Home» Gujarat» Saurashtra Kutch» Heavy rain in saurashtra area

સૌરાષ્ટ્રમાં બારે મેઘ ખાંગા, વ્યાપક વરસાદ

જીજીએન ટીમ દ્વારા | August 03, 2013, 12:06 PM IST

રાજકોટ, જામનગર, ગોંડલ : રાજકોટ સહિત સૌરાષ્ટ્રભરમાં મેઘમાહોલ છવાઈ ગયો છે. બે દિવસથી મેઘરાજા મન મૂકીને વરસવા લાગ્યા છે. આજે પણ છુટાંછવાયા ઝાપટા વરસી રહ્યાં છૈ. ગઈ કાલ બપોર બાદ મેઘરાજાએ જોરદાર એન્ટ્રી કરતાં રાજકોટવાસીઓ ખુશખુશાલ થઇ ગયા હતાં. સાંજ સુધીમાં રાજકોટમાં દોઢ ઇંચ વરસાદ વરસી ગયો હતો અને મોસમનો કુલ 19 ઇંચ જેટલો વરસાદ નોંધાયો હતો.

રાજકોટમાં વરસાદ જાણે લોકોના મનને ભીંજવવા આવ્યો હોય તેવું લાગી રહ્યું છે. ગઈકાલે બપોર બાદ અચાનક મેઘરાજાની ધમાકેદાર એન્ટ્રી થઇ હતી. અવિરત મેઘસવારીથી રાજકોટવાસીઓ ખુશખુશાલ થઇ ગયા હતાં. વરસાદથી રાજકોટના રાજમાર્ગો નદીમાં ફેરવાઈ ગયા હતા.

રાજકોટના મુખ્ય માર્ગો ઉપર પાણી ભરાઈ જતાં રાહદારીઓ અને વાહનચાલકોને ભારે હાલાકીનો સામનો કરવો પડ્યો હતો. રાજકોટમાં સાંજ સુધીમાં દોઢ ઇંચ વરસાદ વરસી ગયો હતો જયારે મોસમનો કુલ 19 ઇંચ જેટલો વરસાદ વરસી ગયો હતો.

ગોંડલનો છાપરવાડી ઓવરફ્લો, ૧૦ ગામો એલર્ટ

સૌરાષ્ટ્રભરમાં શુક્રવારે મેઘરાજા મનમૂકીને વરસી પડ્યા હતા. સમયાંતરે જોરદાર ઝાપટું નાંખી જતાં મેઘરાજાએ ગઇકાલે અવિરતપણે પાણી વરસાવતા સૌરાષ્ટ્રમાં પાણીની સમસ્યાનો અંત આણી દીધો છે. સારા વરસાદને કારણે જયાં જુઓ ત્યાં લીલોતરી અને પાણી જ નજરે પડે છે.

શુક્રવારે પડેલા વરસાદથી ગોંડલ તાલુકાનાં લુણીવાવ નજી આવેલો છાપરવાડી ડેમ-૧ ભયજનક રીતે ઓવરફલો થતાં ડેમ પાસે આવેલા ચરખડી, ત્રાકુડા, દયા સહિત દસ ગામો ભયગ્રસ્ત જાહેર કરી ગ્રામજનોને એલર્ટ કરવામાં આવ્યા છે.

ગોંડલ શહેરની જીવાદોરી સમાન આશાપુરા ડેમ બીજી વખત ઓવરફલો થઇ ગયો હતો. આ ઉપરાંત સેતુબંધ ડેમ પણ ઓવરફલો થઇ ગયો છે. ગોંડલી નદી અને વેરી તળાવમાં ૩ ફૂટ નવા નીરની આવક થઇ છે. ગોંડલ પંથકનાં ડેમ તેમજ ચેક ડેમ ભારે વરસાદમાં ઓવરફલો થતાં લોકોએ ડેમની મુલાકાત લેવા દોટ મૂકી છે.

જામનગર ઉપર મેઘો ઓળઘોળ: વધુ પાંચ ઇંચ

આ વર્ષે મેઘરાજા જામનગર શહેર ઉપર ઓળઘોળ હોય તેમ ગઈકાલે વધુ પાંચ ઇંચ પાણી વરસાવી દીધું હતું, તો જિલ્લાભરમાં પણ ધીમીધારે અડધાથી અઢી ઇંચ પાણી વરસી ગયું છે, ગઈકાલના વરસાદથી ડેમમાં નવા નીરની આવક શરૂ થઇ છે. સાગરમાં બે ફૂટ જયારે કે સપડામાં પોણા ત્રણ ફૂટ પાણી આવ્યું છે.

જામનગરમાં બે દિવસના વિરામ બાદ શુક્રવારે બપોરે મંડાયેલા મેઘરાજાએ ચાર વાગ્યા બાદ અસલ અષાઢી મિજાજ દર્શાવતા બે કલાકમાં જ ત્રણ ઇંચ વરસાદ સાથે રાત સુધીમાં કુલ પાંચ ઇંચ પાણી વરસાવી દીધું હતું. શહેરમાં મૂશળધાર વરસાદના પગલે કેટલાક નીચાણવાળા વિસ્તારો પાણી પાણી થયા હતા.

જામનગરમાં લગભગ પખવાડિયા સુધી હળવા ઝરમર વરસાદી ઝાપટાંના બુધવારથી વિરામ બાદ શુક્રવારે બપોરે ફરી મેઘરાજાની શાહી સવારી આવી પહોંચી હતી. બપોરે લગભગ એક વાગ્યે ધોધમાર શરૂ થયેલો વરસાદ બે વાગ્યા બાદ ધીમો પડ્યો હતો. જો કે, ત્યારબાદ ચાર વાગ્યા પછી ફરી મૂશળધાર વરસાદે બે કલાકમાં જ ત્રણ ઇંચ જેટલુ પાણી વરસાવ્યું હતું. અને મોડી રાત સુધીમાં કુલ 127મીમી એટલે કે પાંચ ઇંચ વરસાદ નોંધાયો હતો.

જામનગર શહેર સાથે સાથે જિલ્લામાં પણ શુક્રવારે ફરી મેઘરાજાએ પુનરાગમન કરતાં સાર્વત્રિક હળવો ભારે વરસાદ વરસ્યો છે. હાલારના સાત તાલુકામાં અડધાથી સાડા ચાર ઇંચ વરસાદ વરસ્યો હતો. કાલાવડ અને લાલપુરમાં મુશળધાર અઢી ઇંચ જેટલો વરસાદ વરસ્યો હતો. જ્યારે ખંભાળિયા-ધ્રોલ અને જામજોધપુરમાં પોણાથી દોઢ ઇંચ પાણી પડ્યું હતું.

લાલપુરમાં સવારે હળવા ભારે ઝાપટાં બાદ સાંજે પોણા પાંચ વાગ્યે શરૂ થયેલા મૂશળધાર વરસાદે એકાદ કલાકમાં જ દોઢ ઇંચ વરસાદ સાથે રાત્રે આઠ વાગ્યા સુધીમાં અઢી ઇંચ જેટલો વરસાદ વરસાવ્યો હતો. જયારે ખંભાળિયામાં બપોરે શરૂ થયેલા વરસાદે રાત્રે આઠ વાગ્યા સુધીમાં બે ઇંચ જેટલુ પાણી વરસાવ્યું હતુ. ગ્રામ્ય પંથકમાં પણ એકથી બે ઈંચ વરસાદના વાવડ મળ્યા છે.

કલ્યાણપુર-ધ્રોલ-ભાણવડમાં અડધાથી પોણો ઇંચ વરસાદ વરસ્યો હતો. જોડિયા અને દ્વારકામાં હળવા ભારે ઝાપટાં યથાવત્ રહેતા દ્વારકામાં પાંચ મિમિ અને કાલાવડમાં અઢી ઇંચ પાણી પડ્યું હતું.

JJ / AI / KP

Reader's Feedback:

blog comments powered by Disqus

Today Cartoon

GGN Voice
 
Radisson

Opinion Poll

 
અરવિંદ કેજરીવાલ વારાણસીમાં મોદી સામે જીતી શકશે ?
હાં. જીતી જશે 79.00 %
નાં. હારી જશે. 20.36 %
કહીં ન શકાય. 0.64 %