'શ્રી રામ જય જય જય રામ' આ મહામંત્રને અખંડ રામધૂન તરીકે પ્રસ્થાપિત કરી ૫૦ વર્ષ સુધી જામનગરની તળાવની પાળે ગુંજતો કરનાર પ્રેમભિક્ષુજી મહારાજ દ્વારા સ્થાપિત બાલા હનુમાન મંદિરનું નામ ગિનીસ બુક ઓફ વર્લ્ડ રેકોર્ડમાં પણ નોંધાયેલુ છે.
એક સમયે સંસ્કૃતના અધ્યાપક રહી ચુકેલા પ્રેમભિક્ષુજી મહારાજે 'શ્રી રામ જય રામ'નો જે મંત્ર આપ્યો હતો તે આજે માત્ર જામનગરમાં જ નહી પરંતુ દ્વારકા, રાજકોટ સહિત અનેક વિસ્તારોના ગામોમાં અને શહેરોમાં રામ ધૂન તરીકે સુવિખ્યાત બન્યો છે. આ મહામંત્રના ૫૦મા વર્ષની પુર્ણાહૂતિ દિને જામનગરનો બાલા હનુમાન મંદિરે વિશિષ્ટ ધાર્મિક કાર્યક્રમોનું આયોજન થયું છે જેનો પ્રારંભ તા. ૨૦મી એપ્રિલથી થશે.
જામનગરને સૌરાષ્ટ્રમાં છોટી કાશી ગણવામાં આવે છે અહીંનો પૌરાણિક ઈતિહાસ ઘણા બધા ધર્મ સ્થાનકોની ઝાંખી કરાવતો રહ્યો છે. પરંતુ જેમનું નામ સમગ્ર વિશ્વમાં જગવિખ્યાત થઈ ગયું છે તેવા જામનગર સુપ્રસિધ્ધ બાલાહનુમાન મંદિરમાં ચાલી રહેલી રામધૂન આ બધામાં અજોડ છે. જેના સુવર્ણ જયંતિ મહોત્સવનું ભવ્ય આયોજન કરવામાં આવ્યું છે.
જામનગરની તળાવની પાળ પર આવેલ સુપ્રસિધ્ધ બાલાહનુમાન મંદિરમાં છેલ્લા ૫૦ વર્ષથી રાત દિવસ અખંડ રામ ધૂન ચાલે છે અને આ મંદિર રામધૂનને હિસાબે ખૂબ જ લોકપ્રિય છે અને આ મંદિરના રેકોર્ડને ધ્યાને લઈ રામધૂનને ગીનીસ બુક ઓફ વર્લ્ડ રેકોર્ડમાં પણ સ્થાન મેળવ્યું છે. આ મંદિરમાં આગામી ૫૦ દિવસ ધાર્મિક અને સાંસ્કૃતિક કાર્યક્રમો યોજવામાં આવશે. જેમાં દેશ-દેશાવરના રામભક્તો જોડાશે.
સમસ્ત ગુજરાતના શહેરો અને ગામડાઓ જ્યા નિયમિત સંકીર્તન ચાલે છે. ત્યાંથી ભક્તો જામનગર આવી રામધૂન કરશે. દરેક ગામનો આ રીતે એક વખત વારો આવશે. સંકીર્તન શબ્દ ચાર અક્ષરનો જ છે. પણ તેનો વ્યાપ કેટલો મોટો છે. તે આ પ્રસંગને માણવાથી જાણી શકાશે. આ પર્વ નિમિતે મંદિરનું નવસંસ્કરણ પણ થઈ રહ્યું છે. ૫૦ દિવસની રામધૂન પુરી થયા બાદ પૂજ્ય પ્રેમભિક્ષુજીની તિથી જામનગરમાં ઉજવશે અને ૫૦ વર્ષની પૂર્ણાહુતિ પ્રસંગે પણ ભવ્ય કાર્યક્રમ યોજાશે.
AI/RP
Reader's Feedback: