Home» Gujarat» Saurashtra Kutch» Dwarka temple related news

દ્રારકા ફુલડોલ મહોત્સવ : ગુજરાતના ખુણેખુણેથી કૃષ્ણભક્તોનું આગમન

જીજીએન ટીમ દ્રારા | March 13, 2014, 06:36 PM IST

જામનગર :

જગત મંદિર દ્વારકાધીશ એ ચારધામ પૈકીનું એક મંદિર છે. દર વર્ષે ફાગણ મહિનામાં ફુલડોલ મહોત્સવની દ્વારકામાં ધામધુમપુર્વક ઉજવણી કરવામાં આવે છે. કૃષ્ણભક્તો ગુજરાતના ખુણેખુણેથી આ મહોત્સવમાં ભાગ લેવા પહોંચી જાય છે તેમાં પગપાળા પહોંચતા ભાવિકોની સંખ્યા પણ મોટી હોય છે. આ વર્ષે પણ ગુજરાત સહિત અન્ય રાજ્યોમાંથી આ ઉત્સવમાં ભાગ લેવા પદયાત્રા એક સપ્તાહથી ચાલુ થઈ ગઈ છે. આ વર્ષે પદયાત્રીઓમાં મોટો વધારો દેખાઈ રહ્યો છે.


દ્વારકાધીશ જગત મંદિરમાં હોળી-ધુળેટીના તહેવાર નિમિતે ઉજવવામાં આવતાં ફુલડોલ મહોત્સવમાં ગુજરાત રાજ્ય ઉપરાંત રાજસ્થાન, ઉતરપ્રદેશ સહિતના રાજ્યોમાંથી નાના બાળકોથી માંડીને મોટેરાઓ હોંશભેર કાળીયા ઠાકરને અબીલ-ગુલાલથી રંગે રમાડવા પગપાળા ઉમટી પડે છે.આ પદયાત્રીઓ ૧૦ કિ.મી. થી લઈને ૧૦૦૦ કિ.મી. સુધીની યાત્રા કરી દ્વારકા ફુલડોલ ઉત્સવમાં ભાગ લેવા આવે છે. અનેક ગ્રામ્ય વિસ્તારોમાંથી કૃષ્ણ ભક્તો ઉમટી રહ્યા છે. આ મહોત્સવ દરમ્યાન લાખો લોકો કૃષ્ણ ભગવાનના દર્શનનો લાભ લે છે અને પુણ્યનું ભાથું બાંધે છે.આ પદયાત્રીઓ સવારના ૭ વાગ્યાથી પગપાળા ચાલવાનું શરૃ કરી દે છે અને રાત્રીના ૧૦ વાગ્યા સુધી કે નિયત કરેલા સ્થળ સુધી ચાલીને ત્યાં રાત્રિના આરામ કરે છે. અને સવારે નિયત સમયે ફરી યાત્રા પ્રારંભ કરી દે છે. જ્યારે દુર-દુર થી આવતાં લોકો સંઘમાં આવે છે. તેમની સાથે એક વાહનમાં ભોજન બનાવવાની તમામ સુવિધા સાથે રાખે છે. આવા સંઘ દુરથી આવતા હોવાથી ૧પ થી ર૦ દિવસેે આ ઉત્સવમાં પહોચતાં હોય છે. આ વર્ષે મોટા પ્રમાણમાં પદયાત્રીઓનો ધસારો જોવા મળી રહ્યો છે.


જામનગર સહિતની અન્ય સેવાભાવી સંસ્થાઓ તેમજ સેવાભાવી માણસો છેલ્લા એક સપ્તાહથી જામનગરથી દ્વારકા સુધી થોડા અંતર ચા-પાણી, નાસ્તા, ઠંડા પીણા, સરબત, આઈસ્ક્રીમના સ્ટોલ ઉભા કરીને વિના મુલ્યે પદયાત્રીઓની સેવા કરી રહ્યા છે. તો વળી અમુક દાનવીરો પોતાના ખર્ચે રસોડા ઉભા કરીને પદયાત્રીઓને ભોજનપ્રસાદ પીરસી રહ્યા છે. આ ફુલડોલ ઉત્સવમાં પદયાત્રીઓ ઉપરાંત બસમાં, વાહનોમાં , પ્રાઈવેટ વાહનોમાં લોકો મોટી સંખ્યામાં ભાગ લેશે.


ગોમતી ઘાટે કડક સુરક્ષા વ્યવસ્થા


 દ્વારકાધીશના સાનિધ્યમાં ઉજવાતા ફૂલડોલ ઉત્સવમાં લાખોની સંખ્યામાં ભાવિકો ઉમટી પડતા હોઈ તંત્ર દ્વારા વ્યવસ્થા ગોઠવવા તડામાર તૈયારીઓ થઈ રહી છે. ઉત્સવ ઉપરાંત ગોમતી ઘાટે સ્નાનનું મહત્વ હોઈ ત્યાં પણ સુરક્ષા વ્યવસ્થા ગોઠવવામાં આવશે. યાત્રાધામ દ્વારકામાં દ્વારકાધીશના સાનિધ્યમાં ઉજવાતા ફૂલડોલ ઉત્સવમાં વર્ષોવર્ષ ભાવિકોની સંખ્યામાં વધારો થઈ રહ્યો છે. આ વર્ષે ચાર લાખથી વધુ યાત્રિકો ઉમટી પડવાનો અંદાજ છે અને તેને ધ્યાન રાખી તૈયારીઓ આરંભાઈ છે. જગતમંદિરે કાળીયા ઠાકોરના શાંતિપૂર્વક દર્શન થઈ શકે તે માટે સ્ત્રી અને પુરૃષો માટે અલગ વ્યવસ્થા કરાશે. ઉપરાંત બે જુતા સ્ટેન્ડ અને સામાન ઘરની વ્યવસ્થા રખાશે. આ ઉપરાંત ગોમતી સ્નાનનું અનેરૃ મહત્વ હોય ફુલડોલ ઉત્સવમાં આવતા યાત્રિકો ગોમતી સ્નાન કરે છે ત્યાં પણ મહિલા પોલીસ તૈનાત કરાશે. સુચારૃ વ્યવસ્થા જળવાઈ રહે તે માટે ડીવાય.એસ.પી. ૩ પી.આઈ., ૮ પી.એસ.આઈ., પ૦ હોમગાર્ડ જવાનો, ૩૦ ગ્રામ રક્ષક દળના જવાનો અને ૧૦ મહિલા પોલીસ તેનાત કરાશે. દ્વારકાના મુખ્ય ત્રણ ચોકમાં ફોર વ્હિલ વાહનોને લઈ જવા પર મનાઈ ફરમાવવામાં આવી છે. આ ઉપરાંત પદયાત્રાના માર્ગમાં પોલીસ મોબાઈલ વાન ફરજ બજાવશે. ફૂલડોલ ઉત્સવ મનાવવા મોટી સંખ્યામાં આવી રહ્યાં છે.


આ પદયાત્રીઓ કદાચીત આવતી કાલથી જ દ્વારકા પહોંચવા લાગશે. મોટી સંખ્યાના પદયાત્રીઓ ભાટીયા-ખંભાળીયા વચ્ચે પહોંચ્યા હોવાથી બે ત્રણ દિવસમાં દ્વારકા આવી પહોંચશે તેવો અંદાજ છે.


AI/RP

Reader's Feedback:

blog comments powered by Disqus

Today Cartoon

GGN Voice
 
Radisson

Opinion Poll

 
અરવિંદ કેજરીવાલ વારાણસીમાં મોદી સામે જીતી શકશે ?
હાં. જીતી જશે 80.92 %
નાં. હારી જશે. 18.61 %
કહીં ન શકાય. 0.47 %