
મુંબઈમાં ઉછરેલા તુલસીબેનના પિયરમાં નાનપણથી જ ટોઈલેટની વ્યવસ્થા હતી. તેથી જ ગુજરાતના કોઈ ગામમાંથી એમના માટે માંગુ આવતું ત્યારે તેમનો એક જ સવાલ રહેતો કે, “ઘરમાં ટોઈલેટ છે કે નહીં?” એના પ્રત્યુત્તરમાં જવાબ હંમેશા “ના” જ મળતો. ઘણા માંગાઓ ને ના પાડ્યા બાદ વડિલોના દબાણને વશ થઈ તુલસીબેન પ્રફુલ્લભાઈ સાથે લગ્નગ્રંથીથી જોડાઈ ગયા. લગ્ન પછીની પરિસ્થતિ વર્ણવતા તુલસીબેન જણાવે છે કે, “શરૂઆતમાં મારે શૌચ જવા ખુલ્લામાં જ જવું પડતું. મારા માટે કોઈ વિકલ્પ જ નહોતો. પણ મને એ ક્યારેય સ્વીકાર્ય નહોતું. હું નાનાપણથી મારા પિયરમાં ટોઈલેટનો ઉપયોગ કરતી આવી છું. બે વર્ષ બાદ હું મારા પિયર મુંબઈ આવી અને જ્યાં સુધી મારા સાસરીયા ઘરે ટોઈલેટ ના બંધાવે ત્યાં સુધી પાછા ના જવાનો હઠ લઈને બેઠી.” તેમની આ જીદને વશ થઈને છેવટે પ્રફુલ્લાભાઈ એ નવું ટોઈલેટ બંધાવ્યું અને તુલસીબેનને મુંબઈથી હરખભેર તેડી લાવ્યા.
અમરેલી જિલ્લાના રાજુલા તાલુકાના બરપાતોડી ગામ તુલસીબેનનું સાસરીયું છે. તેઓ પોતાના પતિ પ્રફુલ્લભાઈ, એક દિકરો અને એક દિકરી સાથે બે રૂમના પાકા મકાનમાં રહે છે. તેમના ઘરે પાકું બાથરૂમ અને ટોઈલેટની સુવિધા ઊભી કરવામાં આવી છે. તુલસીબેન જ્યારે લગ્ન કરીને આવ્યા ત્યારની વાત કરતા જણાવે છે કે, “પુરુષોને શૌચ માટે ખુલ્લામાં જવા માટે કંઈ ખાસ તકલીફ ભોગવવી પડતી નહોતી. પણ મારી જેવી ગામની બહેનોએ તો સવારે પાંચ વાગે ઊઠીને અજવાળું થાય તે પહેલાં શૌચ કરીને પાછા આવી જવું પડતું. કોઈ કારણસર અજવાળું થઈ જાય તો શૌચ જવા માટે સાંજનું અંધારું થવાની રાહ જોવી પડતી નહીં તો પુરુષો કામે જાય પછી કોઈ જોઈ ના જાય તે રીતે શૌચ માટે જવું પડતું. બહેનોની આવી કફોડી પરિસ્થિતિ હતી અમારા ગામમાં.”
તુલસીબેનને જે રીતે જીદ કરીને પોતાના ઘરે શૌચાલય બનાવવામાં સફળ થયા અને પોતાના ગામમાં ૧૦૦ ટકા ઘરોમાં શૌચાલય બાંધીને નિર્મળ ગામ પુરસ્કાર જીતવાનું સ્વપ્ન અને મહેચ્છા ધરવાતા હતા તેને ધ્યાને લઈ દરિયાકાંઠે વસતા ગામોમાં શૌચાલયની સુવિધા ઊભી કરવા માટે પ્રયત્નશીલ કોસ્ટલ સેલીનીટી પ્રિવેન્સલ સેલ (સીએસપીસી)ના કાર્યકરોએ અમને ગામમાં જાગૃતિ ફેલાવવાના કામ માટે આમંત્રિત કર્યા. તુલસીબેન આશા વર્કર તરીકે ગામમાં સેવા આપી રહ્યા હતા ઉપરાંત સ્વ સહાય જૂથના સેક્રેટરી તરીકેની જવાબદારી સંભાળતા હતા. સ્વ સહાય જૂથના કારણે તેમને ગામની બહેનો સાથે સારા સંપર્કો કેળવ્યા હતા.
તેમની આ સક્રિયતાના કારણે તેમણે પ્રથમ પ્રયત્ને તમામ સ્વ સહાય જૂથની સભ્ય બહેનોના ઘરે શૌચાલય બનાવવાની નેમ લીધી. સીએસપીસી અને વીઆરટીઆઈના કાર્યકરો સાથે ઘરે ઘરે ફરીને આંકડા એકત્ર કરવાથી માંડીને શૌચાલય બનાવવા માટે જરૂરી સાધનસામગ્રી ક્યાંથી મેળવી શકાય, કામની પ્રગતિની દેખરેખ તે તમામ તબક્કે તુલસીબેન ખડે પગે રહ્યા. પ્રફુલ્લભાઈ પણ તુલસીબનના સ્વપ્નને સાકાર કરવા હંમેશા સહાયરૂપ થયા. તુલસીબેનની જાગૃતિની વાત તેઓ પુરૂષવર્ગ સુધી પહોંચાડતા આમ, ગામમાં જાગૃતિનો જુવાળ તો એવો આવ્યો કે તમામ ગ્રામવાસી શૌચાલય બનાવવાની તૈયારી બતાવી.
પોતાના પ્રયત્ન વિશે વાત કરતા તુલસીબેન જણાવે છે કે, “મારા પતિએ મારા કામમાં ખૂબ જ મદદ કરી. શૌચાલય કેવી રીતે ઓછા ખર્ચે બનાવી શકાય તે માટે તે હંમેશા માર્ગદર્શન આપતા રહ્યા. મારી એવી ધારણા છે કે મારી જેમ અમારા ગામની દિકરી પણ તેના માટે માંગું આવશે ત્યારે પહેલો પ્રશ્ન એ જ પૂછશે કે તમારે ઘરે ટોઈલેટ છે કે નહીં?”
MB/RP
Reader's Feedback: