રિમઝિમ રિમઝિમ વરસતો વરસાદ માણવાની ખૂબ મજા આવે, પરંતુ આ સિઝનમાં ઘર સાચવવાની સમસ્યા સૌથી મોટી હોય છે. ઘરમાં સ્વચ્છતા કેવી રીતે જાળવવી? વરસાદમાં ફર્નિચરથી માંડીને ઇલેક્ટ્રોનિક ગેઝેટની સંભાળ રાખવી જરૂરી છે.
ગેઝેટ્સની સાચવણી
આ સિઝનમાં કેમેરા, લેન્સ, કમ્પ્યૂટર મોનિટર, એલસીડી વગેરેને યોગ્ય રીતે સાફ રાખવા નહિતર તેમાં ફંગ્સ થઈ જતાં વાર નહીં લાગે. કેમેરાની બેગમાં વધારે ભેજ ન આવે તે માટે તેને સિલિકોન બેગમાં રાખો. કમ્પ્યૂટર, લેપટોપની સ્ક્રીનને સાફ કરવા વેટ ટિશ્યૂને બદલે વેક્યુમ ક્લીનરનો ઉપયોગ કરો.
ફર્નિચરની સંભાળ
લાકડાં તથા વાંસનાફર્નિચરને આ મોસમમાં સંભાળની જરૂરિયાત હોય છે. આ પ્રકારના ફર્નિચરને મેલેમાઇન પોલિશ કરાવવી વધારે સારી છે. વરસાદના દિવસોમાં આ પોલિશ વોટર રેઝિસ્ટન્ટ તરીકે કામ કરે છે અને જીવાતથી બચાવે છે. બ્રાસ તથા રોડ આયરનના ફર્નિચરને રેડ ઓક્સાઇડ લગાવીને સુરક્ષા કરવી.
પડદા અને કુશન
હવામાં ભેજનું પ્રમાણ હોવાથી પડદા અને બેડશીટ પણ એકદમ નરમ પડી જાય છે. આ પરિસ્થિતિમાં જ્યારે તડકો નીકળે ત્યારે કુશન અને પડદા તપાવી લેવા યોગ્ય રહેશે.
કિચનમાં સ્પ્રેનો ઉપયોગ
ચોમાસામાં રસોડામાં ભેજની સાથે સાથે કીડી, મંકોડા સહિત અન્ય નાની નાની જીવાતો થતી હોય છે. આમ ન થાય તે માટે પોતું કરો ત્યારે પાણીમાં થોડાં ટીપાં સરકો નાખી દેવો.
ભીનાં કપડાંને હંમેશાં ઘરની બહાર સૂકવવા માટે રાખવા. ઘર નાનું હોય અને તેમાં સતત જો કપડાં સૂકવવાથી વાસ આવતી હોય તો તે રૂમમાં અગરબત્તી કરી લેવી એટલે ભેજની વાસ ન આવે.
Reader's Feedback: