ટુવ્હીલર અને ફોરવ્હીલરની ઉઠાંતરી કરીને જવેલર્સના શોરૃમોમાં તેમજ સોસાયટીઓના બંધ મકાનોમાં ત્રાટકીને લાખો રૃપિયાની મતા ઉઠાવી જતી ઉદલસિંઘ સિકલીગરની ટોળકીનો મહત્વના સાગરિત ગુરમુખસિંઘને ક્રાઇમ બ્રાન્ચે ઝડપી પાડયો છે. ગુજરાતના જુદા જુદા શહેરો અને આસપાસના રાજ્યોના શહેરોમાં થયેલી ૧૫ જેટલી ચોરીના બનાવોમાં તેની સંડોવણી હોવાનું ખુલ્યુ છે. ક્રાઇમબ્રાન્ચની પુછપરછ દરમિયાન ગુરમુખસિંઘની ૧૫ જેટલી ચોરીઓમાં સંડોવણી ખુલી હતી. તેણે જુદી જુદી જગ્યાએ મોટરકારો ઉઠાવીને ચોરી કર્યા બાદ છોડી દીધી હોવાનું કબુલતા પોલીસે વિગતો એકઠી કરવા માંડી છે.
ગુજરાતના જુદા જુદા શહેરો અને આસપાસના રાજ્યોમાં ફોર વ્હીલર અને ટુવ્હીલર ઉઠાવીને લાખોની મતા ચોરી જતી ટોળકીના સુત્રધાર ઉદલસિંઘ રાજુસિંઘ સિકલીગર ઝડપાઇ ગયા બાદ તેના સાગરિતોને રાજ્યની પોલીસ શોધી રહી છે.
વડોદરા ક્રાઇમ બ્રાન્ચના ડીસીપી જયપાલસિંહ રાઠોડની સુચના મુજબ પોલીસ અધિકારીઓ અને સ્ટાફના માણસો શકમંદોની ચકાસણી કરી રહ્યા હતા ત્યારે હે.કો. અરવિંદ થોરાત અને જ્ઞાનેશ્વરને મળેલી માહિતીને પગલે ડભોઇ રોડ પાસેથી ઉદલસિંઘની ટોળકીનો મહત્વનો સાગરિત ગુરમુખસિંઘ નેપાલસિંઘ સિકલીગર ઝડપાઇ ગયો હતો. અગાઉ વડોદરાના જુદા જુદા વિસ્તાર ઉપરાંત સુરત, અમદાવાદ, હિંમતનગર, ગાંધીનગર જેવા સ્થળે લાખોની ચોરી કરનાર ટોળકીમાં ગુરમુખસિંઘની પણ સંડોવણી હોવાનું ખુલ્યુ હતું. સુત્રધાર અને અન્ય સાગરિતો પકડાઇ જતા પોલીસથી બચવા માટે ગુરમુખસિંઘ મધ્યપ્રદેશના ઇન્દોર, ભોપાલ અને આંધ્રપ્રદેશમાં છુપાયો હતો.
MP/RP
Reader's Feedback: