પશ્ચિમ ભારતમાં અને ગુજરાત મેરી ટાઈમ બોર્ડમાં મોખરાનું સ્થાન ધરાવતા જામનગરના બંદરો માળખાકીય સવલતોના અભાવ અને પર્યાવરણના પ્રશ્નોને કારણે ઓળખ ઝાંખી થઈ રહી છે. જ્યાં એક વખતે પાંચ બંદરો ધમધમતા હતાં ત્યાં હાલ જિલ્લામાં બે જ બંદરો કાર્યરત છે.પાયાની સુવિધાને અભાવે શિપીંગ ઉધોગને વ્યાપક અસર પહોંચી છે.
રાજ્યમાં સૌથી મોટો દરીયાકાંઠો ધરાવતા જામનગર જિલ્લામાં બેડી, સિકકા, સચાણા, સલાયા અને જોડિયા બંદર આવેલા છે. દાયકા પહેલાં આ બંદરો પર સોયાબીન, ખોળ, બોકસાઇટ, કોલસા સહિતની ચીજવસ્તુઓની નોંધપાત્ર આયાત-નિકાસ થતી હતી. જેના કારણે શીપ અને બાર્જથી બંદરો ધમધમતા હતાં. આથી શિપીંગ ઉદ્યોગ પણ ખૂબ જ ફુલ્યોફાલ્યો હતો.સમયાંતરે પર્યાવરણના પ્રશ્નો, સરકારની નીતિ, અપૂરતી સુવિધાઓ, ઇન્ફ્રાસ્ટ્રકચરનો અભાવ સહિતની સમસ્યાના કારણે જિલ્લાના પાંચ બંદરોમાંથી હાલમાં માત્ર બેડી અને સિકકા પોર્ટ પર પરિવહન થઇ રહયું છે. જેના કારણે શિપીંગ ઉદ્યોગના વિકાસને માઠી અસર થઇ છે.
વર્તમાન સમયે કાર્યરત બે બંદરોમાંથી બેડી અને રોઝી પોર્ટ વચ્ચે ખાડી હોવાથી વહાણોને કિનારે આવવા માટે સીધો બર્થ ન મળતા પાણીનું સ્તર ઉંડુ હોય ત્યારે જ જહાજ કિનારા પર આવી શકે છે. આ સમસ્યાને કારણે ભારે મુશ્કેલી પડી રહી હોવાનું પણ શિપીંગ વ્યવસાયકારોએ ઉમેર્યું હતું.ખાનગી કંપનીઓ અને તેની જેટીઓને કારણે કાર્યરત બે બંદરો પર આયાત-નિકાસ વધી છે. બેડી પોર્ટ પર ચાલુ નાણાંકીય વર્ષમાં નવેમ્બર-2013 સુધીમાં 3919206 ટનની આયાત તો 2248295 ટનની નિકાસ થઇ છે. જયારે સિકકા પોર્ટ પર47492411 ટનની આયાત અને 35433076 ટનની નિકાસ થયો હોવાનો જીએમબીના ચોપડે નોંધાયું છે.જિલ્લામાં હાલમાં માત્ર બેડી અને સિકકા પોર્ટ પર પરિવહન થઇ રહયું છે. જયારે અગાઉ ધમધમતું સચાણા બંદર કે જે શિપ બ્રેકીંગ યાર્ડ તરીકે ઓળખાતું તે છેલ્લાં દોઢેક વર્ષથી બંધ છે. તો સલાયા બંદરે માત્ર વહાણ બનાવી વેંચાણની કામગીરી ચાલી રહી છે. જયારે જોડિયા બંદર તો છેલ્લા દાયકાથી મૃતપાય બન્યું છે.મોંઘવારી વધતાં પરિવહન ખર્ચ પણ વધ્યો છે. જેની સામે બંદરો પર માલના પરિવહન માટેની જરૂરી પાયાની સુવિધા કે ઇન્ફ્રાસ્ટ્રકચર ન હોવાથી શિપીંગ ઉદ્યોગનો વિકાસ ખરા અર્થમાં જોઇએ તેવો થયો ન હોવાનું વ્યવસાકારોએ જણાવ્યું છે.
સુવિધાઓની અછત્ત, નિકાસને અસર
નેવુંના દાયકાના આરંભે જિલ્લાના બંદરો પર સોયાબીન, રાયડા-મગફળીના ખોળના નિકાસનો દબદબો હતો. જેના કારણે ૩૦ થી ૩પ સ્ટીમ્બરો વેઇટીંગમાં ઉભી રહેતી હતી. પરંતુ સુવિધાના અભાવે અને માંગ ઘટતા આ બન્ને વસ્તુની નિકાસ બંધ થઇ છે. તો છેલ્લાં પાંચેક વર્ષથી બંદરો પર ક્રેઇન અને ગોડાઉનની સુવિધા જીએમબી દ્વારા આપવામાં ન આવતા ખજૂરની આયાત બંધ થઇ હોવાનું શિપીંગના વ્યવસાયકારોએ જણાવ્યું છે.
સરકાર દ્રારા જેટી બને તો વિકાસ ફરીથી શક્ય
કંડલા અને પીપવાવ પોર્ટ પર સ્ટીમ્બરોને ડાયરેકટ બર્થ મળતા કિનારા પર જ સ્ટીમ્બરમાં માલ-સામાન લોડીંગ કરી શકાય છે. જયારે બેડી અને રોઝી પોર્ટ વચ્ચે ખાડી હોવાથી પાણીનું સ્તર ઉંડુ હોય ત્યારે જ જહાજો આવી શકે છે. આથી જો સરકાર દ્વારા જેટી બનાવવામાં આવે તો માલનું પરિવહન સરળ બનતા શિપીંગ ઉદ્યોગના વિકાસને વેગ મળે તેમ હોવાનું શિપીંગના જાણકારોએ જણાવ્યું છે. હાલમાં સરકારે જેટીના નિર્માણની નીતિમાં ફેરફાર કરતાં આ પ્રક્રિયા ખૂબ જ ખર્ચાળ હોવાથી ખાનગી પેઢીઓ આગળ ન આવતી હોવાનું પણ જાણવા મળ્યું છે.જીએમબી હસ્તકના જામનગરના બેડી બંદરના પોર્ટ ઓફિસર કેપ્ટન આર.કે. રમને જણાવ્યું હતું કે હાલ જિલ્લાના કોઇ બંદર કે જેટીના વિકાસની યોજનાનથી, કારણ કે જગ્યા નથી. હાલમાં બેડી અને રોઝી વચ્ચે નો ગેપ ભરવો પણ મુશ્કેલ છે. બંદરોના વિકાસ માટે મોટાભાગના કિસ્સામાં વન વિભાગના વાંધાઓ અવરોધરૂપ છે. જોડિયા બંદર હળવા વજનના માલ-સામાન પરિવહનનું પોર્ટ હોવાથી આવકની દ્રષ્ટિએ પરવડે તેમ નથી. આથી ડેમરેજ વધુ હોવાથી બંદરનો વિકાસ થઇ શકયો નથી.
AI/RP
Reader's Feedback: