જામનગર નજીક ખીજડિયા બાયપાસ રોડ પર ગઈકાલે મોડી સાંજે એલપીજી ગેસ ભરેલુ ટેન્કર પલ્ટી જતાં ધોરીમાર્ગ પર અફડાતફડી સાથે બન્ને તરફનો ટ્રાફિક જામ થઇ ગયો હતો. ફાયર અને પોલીસે મોડી રાત સુધી ગેસ લીકેજ અટકાવવા તથા ટ્રાફિક નિયમન કાર્યવાહી ચાલુ રાખી હતી.
જામનગર નજીક ધોરીમાર્ગ પર અફડાતફડી અને દોડધામ મચાવનાર બનાવની પ્રાપ્ત વિગત મુજબ, ખીજડિયા બાયપાસ પાસે ગુરૂવારે સાંજે સાતેક વાગ્યાના સુમારે એલપીજી ગેસ ભરેલ જીજે-૧૨-એટી-પપ૧૮ નંબરનો અગ્રવાલ રોડવેઝ ટ્રાન્સપોર્ટ પેઢીનું તોતીંગ ટેન્કર એકાએક પલ્ટી ખાઇ જતાં અકસ્માત સર્જાયો હતો.
એસ્સાર કંપનીમાંથી એલપીજી ભરી રાજકોટ તરફ જવા નીકળેલ ટેન્કર પલ્ટી ખાઇ રોડ વચ્ચોવચ્ચ થંભી ગયુ હતું અને એલપીજી ગેસ લીકેજ થવા લાગતા ધોરીમાર્ગ પર બન્ને તરફનો ટ્રાફિક જામ થઇ ગયો હતો. આ બનાવમાં ટેન્કર ચાલકને સામાન્ય ઇજા પહોંચી હતી.
ટેન્કરમાંથી એલપીજી લીકેજની જાણ થતાં જામનગર મહાનગરપાલિકાના ફાયરના સ્ટાફે તથા સીપીઆઇ કે.જી. ઝાલા સહિતના સ્ટાફે ઘટનાસ્થળે દોડી ગયા હતાં. ફાયરે ત્વરીત કાર્યવાહી હાથ ધરી ગેસ લીકેજ અટકાવવા મથામણ શરૂ કરી હતી. જયારે પોલીસે બન્ને તરફનો ટ્રાફિક પૂર્વવત કરવા કવાયત શરૂ કરી હતી.
પલ્ટી ગયેલા ટેન્કરમાંથી ગેસ લીકેજ બંધ કરવાની કાર્યવાહી લાંબા સમય સુધી કરવામાં આવી હતી, દરમિયાન ઘટનાસ્થળેથી પસાર થતાં બન્ને તરફના વાહનોની લાઇટો બંધ કરીને પોલીસે ટ્રાફિક હળવો કરવા કાર્યવાહી અવિરત રાખી હતી.
આ બનાવના પગલે આજુબાજુના રહેણાંક વિસ્તારો તથા ગ્રામ્ય પંથકમાં ભયનું મોજુ પ્રસરી ગયું હતું. જો કે, નહીંવત લીકેજના કારણે મોટી દુર્ઘટના બનતા સહેજમાં અટકી જતાં તંત્રએ હાશકારો અનુભવ્યો હતો. હાઇવે ઉપર અવાર-નવાર સર્જાતાથી રાસાયણિક દુર્ધટનાઓથી માત્ર ટ્રાફિક જામ સર્જાય કે યાતાયાતમાં વિલંબ થાય એટલા પુરતુ જ નહીં પરંતુ જ્વલનશીલ પદાર્થોથી આગ લાગે તેની પણ ભીતી રહે છે.
RP
Reader's Feedback: