જામનગરના નગરપાલનની જવાબદારી જેની પાસે છે તે મહાનગર પાલિકાના સત્તાધીશોની બેદરકારીના લીધે જ શહેરીજનોના જીવ પર જોખમ ઊભું થયું છે. જામનગર શહેરના પ્રવેશદ્વાર સમા સુભાષ બ્રીજ પરની લાઈટોના થાંભલા અત્યંત જર્જરીત અવસ્થામાં હોય ગમે ત્યારે જમીનદોસ્ત થઈ જવાની ભીતિ જણાઈ રહી છે. ભૂતકાળમાં એક થાંભલો તૂટી પડવાના લીધે એક વ્યક્તિનું મૃત્યુ નિપજ્યાની ઘટનાથી વાકેફ હોવા છતાં શહેરીજનોની સલામતીના અતિ મહત્ત્વના પ્રશ્ને કોર્પોરેશનના સત્તાવાળાઓની અનદેખી ચર્ચાનો વિષય બની છે.
અત્રે ઉલ્લેખનીય છે કે, જામનગર શહેરના પ્રવેશદ્વાર સમા સુભાષ બ્રીજને ૪૦ જેટલી લાઈટ્સના શણગારથી ઝાકમઝોળ કરવામાં આવ્યો છે. પરંતુ હાલ આ લાઈટ્સ પૈકી મોટાભાગની બંધ હાલતમાં છે. વળી સ્ટ્રીટલાઈટ્સના વાયર્સ પણ જોખમી રીતે લટકી રહ્યા છે અને થાંભલાઓ તો સાવ કાટ ખાઈ ગયા છે, જે ગમે ત્યારે જમીનદોસ્ત શકે તેવી સ્થિતિમાં છે. ભૂતકાળમાં થાંભલો પડવાની ઘટનામાં એક વ્યક્તિનું મૃત્યુ નિપજ્યું હતું, જ્યારે એક રીક્ષાનો બુકડો બોલી ગયો હતો. ત્યારે આવી ઘટના ફરી ન બને તે હેતુથી મહાપાલિકાના સત્તાધીશો આ જર્જરીત થાંભલાઓના સ્થાને નવા થાંભલાઓ નાંખે તે જરુરી છે.
વળી આ કામગીરી જેના હસ્તક આવે છે તે મહાપાલિકાની રોશની શાખામાં જ અંધેર વહીવટ ચાલી રહ્યો હોવાની વાતો બહાર આવી છે. આધારભુત સૂત્રોના જણાવ્યા મુજબ સુભાષ બ્રીજ પરના થાંભલા અને લાઈટ્સ અનેકવાર બદલવામાં આવ્યા અને રીપેર કરવામાં આવ્યા છે, છતાં પરિસ્થિતિ તો 'જૈસે થે' જ છે.
રેલવે ઓવર બ્રીજ પરના અંધારા ઉલેચાશે કે કેમ?
સુભાષ બ્રીજની જેમ જ ગુલાબનગર નજીકનો રેલવે ઓવરબ્રીજ પણ અજવાળાને ઝંખી રહ્યો છે. આ ઓવરબ્રીજ પર કોઈ પ્રકારની લાઈટ્સ નાખવામાં આવી નથી, જેથી ડબલ પટ્ટીના રોડ પર વાહનચાલકોને વાહન ચલાવવામાં રાત્રે ભારે મુશ્કેલીનો સામનો કરવો પડે છે. વળી બ્રીજ પૂરો થતાં જ આવતી સોસાયટીઓ તરફ જતાં વળાંક અંધારાને લીધે ભયજનક બન્યા છે. આમ છતાં બ્રીજ પરના અંધારા ઉલેચવાના બદલે મહાપાલિકા તંત્ર કોઈ ગંભીર અકસ્માત સર્જાય તેની રાહ જોઈ રહ્યું હોય તેમ લાગે છે.
AI/RP
Reader's Feedback: