‘રસહીન ધરા થૈ છે, દયાહીન થયો નૃપ;
નહીં તો ના બને આવું,’ બોલી માતા ફરી રડી. (ગ્રામ્ય માતા)
ધરા કહેતાં ધરતી રસહીન થવાનું કારણ રાજાની દયાહીનતા છે એવું જણાવતી આ જાણીતી કાવ્યપંકિતઓથી જાણીતા ‘ગ્રામ્યમાતા’ એ કલાપીના કાવ્યનું મૂળ નામ તો ‘શેલડી’ હતું. આ જ ઘટના પાંચસો–સાતસો વરસ પહેલાં કવિ મેરૂતુંગના ‘ઇક્ષુરસપ્રબંધ’માં અને અંગ્રેજ કવિ વર્ડ્ઝવર્થના ‘ગૂડી બ્લેક’ કાવ્યમાં આલેખાઇ છે.
આ વૈશ્વિક સંવેદન છે. ‘જયાંનો રાજા વેપારી ત્યાંની પ્રજા ભિખારી’ એવી શાણપભરી કહેવત પણ ગુજરાતી ભાષાએ વરસોથી સાચવી રાખી છે. ચાણકયએ તો એમ લખેલું છે કે “રાજા તો મધમાખ જેવો હોવો જોઇએ, જરૂરી રસ લઇ લે અને પ્રજા રૂપી પુષ્પને ખબરે ન પડે અને એ પ્રક્રિયાને કારણે તેનો વિકાસ થાય”.
"ગામડાનું વધુને વધુ શોષણ કરવાના પેંતરા રચાય છે અને ગામડાં મરવા પડે છે"
ઉપરછલ્લી રીતે ‘શેલડી’ શિર્ષક વધુ વાજબી લાગે. પ્રજા શેલડી જેવી છે. તેના રસકસને રાજા બને એટલો વધારે નિચોવી લેવાની વૃત્તિ ધરાવે છે અને તેમાંનો રસ સુકાઇ જાય છે. પણ કાવ્યમયતાના ઔચિત્યની રીતે “ગ્રામ્ય માતા” શિર્ષક વધુ ઉચિત છે. ગ્રામ્ય એટલે ગામડાની, અહીં ગામડા રૂપી માતા એવો સમાસ ગણીએ તો સમજાશે કે એ ગામડા રૂપી માતા દયાળુ છે. માત્ર રાજાને જ નહીં, સમગ્ર પૃથ્વીને એ પોષે છે, પાળે છે. એ ગામડાનું વધુને વધુ શોષણ કરવાના પેંતરા રચાય છે અને ગામડાં મરવા પડે છે. ‘સોનાની મરઘી’ જેવો ઘાટ રચાય છે. સોનાનું ઇંડું રોજ આપની મરઘીને એક સામટાં સોનાનાં ઇંડાં મેળવી લેવાની મુર્ખામી ભરી ઘેલછાને કારણે એક ઝાટકે હલાલ કરી નાખતાં મરઘી તો હાથથી જાય છે જ પણ સોનાનાં રોજે રોજ મળતાં ઇંડા પણ હાથથી જાય છે.
‘ઉગે છે સુરખી ભરી રવિ મૃદુ હેમન્તનો પૂર્વમાં
ભૂરૂં છે નથી સ્વચ્છ સ્વચ્છ, દિસતી એકે નથી વાદળી’. એવી અત્યંત સૂચક શરૂઆત કરી છે. “સુરખી” એટલે તાજપની લાવી, ગામડાના આકાશમાં સુખનો સૂરજ ઉગ્યો છે કારણકે રાજા અથવા શાસકનું મન ‘સ્વચ્છ સ્વચ્છ’ છે. પ્રજાને આ અભિગમ ઉત્સાહ પ્રેરનારો બને છે. સંતોષ અને આનંદથી પારિવારિક જીવન સાર થઇ રહ્યું છે. તેથી ‘અહો ! કેવું સુખી જોડું કર્તાએ નિરમ્યું દિસે !”
સંતોષની સ્થિતિ આવી હોય ત્યારે કબિરજીની વાતનો અમલ થાય.
‘કહત કબિર કમાલ કુ દો બાતાં સિખ લે,
કર સાહબ કી બંદગી, ભૂખે કો અન્ન દે’. ગામડાની આ જૂની પરંપરા છે. ‘મહેમાનોને માન’ અભ્યાગત-અતિથિને અડધામાંથી ય અડધો રોટલો ખવડાવવાની ખાનદાની’ ને ગ્રામ્ય માતા ‘મીઠો છે રસ ભાઇ ! શેલડી તણો’ એવું દયાથી કહી “શકો છે અને” ત્યાં સેર છૂટી રસની ભરી પાત્ર દેવા.
"જો શોષણના વિચારમાત્રથી જ ‘રસહીન ધરા’ થતી હોય તો તો શોષણના અમલથી તો શું થાય ?"
પણ જયાં આવી ‘સેર છૂટી રસની’ ત્યાં શાસકને વિચાર આવ્યો કે ‘શા માટે બહુ દ્વવ્ય આ ધનિકની પાસેથી લેવું નહીં ! ત્યાં જ, એ શોષણના વિચાર માત્રથી ‘રસહીન ધરા થૈ છે’ જો શોષણના વિચારમાત્રથી જ ‘રસહીન ધરા’ થતી હોય તો તો શોષણના અમલથી તો શું થાય ? માત્ર રસહીન જ નહીં પણ કસહીન ધરતી માતા જ નહીં તેના પ્રજાજનો–જનતા પણ થાય.
આ કાવ્યમાં તો રાજા અથવા શાસકને પોતાની ભૂલ સમજાય છે. ‘દયાહીન થયો નૃપ’ એવું એ જનતારૂપી જનેતાએ કહેતાં જ,
“માતા તણે પગ પડી ઊઠીને કહે છે,
એ હું જ નૃપ, મને કર માફ બાઇ’ એવો પસ્તાવો જાહેર કરે છે.
જે શાસક પોતાની જનતાને જનેતાના સ્વરૂપમાં જુએ છે અને શોષણનો વિચાર સુદ્ધાં કરતો નથી તેના શાસનમાં જ ‘લ્હાવો વહે રસ, અહો ! છલકાવી પ્યાલું ! એવું બની શકે એવો અનુભવસિદ્ધ સંદેશો આ કાવ્યમાં છે તેથી જ આ આટલું હૃદયસ્પર્શી કાવ્ય બની શકયું છે.
(નોંધ – ઉપરોકત વિચારો લેખકના પોતાના છે જીજીએન તેની સાથે સહમત છે એમ માની લેવું નહીં.)
Reader's Feedback: