લોકસભાની ચુંટણી જેમ જેમ નજીક આવી રહી છે તેમ તેમ જીલ્લાના પ્રાથમિક સુવિધાઓથી વંચિત રહી ગયેલ ગામડાઓના ગ્રામજનો એક પછી એક મતદાનનો બહિષ્કાર કરી રહ્યા છે. અગાઉ ઠેબચડા અને ગોલીડા ગામના ગ્રામજનોએ મતદાનનો બહિષ્કાર કર્યા બાદ આજે જામનગર હાઈવે ઉપર આવેલ તરઘડી ગામના લોકોએ છેલ્લા 50 વર્ષથી એકપણ પ્રકારની પ્રાથમિક સુવિધાઓ નહિ મળી હોવાના તેમજ સરકાર આ ગામ તરફ ધ્યાન જ નહિ દેતી હોવાના આક્ષેપ સાથે મતદાનનો બહિષ્કાર કર્યો હતો. આ અંગે કલેકટરને આવેદનપત્ર પાઠવી રજૂઆત પણ કરી હતી.
રાજકોટ જામનગર હાઈવે ઉપર પડધરી નજીક આવેલ તરઘડી ગામમાં છેલ્લા 50 વર્ષોથી કોઈપણ પ્રકારની પ્રાથમિક સુવિધાઓ સરકાર તરફથી કે રાજકારણીઓ તરફથી ઉપલબ્ધ કરાવવામાં આવી નથી. લાઈટ, પાણી, ગટર, પાકા રસ્તાઓ સહિતની એકપણ પ્રાથમિક સુવિધાઓ આજ સુધી ગ્રામજનોને મળી નથી. તરઘડી ગામની નજીકમાં જ ન્યારી ડેમ આવ્યો હોવા છતાં દર ઉનાળાની ઋતુમાં પીવાના પાણી માટે મહિલાઓને 10 કિલોમીટર સુધી ધક્કા ખાવા પડી રહ્યા છે. દરેક વેરો ભરવા છતાં આજ સુધી એકપણ પ્રકારની સુવિધાઓ ગ્રામજનોને મળી નથી. પ્રાથમિક સુવિધાઓ મેળવવા માટે પણ અનેક રજુઆતો કરી હોવા છતાં કોઈ ઉકેલ આવ્યો નથી. ત્યારે કંટાળીને નીમ્ભર સરકાર અને ઠાલા વચનો આપતા રાજકારણીઓ સામે ગ્રામજનોએ આજે રેલી કાઢી કલેકટરને આવેદનપત્ર પાઠવી મતદાનનો બહિષ્કાર કરવાનો નિર્ણય લીધો હતો. ગામના મતદારો આ ચૂટણીમાં મતદાન નહિ કરે તેવો દ્રઢ સંકલ્પ કર્યો હતો અને સુત્રોચ્ચારો કરી વિરોધ દર્શાવ્યો હતો.
DP
Reader's Feedback: