જામનગરની સરકારી જી.જી. હોસ્પિટલમાં ઓપરેશન માટે આવતા દર્દીઓ પર જોખમ તોળાય રહ્યું હોવાની ગંભીર હકીકતો સામે આવી છે. હોસ્પિટલના ઓપરેશન થિયેટરમાં એ.સી.ના વાંકે સર્જન દ્વારા ઓપરેશન થિયેટરની બારીઓ ખોલી નાખી ઓપરેશન કરવામાં આવી રહ્યા હોવાની વાતે ભારે ચકચાર જગાવી છે.
જામનગરમાં સૌરાષ્ટ્રની પ્રથમ ક્રમાંકની ગણાતી સરકારી જી.જી.હોસ્પિટલના ડોકટરોને જાણે માનવતા સાથે કંઈ લેવા-દેવા જ ન હોય તેવા આ કિસ્સાએ રાજ્યની સરકારી હોસ્પિટલ્સમાં ચાલતા અંધેર વહિવટને ફરી એકવાર ઉજાગર કર્યો છે.
અત્રે ઉલ્લેખનીય છે કે, મેડીકલ કાઉન્સીલ ઓફ ઈન્ડીયાની ગાઈડ લાઈન મુજબ ઓપરેશન થીયેટર મોડયુલર ટાઈપ અને સેન્ટ્રલી એ.સી. જ હોવા જોઈએ. સેન્ટ્રલી એ.સી ન હોય તો પણ ઓપરેશન થિયેટરમાં એરકંડીશન્ડ હોવા તો ફરજિયાત છે જ. પરંતુ જામનગરની જી.જી.હોસ્પિટલના સર્જીકલ વિભાગમાં ચાલુ કડિયાકામ દરમિયાન દર્દીનું ઓપરેશન કરવાના અહેવાલો પ્રસિધ્ધ થતાં ઓપરેશન થિયેટરને ફરજિયાતપણે હોસ્પિટલના ઈએનટી વિભાગ પાસે ખસેડવામાં આવ્યું હતું. પરંતુ સર્જીકલ વિભાગનું આ ઓપરેશન થિયેટર જ્યાં ખસેડવામાં આવ્યું તે વિભાગમાં એરકંડીશન બંધ થઈ જતાં ફરી ઓપરેશન માટે બાધા સર્જાઈ હતી.
પરંતુ આ એરકંડીશનને રિપેર કરાવવાની કોઈએ તસ્દી ન લેતાં હોસ્પિટલમાં આવતા રેસિડેન્ટ ડોકટર્સ દ્વારા કરવામાં આવી રહેલી મનમાની દર્દીઓના જાન પર જોખમરુપ બની રહી છે. આ ડોકટર્સ દ્વારા ઓપરેશન દરમિયાન ગરમી થતી હોવાના બહાના આપીને ઓપરેશન થિયેટરની તમામ બારીઓ ખોલીને ઓપરેશન કરવાના શરુ કરી દેવાતાં ચકચાર મચી જવા પામી છે.
નોંધનીય છે કે, ઓેપરેશન દરમિયાન સૌથી વધુ ભય ઈન્ફેકશનનો હોય છે. ત્યારે આવી રીતે બારીઓ ખુલ્લી રાખીને કરવામાં આવતા ઓપરેશન વેળાએ કોઈ દર્દી ગંભીર ચેપનો ભોગ બને તેવો ભય ખડો થયો છે.
AI/RP
Reader's Feedback: