એક તરફ ગુજરાતભરમાં ચોરી, લૂંટના બનાવોમાં નોંધપાત્ર વધારો થયો છે ત્યારે ચરોતર પંથકમાં એવા પણ જાબાંજ પોલીસ કર્મચારીની કામગીરી છત્તી થઈ રહી છે જેનાથી આમ જનતા પોતે સુરક્ષિત છે તેનો અહેસાસ થાય.
ગઈકાલે આણંદની આગંડીયા પેઢીનો કર્મચારી લૂંટાયો હતો. જેમાં કર્મચારીના હાથમાંથી થેલો આંચકીને લૂંટારૂઓ ભાગી છૂટ્યાં હતાં. આ થેલામાં 11 હજાર રૂપિયા રોકડા અને અન્ય ચીજ-વસ્તુઓ હતી. તે વખતે ફરજ પર હાજર પો.કો. જયદીપસિંહે લૂંટારૂઓનો પીછો કરીને આ લૂંટને નિષ્ફળ બનાવી હતી.
નોંધનીય છેકે ગુજરાતભરમાં આંગડીયા પેઢીના કર્મચારીઓ લૂંટાયા હોય તેવા અનેક બનાવો બની ચૂક્યાં છે. પરંતુ લૂંટ થતી રોકવામાં કોઈ પોલીસ કર્મચારીએ જીવના જોખમે પોતાની ફરજ અદા કરી હોય તેવા ઉદાહરણ મળવા મુશ્કેલ છે અને તેથી જ પ્રોટેક્શન વાનમાં ડ્રાઈવર તરીકેની ફરજ બજાવનાર જયદીપસિંહની કામગીરીને પોલીસ તંત્રએ બિરદાવી છે. આંગડીયા પેઢીઓના માલિકો તથા સમગ્ર જિલ્લા પોલીસતંત્રને જાબાંજ પો.કો જયદીપસિંહની કામગીરીને બીરદાવીને રોકડ પુરસ્કાર આપવાની જાહેરાત કરી છે.
આણંદ જિલ્લાના પોલીસવડા રાજેન્દ્ર અસારીએ પો.કો જયદીપસિંહને બીરદાવાલાયક કામગીરી બદલ રૂ.10 હજારનું રોકડ ઈનામ આપ્યું છે. તો આંગડીયા પેઢીના એસોસિયેશને જાબાંજ પો.કો જયદીપસિંહને 25 હજાર રૂપિયાનું ઈનામ આપવાની જાહેરાત કરી છે.
વહેલી સવારે ગત રોજ બનેલી આ લૂંટમાં ત્રણ લોકોની સંડોવણી હતી. લૂંટના ઘટનાક્રમ પર નજર કરીએ તો, આગંડીયા પેઢીની વાન સાથે પોલીસની પ્રોટેક્શન વાન આગંડીયા પેઢીની સામે સવારે ઉભી થઈ હતી. જ્યારે લૂંટાયેલો કર્મચારી આંગડીયા પેઢીની ઓફિસે થેલા પહોંચાડવા માટે દાદરે હતો તે દરમ્યાન જ લૂંટારૂઓએ આંખમાં સ્પ્રે છાંટીને થેલો લઈને ફરાર થઈ જતાં કર્મચારીએ બૂમાબૂમ શરૂ કરી દીધી હતી જેથી પોલીસ પ્રોટેક્શન વાનના કર્મચારીએ સતર્કતા દાખવતાં લૂંટારૂનો પીછો કર્યો હતો તે સાથે આંગડીયા પેઢીના કર્મચારી પણ દોડ્યાં હતાં. પોલીસ કોન્સ્ટેબલ અને લૂંટારૂ વચ્ચે ઝપાઝપી થયા બાદ લૂંટારૂ સંકજામાં આવી ગયો હતો પરંતુ અન્ય બે લૂંટારૂઓ ફરાર થઈ જવા પામ્યા હતાં.
RP
Reader's Feedback: