કલ્પના કરો કે, સાડી અને ઘરેણાંથી સાજશણગાર સજેલી સ્ત્રી, કમરે ચાવીઓનો ઝૂડો લટકાવીને ફરતી હોય... જેમાં ઘરની મુખ્ય તિજોરી, ઘરનાં કબાટ, ફર્નિચરની ચાવીઓનો જમાવડો થયેલો હોય...એ સ્ત્રીની કલ્પના પણ જાજરમાન લાગશે. તમે ક્યારેય નહીં વિચારો કે તેની કમરે લટાકાવેલી ચાવીઓના ઝૂડામાં ચાવીઓ કાટવાળી કે મેલી હશે! આપણે હંમેશાં ચમકતી ચાવીઓની જ કલ્પના કરીએ છીએ. પરંતુ વાસ્તવિકતામાં જ્યારે તમે ઘરની ચાવીઓ જુઓ ત્યારે એવી ચોખ્ખી હોય છે ખરી? ના.
જોકે એમાં કોઈનો વાંક નથી. ચાવી વસ્તુ જ એવી છે કે જે આમ મહત્વની અને આમ સાવ સામાન્ય છે. એટલે તેની સફાઈ કરવાની વાત મનમાં આવતી જ નથી. ઘરના ફર્નિચરથી માંડીને તમારું વાહન તમે એકમદ ચોખ્ખુ રાખો છો, પરંતુ આ સોનાની થાળીમાં લોઢાની મેખ ત્યારે વાગે છે, જ્યારે આ સરસ મજાના રાચરચીલાંની ચાવી એકદમ ગંદી અને અસ્વચ્છ હોય.
સ્વાભાવિક છે કે સરસ મજાના ફર્નિચરના લોકની કે વાહનની ચાવી જો ખરાબ હશે તો તમારી કાર્યદક્ષતાની કસોટી પણ થવાની. આવું ન થાય એટલા માટે થોડી ચીવટ રાખીને તમારા ઘરના દરવાજા તથા ફર્નિચરનાં લોકની ચાવીઓ એકદમ ચોખ્ખી રાખવી. જેથી ખરાબ ચાવીને લીધે તમારે સંકોચ કે શરમમાં ન મુકાવું પડે.
ચમકતી ચાવીઓનો ઝૂડો જ્યારે કમર પર લટકતો હશે, અથવા તો તમારા મોંઘા ફોર વ્હીલર કે ટુ વ્હીલર જેવી જ ચમકતી તમારી ચાવી હશે, ત્યારે તમારો દમામ પણ એવો જોરદાર જ હોવાનો.
કેવી રીતે રાખશો ચાવીની સંભાળ?
ઘરના દરવાજાની તથા ફર્નિચરની અને વાહનની ચાવીને ભેજવાળી જગ્યાએ ન રાખવી. તેનાથી ચાવીને ભેજ તથા કાટ લાગી જતાં લોક ખોલવામાં ખૂબ મુશ્કેલી થતી હોય છે.
જો ચાવી ક્યારેક પાણીમાં પડી જાય કે વરસાદમાં ભીની થઈ હોય તો પહેલાં તેને ચોખ્ખા રૂમાલથી લૂછીને એકદમ કોરી કરી નાંખવી. અને ત્યાર બાદ તેની પર નાળિયેરનું તેલ લગાવીને મલમલના કપડાથી તેલ ચાવી પર ઘસી લેવું.
સામાન્ય રીતે મોટા ભાગના લોકો ચાવીની સંભાળ બાબતે બેદરકારી સેવતાં હોય છે. પરંતુ જો તમે તમારી ચાવીઓને અઠવાડિયામાં ફક્ત એક વાર ગરમ પાણીથી ધોશો, તો પણ ચાવીઓને લગતી મુશ્કેલી નહીં થાય.
ચાવીને ત્રણેક મહિને લીબું તથા મીઠું ઘસીને ચોખ્ખી કરવી જોઈએ. જેથી તેની પર કાટ ન જામે, જ્યારે પણ આ રીતે ચાવી સાફ કરો, ત્યારે એ ધ્યાન રાખવું જરૂરી છે કે ચાવીઓ બરાબર સૂકાઈને કોરી થઈ જાય.
ઘરની ચાવીઓ પર કાટ લાગી ગયો હોય તો સરકો અને પાણી મિક્સ કરીને તેમાં 17-20 મિનિટ માટે બોળી રાખવી. આટલી વાર બોળી રાખ્યા વિના પછી જ્યારે એવું લાગે કે કાટ સંપૂર્ણપણે નીકળી ગયો છે ત્યારે ચાવીને બહાર કાઢીને કોટન રૂમાલથી લૂછીને કોરી કરી નાંખવી.
તમે ટૂથપેસ્ટની મદદથી પણ ચાવી પર લાગેલો કાટ ઉતારી શકો છો. જૂના બ્રશમાં થોડીક પેસ્ટ લગાવીને તેને ચાવી પર ઘસવું જોઈએ. બ્રશની મદદથી ચાવીને સાફ કરવાથી ખૂણે ખાંચરે જમા થયેલો કચરો સાફ થશે અને ચાવી પર લાગેલો કાટ પણ દૂર થશે.
MP / KP
Reader's Feedback: