પ્રતિકાત્મક તસ્વીર
જામનગર :પશ્ચિમ ભારતના મહત્વના ર્તીથ ક્ષેત્ર દ્વારકામાં આવેલા જગતમંદિરમાં આંતરીક સુરક્ષા અને યાત્રીકોની સલામતી માટે તેમજ માર્ગ અકસ્માત જેવી દુર્ઘટનાને ટાળવા તથા જરૂર પડયે ત્વરીત પગલાં લેવા માટે આ મંદિરમાં પ્રથમ વખત સેફટી ઓડીટ થયું છે અને તે અહેવાલ મુજબની સુવિધાઓ હાથ ધરવામાં આવશે. દેવભૂમિ દ્વારકા જિલ્લા કલેકટર ડી.પી.જોશીએ આ દિશામાં કામ કરવા સુચના આપી હતી અને તે અંતર્ગત દ્વારકાના ડેપ્યુટી કલેકટર પંકજ વ્યાસના માર્ગદર્શન હેઠળ જામનગરના ચીફ ફાયર ઓફીસર કે.કે. બિશ્નોઇ તથા ડીસ્ટ્રીકટ ડીઝાસ્ટર મેનેજમેન્ટ ઓફીસર યશવંતસિંહ પરમારની ટીમએ જગતમંદિરની અંદર સેફટી ઓડીટ કર્યું હતું.
જો કે, જગતમંદિરમાં કયારેય અંદર કોઇ આગ, અકસ્માત કે ડીઝાસ્ટર કહેવાય તેવી દુર્ઘટના બની જ નથી. તેમ છતાં સલામતી અંગે તકેદારીના ભાગ રૂપે આ કાર્યવાહી હાથ ધરાઇ છે. દરમિયાન પ્રસાદઘરમાં એક વખત ગેસ સીલીન્ડરના કારણે નજીવી આગની સામાન્ય દુર્ઘટના બની હતી. જેમાં ખાસ કંઇ નુકશાન થયું ન હતું. તેમજ મંદિરનું પરિસર વિશાળ છે તથા નિજમંદિરના ઘુમટ પણ ઉંચાઇ વાળા છે તેથી એર સકર્યુલેશન પણ યોગ્ય છે. તેવામાં ખાસ તો પ્રસાદ ઘર જર્જરીત છે તેના નવીનીકરણની જરૂર છે, જે યોજના શરૂ થઇ રહી છે અને નવું સુવિધાસભર પ્રસાદઘર બનશે.
તે ઉપરાંત ઇલેકટ્રીક ફીટીંગ્સ, કોઇ જર્જરીત ભાગ, પ્રવેશદ્વાર અને બહાર નીકળવાના માર્ગ, તેમજ કયારેય કોઇ બાબતે તણખાથી આગ લાગે કે કોઇ સ્ફોટક જેવી ચીજવસ્તુ મંદિર બહાર કે અંદર પડે તો નાની-મોટી કંઇપણ આગ-અકસ્માત જેવી કોઇપણ દુર્ઘટના ટાળાવ અને તુરંત પગલાં લેવા તથા તેની ચેતવણી મળી રહે તે હેતુથી આ ઓડીટ કરાવી તેના રિપોર્ટ મુજબ સુવિધાઓ હાથ ધરાશે. જેથી મંદિર પરિસરમાં પણ જરૂર પડયે યાત્રિકોને સુરક્ષા માટે આપત્તિ નિયમન કાર્યરત થઇ શકે, આ વ્યવસ્થાઓ ટુંક સમયમાં થશે.
AI/RP
Reader's Feedback: