Home» Opinion» Society & Tradition» Fine arts faculty baroda

વડોદરાની 'ફાઇન આટર્સ' દેશમાં શ્રેષ્ઠ

Sandhya Bordewekar | July 08, 2012, 12:35 PM IST

વડોદરા :

તાજેતરમાં 18 જુને પ્રસિદ્ધ થયેલા ઈન્ડિયા ટુડે મેગેઝિનના અંકમાં દેશની તમામ વિદ્યાશાખાઓમાં ઉત્કૃષ્ટ કોલેજોનું મૂલ્યાંકન આપવામાં આવ્યું હતું. જેમાં સૌથી સુંદર અને ગૌરવશાળી બાબત એ છે કે ગુજરાતના વડોદરા શહેરની મહારાજા સયાજીરાવ યુનિવર્સીટી (એમએસયુ)ની ફેકલ્ટી ઓફ ફાઈન આર્ટસ આ મૂલ્યાંકનમાં સો એ સો ટકા માર્ક મેળવીને ટોચ પર રહી એટલું જ નહીં પણ તેણે 63.44 સ્કોર પ્રાપ્ત કરનાર મુંબઈની પ્રસિદ્ધ જે. જે. કોલેજ ઓફ આર્ટસને બીજા સ્થાને અને 57.52 સ્કોર પ્રાપ્ત કરનાર શાંતિનિકેતન જેવી પ્રતિષ્ઠિત કોલેજને પાંચમા સ્થાને છોડી દીધી હતી.

આ વાતથી તમે ગૌરવ અનુભવશો, ખરુંને? જો કે તેમ છતાં તમને મનમાં ઉંડે ઉંડે એમ લાગતું હશે કે ફાઈન આર્ટસ ફેકલ્ટી એના વિતેલા ગૌરવશાળી ભૂતકાળની પરંપરા હવે જાળવી શકી નથી. આજે એમ.એસ. યુનિવર્સીટીમાં ખેલાતું ક્ષુલ્લક કક્ષાનું રાજકારણ, આગવી પ્રતિભા ધરાવતા અને તરલ એવા અધ્યાપકોની નિમણૂંકને અવરોધ બને એવા યુજીસીના ભરતીના નિયમો તથા પ્રાંતવાદ અને સમગ્રપણે સામાન્ય દરજ્જાનું વાતાવરણ છવાઈ જાય એવી હરકતોની વિપરિત અસર પરફોર્મિંગ આર્ટસ, ફાઈન આર્ટસ અને સાહિત્ય ઉપર થઈ છે. આ પરિબળો કોઈ અદ્રશ્ય ઉધઈની જેમ યુનિવર્સીટીની અલગ અલગ શાખાઓને અંદરથી કોતરી રહી છે. એમાંથી વડોદરાની ફેકલ્ટી ઓફ ફાઈન આર્ટસ પણ બાકાત નથી. આજે ભારતની ટોચની દસ કોલેજોની યાદી જે પરિસ્થિતિ ખુલ્લી કરે છે એ જોઈને તમને ખરેખર આંચકો લાગશે અને તમે વિચારતા થઈ જશો કે શૈક્ષણિક પરિસ્થિતિ કેટલી હદ સુધી બગડી ગઈ છે. હવે તો આ જાતની રેંકિંગ સૌથી સરસ શૈક્ષણિક સંસ્થા બતાવવાના બદલે સૌથી ઓછી ખરાબ સંસ્થા કઈ છે એ જ બતાવે છે.

પણ જવા દો આ નકારાત્મક વિચારોને જ્યારે વડોદરાની ફાઈન આર્ટ ફેકલ્ટીની ટોચની સંસ્થા તરીકે ગણવામાં આવી છે. આજે જ્યારે ભારતમાં બધે જ શિક્ષણ સંસ્થાઓનું સ્તર નીચે જતું હોય ત્યારે વડોદરાની એક કોલેજને નંબર-1 બનાવવામાં આવે એ ખરેખર આનંદ આપે એવી ઘટના છે.

એવું લાગે છે ફાઈન આર્ટસ ફેકલ્ટીની હવામાં જ કંઈક એવું છે જે કલાના વિદ્યાર્થીઓમાં સુષુપ્ત પ્રતિભાને ધક્કો મારીને જગાડે છે અને તેઓને કંઈક જુદું “જરા હટ કે”, થોડું ઘણું બગાવતખોરીવાળું અને નવા પ્રવાહો સાથે ભળતું કંઈક કરવા માટે પ્રવૃત કરે છે એટલું જ નહીં પણ આ ફેકલ્ટીમાં શિક્ષણ લીધા પછી એ વિદ્યાર્થીએ વડોદરામાં જ રહીને કામ કરવાનું પસંદ કરવા લાગે છે. આ જોતાં આશ્ચર્ય ન થવું જોઈએ કે ભારતના સમકાલીન પ્રખ્યાત કલાકારોમાંના લગભગ 70 ટકા જેટલા લોકોનો ફેકલ્ટી ઓફ ફાઈન આર્ટસ સાથે એક યા બીજી રીતે કંઈક સંબંધ રહે છે અને એ કારણે તેઓ કેટલોક સમય વડોદરામાં રહી ચૂક્યા છે. એથી જ એનું પણ આશ્ચર્ય ન થવું જોઈએ કે લલિત કલા અકાદમીનું વાર્ષિક પ્રદર્શન કે ટીના અંબાણીનો “હાર્મની શો” હોય કે પછી નવી દિલ્હીમાં ત્રિવાર્ષિક કે ભોપાલના દ્વિવાર્ષિક કલાપ્રદર્શનો હોય વડોદરાની ફાઈન આર્ટસ ફેકલ્ટીમાં ભણેલા કલાકારોને ત્યં જ એવોર્ડસ મળતાં જ હોય છે.

શહેરમાં કલાનો નાતો જ્યાં સૌથી વધુ ગાઢ છે એ ફેકલ્ટી ઓફ ફાઈન આર્ટસની સ્થાપના એમ. એસ. યુનિવર્સીટીમાં 1950માં થઈ હતી. જે યુનિવર્સીટીના દ્રષ્ટા અને પ્રથમ કુલપતિ હંસા મહેતાનું માનસ સંતાન પણ છે. તેમણે આર્ટ સ્કૂલનો મજબૂત પાયો નાખવાના હેતુથી વીણી વીણીને પ્રતિભાશાળી શિક્ષકોને નિમણૂંક આપી હતી. આવા શિક્ષકોમાં એન એસ બેન્દ્રે, સાંખો ચૌધરી, કે. જી. સુબ્રહ્મણ્યન, માર્કન્ડ ભટ્ટ સામેલ હતા. આ એવા શિક્ષકો હતા. જેઓ એમના વિદ્યાર્થીઓને જે શિખામણ આપતા તેને તેઓ પોતે પણ અનુસરતા હતા. તેઓએ એમ કરીને હંસા મહેતાએ તેમના પર મૂકેલો વિશ્વાસ સાર્થક સાબિત કર્યો હતો. તેમના દ્વારા જ એ સમયના વિદ્યાર્થીઓમાંથી અનેક કલાકાર-શિક્ષકોની પ્રથમ પેઢી પણ તૈયાર થઈ હતી. જેમાં જ્યોતિ ભટ્ટ, ગુલામમોહમ્મદ શેખ (બાજુની તસવીરમાં) , રતન પરીમૂ, મહેન્દ્ર પંડયા, રજનીકાંત પંચાલ, ફિરોઝ કટપીટીયા, વી એસ પટેલ, વિનોદ શાહ, વિનય ત્રિવેદી, રમેશ પંડયા, રાઘવ કનેરિયા વગેરે સામેલ હતાં. જેઓની પાસે તાલિમ લેનારા વિદ્યાર્થીઓમાંથી પણ અનેક શિક્ષકો બન્યા.

આજે પણ ફાઈન આર્ટસ ફેકલ્ટીને એવા ટીચરો મળતા રહ્યા છે કે જેઓ અગાઉ અહીં પોતે વિદ્યાર્થી રહી ચૂક્યા હોય અને વિદ્યાર્થી-શિક્ષણ રૂપાંતરની પરંપરા પૂરી રીતે અપનાવી હોય. આવા શિક્ષકોમાં સામેલ છે વાસુદેવન અક્કીથમ, બી વી સુરેશ, શશીધરન નાયર, વિજય બાગોડી, ઈન્દ્રપ્રમિત રોય, અકીલ અહમદ, માલતી ગાયકવાડ વગેરે. સુસજ્જ વિભાગો જેવા કે પેઈન્ટીંગ્સ એન્ડ મ્યુરલ, સ્કલ્પચર એન્ડ સીરેમીક્સ, ગ્રાફિક્સ, એપ્લાઈડ આર્ટસ”, મ્યુઝિયોલોજી અને આર્ટ હિસ્ટરી એન્ડ એસ્થેટીક્સ તેમજ લાયબ્રેરી, આર્કાઈવ્ઝ, ઓડિટોરિયમ અને એક્ઝિબિશન ગેલેરી જેવી સહાયક માળખાકિય સુવિધાઓ ધરાવતી આ દેશની કદાચ પ્રથમ કલા સંસ્થા હશે જ્યાં ડોક્ટરેટ ડિગ્રી સુધીના અભ્યાસક્રમો ઓફર કરવામાં આવે છે.

ફેકલ્ટીમાં સૌથી વધુ જે કાર્યક્રમ માટે સૌ કોઈ તત્પર હોય છે એ છે ચાર દાયકાથી પરંપરાગત રીતે યોજાતો ફાઈન આર્ટસ ફેર. આ કલા મેળો અગાઉ દર વર્ષે યોજાતો હતો પરંતુ હવે દર ત્રણ વર્ષે તેનું આયોજન થાય છે. જેથી ચાર વર્ષનો કોર્સ કરનાર દરેક અંડર ગ્રેજ્યુએટ વિદ્યાર્થી એક વખત આ મેળામાં સામેલ થઈ શકે. આ ફાઈન આર્ટસ ફેર ખરેખર તો પ્રો. કે જી સુબ્રહ્મણ્યન અને સાંખો ચૌધરીનું માનસ સંતાન છે. આ બંને પ્રોફેસરો ખુદ જે શાંતિનિકેતનમાં અભ્યાસ કરતા હતા ત્યાં નંદન મેળાનું આયોજન થતું હતું. તેમાંથી વિચાર લઈને વડોદરાની ફેકલ્ટી ઓફ ફાઈન આર્ટસમાં બંને પ્રોફેસરોએ આ મેળાની શરૂઆત કરી. જેમાં પણ વિચાર એ જ હતો કે આસપાસના આમ આદમીઓથી અલગ રહી વિદ્યાર્થીઓ તેમની ઈચ્છા મુજબ કંઈક કરી શકે સાથે અધ્યાપકો પણ એ જુએ અને સમજે કે વિદ્યાર્થીઓ શું કરી રહ્યા છે. ખરેખર તો વિદ્યાર્થીઓ માટે આ કલા મેળો પરીક્ષાકાર્યથી દુર રહેવા માટેની તક સમાન પણ હતો.

આ મેળો યોજાય ત્યારે ફેકલ્ટી અનેક કલાત્મક વસ્તુઓ દ્વારા જાણે જીવંત બની જતી હોય છે. જેમાં સુંદર ડિઝાઈનવાળા લેમ્પ્સ ઉપરાંત ઉપયોગમાં લઈ શકાય એટલી ક્રાફ્ટ અને આર્ટની ચીજો અહીં વેચાણમાં મુકાય છે. જેમાં પેઈન્ટેડ ટેરોકોટાની તાવડીઓ અને ઈનેમલ ટાઈલ્સ, બાંબૂ વર્ક્સ, ગ્લાસ વર્ક, પ્રસિદ્ધ કલાકાર પિકાસોના ચિત્રોની ઝલક બતાવતા પ્રીન્ટેડ વૂડન કી હેંગર્સ/ચાઈમ્સ/કોસ્ટર્સ, વેજીટેબલ ડાય દ્વારા ચિત્રિત વસ્ત્રો અને કાપડ, હળવાં ટીનના પ્રાણીઓની પ્રતિકૃતિઓ, લાકડા અને ટેરોકોટાના બનેલા રમકડાં, ફંકી એરિંગ્સ, નેકલેસ, બ્રેસલેટ અને પેડન્ટસની સાથે મ્યુઝિયમમાં પ્રદર્શિત ચીજોનું પુનઃસર્જન, કાગળના લેમ્પ, સુતળી અને કાપડ અને ફેંકી દેવાયેલી સીડી, કેલેન્ડર્સ અને ગ્રીટીંગ્સ કાર્ડમાંથી બનાવાયેલા લેમ્પ્સ સામેલ હોય છે. આ સિવાય વિવિધ ચિત્રો, શિલ્પો, સીરેમિક અને ટેરાકોટાના વાસણો હોય છે. જેના કારણે સ્થાનિક સંગ્રહકારો અને શહેરની બહારના ગેલેરી માલિકોને પણ એક વખત ફેકલ્ટીના આ મેળામાં એક ચક્કર લગાવવાનું એક બહાનું મળી જાય છે. આ ઉપરાંત મનોરંજન માટે અહીં લાઈવ પર્ફોમન્સ પણ યોજાય છે. જેમાં ફાઈન આર્ટસ નાટક કંપની અને એનીમેશન તથા વિદ્યાર્થીઓ દ્વારા બનાવાયેલી ફિલ્મો ખૂબ લોકપ્રિય બનતી હોય છે.

આ આર્ટ સ્કૂલમાં અભ્યાસ પૂર્ણ કર્યા બાદ ભાગ્યે જ કોઈ વિદ્યાર્થી વડોદરા છોડીને જાય છે. જાણે એમની માતાની નાલ સાથે હજુય બંધાયેલા હોય એ પ્રમાણે અહીં ભણેલા વિદ્યાર્થીઓ તેમની માતૃસંસ્થાના સાંનિધ્યમાં રહી શકાય એટલા માટે શહેરના ફતેહગંજ, નિઝામપુરા અને સમા જેવા વિસ્તારોમાં ઘર અને સ્ટુડિયો શોધતા રહે છે અને વિવિધ આર્ટ શો માટે મુંબઈ અને દિલ્હીની મુલાકાત લેતા રહેતા હોય છે. “ઈન્ડિયા ટુડે”એ કરેલી એક ગણતરી મુજબ લગભગ 1600 જેટલા કલાકારો વડોદરા શહેરમાં રહીને કાર્યરત છે અને શહેરની ધબકતી કોસ્મોપોલિટન સંસ્કૃતિમાં પોતાનું યોગદાન આપે છે.

આવી અનેક બાબતો છે જેના કારણે કદાચ વડોદરાની ફેકલ્ટી ઓફ આર્ટ્સ ભારતમાં કલાના અભ્યાસ માટેની સૌથી મનપસંદ કોલેજ તરીકે સ્થાન પામી છે એટલું જ નહીં પણ જેના સ્થાપક ખુદ કલાગુરૂ રવીન્દ્રનાથ ટેગોર છે એવી શાતિનિકેતન સંસ્થા કે મુંબઈની 150 વર્ષ જુની જે જે કોલેજ ઓફ આર્ટ કરતાં પણ આ ફેકલ્ટી અગ્રેસર રહી છે.

ફાઈન આર્ટ્સ ફેકલ્ટી સંબંધિત વિશેષ ઘટનાઓ

ગાયકવાડ શાસકો દ્વારા સ્થાપિત કલાવંત કારખાના દ્વારા  ફેકલ્ટી ઓફ ફાઈન આર્ટ્સ બનાવવામાં આવી હતી. જેમાં શરૂઆતમાં અનેક જાણીતી હસ્તીઓ જેવી કે દાદા સાહેબ ફાળકે, રવિશંકર રાવલ, સોમાલાલ શાહ અને એમ. કે. કોલ્હાપુર વગેરે અભ્યાસ કરી ચુક્યા છે.

1950માં ફેકલ્ટી સ્થપાયા પછી યુએસએના ફિલાડેલ્ફિયામાં આવેલા બાર્નેસ ફાઉન્ડેશનમાંથી માર્કન્ડ ભટ્ટને આમંત્રિત કરીને તેમને ફેકલ્ટીના પ્રથમ ડીન તરીકે નીમવામાં આવ્યા હતા.

1953માં મુંબઈની જહાંગીર આર્ટ ગેલેરીમાં ફેકલ્ટીના સ્ટાફ અને વિદ્યાર્થીઓના સર્જનોનું પ્રથમ પ્રદર્શન યોજાયું હતું.

1953માં “પૂઅર બોયઝ ફંડ” (ગરીબ બાળકો માટે ફંડ) એકઠું કરવા સ્ટાફ અને વિદ્યાર્થીઓ દ્વારા ટેગોરનું તાશેર દેશ” નાટક પરફોર્મ કરવામાં આવ્યું હતું.

1950ના દાયકામાં ફેકલ્ટીમાં જ ભણીને શિક્ષક બનેલા પ્રસિદ્ધ પ્રીન્ટર, પ્રીન્ટ મેકર અને ફોટોગ્રાફર જ્યોતિ ભટ્ટે સંસ્થાને એક અનોખું યોગદાન આપ્યું હતું. પારંપરિક ગુજરાતી ગરબામાં સંશોધન કરી તેઓએ ગરબાની એક આગવી પદ્ધતિ વિકસાવી અની સાથે જોશપૂર્ણ ગીત-સંગીત સાથે પેશ કરી હતી. આ પદ્ધતિ ગુજરાતમાં ફિલ્મી અસરથી પ્રભાવિત થયેલી ગરબા પદ્ધતિ કરતા સાચા અર્થમાં પરંપરાગત અમીશુદ્ધ સાબિત થઈ હતી. આ આગવી પદ્ધતિ જોવા દેશવિદેશથી લોકો આજે પણ નવરાત્રિના દિવસોમાં ફેકલ્ટીની મુલાકાત લે છે. આશ્ચર્યની વાત તો એ છે કે આ ગરબાઓમાં આપણઆ કાન બધિર કરી દે એવી શક્યતા જ નથી હોતી કારણ એમાં માઈક અને એમ્પ્લીફાયરનો ઉપયોગ જ નથી થતો.

1962માં ભારત-ચીન યુદ્ધ દરમ્યાન “જવાન વેલફેર ફંડ” માટે બીજા ફાઈન આર્ટ મેળાનું આયોજન થયું હતું. તેના પછી એ પ્રથા શરૂ થઈ જેમાં કલાકારો તેમના સર્જનો નિશૂલ્ક આપે અથવા તો તેઓ હરાજીમાંથી મળેલી રકમમાંથી માત્ર 50 ટકા રકમ જ સ્વીકારે છે. આ કલાકૃતિઓના વેચાણથી મળતી રકમ કુદરતી કે માનવસર્જીત આફતોથી ત્રસ્ત લોકોને સહાય કરવા માટે વપરાય છે.

1978માં ફેકલ્ટીના ઈતિહાસમાં પહેલીવાર ઓડિટોરિયમનો આગળનો ભાગ “સીમેન્ટ રિલીફ” પદ્ધતિથી સુસજ્જિત કરવામાં આવ્યો હતો, જેની સંપૂર્ણ ડિઝાઈન વિદ્યાર્થીઓએ પ્રો. કે. જી. સુબ્રહ્મણ્યનના માર્ગદર્શનથી બનાવી હતી.

ફેકલ્ટીને ગૌરવ થાય એવા શિક્ષકો અને પ્રસિદ્ધ કલાકારોને ભારત સરકાર તરફથી રાષ્ટ્રીય બહુમાનથી આજ સુધી સન્માનિત કરવામાં આવ્યા છે. જેમાં 1969માં પ્રો. એન એસ બેન્દ્રે (પદ્મ શ્રી-1969 અને પદ્મ ભૂષણ-1992), 1970માં પ્રો. સાંખો ચૌધરી (પદ્મ શ્રી-1970), પ્રો. કે જી સુબ્રહ્મણ્યમ (પદ્મ શ્રી-1975 અને પદ્મ ભૂષણ-2010), પ્રો. જી એમ શેખ (પદ્મ શ્રી-1984), ભૂપેન ખખ્ખર (પદ્મ શ્રી -1984) (બાજુની તસવીરમાં) અને એલ પી સિહારે (પદ્મ ભૂષણ-1987) સામેલ છે.

મે-2007માં જ્યારે વિદ્યાર્થીઓ દ્વારા વર્ષાંતે પ્રદર્શન યોજાયું તેમાં વિદ્યાર્થી ચંદ્રમોહનની ઘટનાથી ફેકલ્ટી અને કલા સમુદાય હચમચી ગયો હતો. જેની આજે પણ કળ વળી નથી.

 

 

Sandhya Bordewekar

Sandhya Bordewekar

સંધ્યા બોર્ડેવેકર વડોદરા સ્થિત સ્વતંત્ર કલા લેખક અને ક્યુરેટર છે. તેઓ છેલ્લા ૩૦ વર્ષથી કલા અને સંસ્કૃતિક વિષયો પર લખતા આવ્યા છે

More...

 

(નોંધ – ઉપરોકત વિચારો લેખકના પોતાના છે જીજીએન તેની સાથે સહમત છે એમ માની લેવું નહીં.)

 

Reader's Feedback:

blog comments powered by Disqus

Today Cartoon

GGN Voice
 
Radisson

Opinion Poll

 
અરવિંદ કેજરીવાલ વારાણસીમાં મોદી સામે જીતી શકશે ?
હાં. જીતી જશે 80.00 %
નાં. હારી જશે. 19.35 %
કહીં ન શકાય. 0.65 %