેટર સંગીતાબેન રામાનુજે માહિતી આપતા જણાવ્યું હતું કે મ્યુઝિયમ પાસે સાચવવામાં આવેલી જૂનામાં જૂની વસ્તુ પાષાણ યુગના ઓજારો છે. આ ઓજારો ગોંડલ પાસે શ્રીનાથગઢ- રોઝડીમાંથી મળી આવેલા છે. રાજકોટના વોટ્સન મ્યુઝિયમ દ્વારા વિવિધ પ્રકારના કાર્યક્રમોનું આયોજન કરવામાં આવે છે.
JJ/RP
Reader's Feedback: