જામનગરમાં અખિલ ભારતીય કીન્નર સંમેલનનો બુધવારથી પ્રારંભ થયો છે. ૨૦ દિવસ ચાલનારા સંમેલનમાં ભારતભરમાંથી પ૦૦૦ કીન્નરો ભાગ લેશે. આ પ્રસંગે માતાજીનું પૂજન-અર્ચન સહિત વિવિધ કાર્યક્રમોનું આયોજન કરવામાં આવ્યું છે. દરરોજ માતાજીના ગરબાનું ગાન કરવામાં આવશે. અખિલ ભારતીય કીન્નર સંમેલનનો જામનગરમાં ખંભાળિયા નાકા બહાર આવેલી શ્રીમાળી સોની સમાજની વાડીમાં બુધવારથી પ્રારંભ થયો છે. ૨૦ દિવસ ચાલનારા સંમેલનના પ્રથમ દિવસે માતાજીનો નવચંડી યજ્ઞ યોજાયો હતો.
યજ્ઞ ઉપરાંત માંડવા મુહૂર્ત, મોસાળાની વિધિ, માતાજીનું અનુષ્ઠાન સહિતના ધાર્મિક કાર્યક્રમોની સાથે કીન્નર સમાજની નીતિ વિષયક બાબતોની ચર્ચા કરવામાં આવશે. સંમેલનમાં રાજકોટ, વડોદરા, જંબુસર, અંકલેશ્વર, સુરત સહિત ભારતભરના અસલ મઠધારી પ૦૦૦ કીન્નરો ભાગ લેશે. દેશભરમાંથી આવનારા કીન્નરો માટે ઉતારા અને ભોજન સહિતની વ્યવસ્થા સંમેલનના સ્થળે કરવામાં આવી છે. સંમેલનમાં રવિવારે મોસાળાનો પ્રસંગ ઉજવાશે. જેમાં બહોળી સંખ્યામાં કીન્નરો ઉપસ્થિત રહેશે.
સંમેલનમાં દરરોજ કીન્નરો બહુચરાજી માતાજીના ગરબા, ભજન, કર્તિન કરશે. અત્રે નોંધનીય છે કે, સંમેલનને સફળ બનાવવા છેલ્લા એક મહિનાથી જામનગર મઠના પૂનમદે ફૈબા અને જનકદે ફૈબાના માર્ગદર્શન હેઠળ તૈયારીઓ કરવામાં આવી હતી. કાર્યક્રમમાં રાજકોટના ગીતા નાયરદે ફૈબા, ખંભાળિયાના વસંતીદે ફૈબા, કાઠી જેતપુરના નીશાદે ફૈબા, વડોદરાના પ્રેમીલા માસી ઉપરાંત હીનાદે ફૈબા સહિતના પ્રમુખ કીન્નરોની હાજરીમાં આગામી સંમેલન કયાં કરવું તેની ચર્ચા-વિચારણા કરવામાં આવશે.
વિશ્વ શાંતિ માટે પ્રાર્થના કરાશે
અખિલ ભારતીય કીન્નર સંમેલનમાં જામનગર, ગુજરાતની સાથે સમગ્ર વિશ્વમાં શાંતિ અને વિકાસ તથા નિ:સંતાન દંપતિઓને સંતાન પ્રાપ્તી થાય તે માટે યજ્ઞમાં આહુતિ આપી પ્રાર્થના કરશે તેમ કીન્નરોએ જણાવ્યું હતું. આ ઉપરાંત કિન્નર સમાજના સંગઠન અંગે પણ ચર્ચા કરાશે.
AI/RP
Reader's Feedback: