જામનગર સહિત સૌરાષ્ટ્રભરમાં ભારે ખળભળાટ મચાવનારા લાલવાડી વિસ્તારમાં થયેલા યુવતીના સામૂહિક બળાત્કાર કેસમાં પકડાયેલા ત્રણ શખ્સોને જામનગરની અદાલતે આજીવન કેદની સજા ફટકારી છે.
આ ચકચારી કેસની વિગત મુજબ ગત તા. ૪/૩/૧રના રોજ જામનગરની એક યુવતી પોતાના બે મિત્રો સાથે મોટર સાઈકલ પર લાલવાડી વિસ્તારમાં ફરવા ગઈ હતી. આ અવસરે દારુ પીધેલા ત્રણ ઈસમો છરીની અણીએ મોબાઈલ તથા પૈસાની લૂંટ ચલાવી યુવતીનું અપહરણ કરી ગયા હતા. ત્રણેય નરાધમોએ યુવતીને અવાવરૃ જગ્યાએ લઈ જઈ તેના પર પાશવી બળાત્કાર તથા સૃષ્ટી વિરૃધ્ધનું કૃત્ય આચર્યુ હતું અને નાસી છુટયા હતા. આ ઘટનાના પગલે જામનગરના લોકોમાં ભારે રોષ ફાટી નિકળ્યો હતો. બનાવની ગંભીરતાને ધ્યાને લઈ પોલીસ વડાએ તાત્કાલીક અલગ-અલગ ટીમો બનાવી આરોપીઓને પકડવા ઝુંબેશ હાથ ધરી હતી અને બળાત્કારીઓ દ્વારા લૂંટવામાં આવેલા મોબાઈલના આધારે પોલીસે રામચરણ ઉર્ફે મંગલરામ અવતાર અર્જુન બાવરી કોળી (ઉ.વ.૧૯) (રે.પ્રદર્શન ગ્રાઉન્ડ ઝુપડપટ્ટી), પારસ ઉર્ફે ધોરીયો મોહન ઉર્ફે રામરોટી ડાભી બાવરી (ઉ.વ.૧૯) (રે.જુના રેલ્વે સ્ટેશન ઝુપડપટ્ટી) અને દિપક ઉર્ફે કાલો ઘનશ્યામ ઉર્ફે ખનાયો ડાભી (ઉ.વ.ર૪) (રે.સાત રસ્તા ઝુપડપટ્ટી)ને ઝડપી લીધા હતા.
આ કેસની સુનાવણી જામનગરની કોર્ટમાં પૂર્ણ થતાં જજ શ્રીમતી પટેલે ત્રણેય આરોપીને તકસીરવાન ઠેરવી લુંટ માટે પ વર્ષ અને ૩ હજારનો દંડ, સામુહિક બળાત્કાર માટે આજીવન કેદ તથા ૩ હજારનો દંડ, સૃષ્ટી વિરૃધ્ધનો કૃત્ય માટે પ વર્ષ અને ૩ હજારનો દંડ, અપહરણ માટે આજીવન કેદ અને ૩ હજાર દંડ તથા જાહેરનામા ભંગ બદલ ૬ માસની સાદી કેદની સજા ફટકારી હતી. કોર્ટે દંડની રકમમાંથી પીડિતાને ૩૦ ટકા વળતર ચુકવવા પણ આદેશ કર્યા હતો. બચાવ પક્ષે આરોપીની નાની ઉંમરને ધ્યાનમાં રાખવા વિનંતી કરી હતી. પરંતુ સરકારી વકિલ બિમલ ચોટાઈએ તેનો વિરોધ કરી મહતમ સજાની માંગણી કરી હતી, જે અદાલતે ગ્રાહ્ય રાખી હતી.
આરોપીઓ દ્વારા આવા અનેક કાંડો કરવામાં આવ્યાં હતા
પકડાયેલા આરોપીઓએ જે તે સમયે પોલીસ પુછપરછમાં જણાવ્યું હતુ કે તેમણે આવી લુંટ અને સામુહિક બળાત્કારના અનેક કારનામા કર્યા હતા. પરંતુ કોઈએ ફરિયાદ ન કરી જેથી હિંમત વધી તેઓ આવા વિસ્તારમાં ફરતા રહેતા અને એકલા દંપતી કે યુવક-યુવતીને જોતાની સાથે ખેલ પાડી દેતા પોલીસની અપીલ છતાં કોઈ ફરિયાદ કરવા આગળ આવ્યું ન હતું.
AI/RP
Reader's Feedback: