જામનગર જિલ્લા પંચાયતની કારોબારી બેઠકમાં વર્ષ 2014-15ના 383.71 કરોડનું પુરાંતલક્ષી બજેટ સર્વાનુમતે મંજૂર કરવામાં આવ્યું હતું. જિલ્લાના ગ્રામ્ય વિસ્તારોમાં શાળાઓમાં મહિલા શૌચાલય, સ્મશાનની છાપરી, આંગણવાડીનું નિર્માણ સહિતના ઠરાવોને બેઠકમાં બહાલી આપવામાં આવી હતી.
જામનગર જિલ્લા પંચાયતની સાતમી કારોબારી બેઠક સોમવારના કારોબારી સમિતિના અધ્યક્ષ પાલાભાઇ કરમુર, જિલ્લા પંચાયત પ્રમુખ પી.બી. વસોયા, ડીડીઓ અને જુદા-જુદા વિભાગના અધિકારીઓ અને પદાધિકારીઓની ઉપસ્થિતિમાં મળી હતી.
બેઠકમાં માર્ગ મકાન વિભાગ દ્વારા ચાલી રહેલાં માર્ગના કામોમાં મુદત વધારો મંજૂર કરવામાં આવ્યો હતો. જિલ્લા પંચાયતનું વર્ષ 2013-14નું સુધારેલુ અંદાજપત્ર અને વર્ષ 2014-15નું અસલ અંદાજપત્રને બહાલી આપવામાં આવી હતી. વર્ષ 2014-15ના સરકારી ગ્રાન્ટ સાથેના કુલ 383.71 કરોડના અંદાજપત્રમાં 223.16 કરોડની આવક સામે 225.87 કરોડનો ખર્ચ દર્શાવવામાં આવ્યો છે. જયારે 157.84 કરોડની બંધ પુરાંત દર્શાવવામાં આવી છે. બજેટમાં વિકાસકામો સ્મશાન ભઠ્ઠી, સીસી રોડ, આરોગ્ય સહાય વગેરે અંગે મહત્વની જોગવાઇ કરવામાં આવી છે.
બજેટને બહાલી બાદ વર્ષ 2010-11ના વર્ષના ઓડીટ રીપોર્ટના જવાબો મોકલવા, મહેકમ શાખા માટે કોમ્પ્યુટર ઉપકરણની ખરીદી અને તલાટી સહિતની જગ્યાઓની ભરતી પ્રક્રિયા માટે ગ્રાન્ટ મળે ત્યાં સુધી સ્વભંડોળમાંથી પાંચ લાખ પસંદગી સમિતિને આપવાનો ઠરાવ કરવામાં આવ્યો હતો. અંતમાં મહેસુલ કાયદાની કલમ હેઠળ બીનખેતીના સાત કેસને મંજૂર કરવામાં આવ્યા હતાં.ઉપરાંત બાંધકામ, સિંચાઇ વિકાસ શાખા દ્વારા સુચવાયેલા કામો મંજૂર કરી સ્વભંડોળમાંથી રૂા.10 લાખના ખર્ચે ખરીદવામાં આવેલી એમ્બ્યુલન્સનું લોકાર્પણ કરવામાં આવ્યું હતું.
ગ્રામ્ય વિસ્તારોમાં કોઝ-વેના નિર્માણ પર ભાર મૂકાયો
જિ. પં.ની કારોબારી બેઠકમાં અધ્યક્ષ પાલાભાઇ કરમુરે ગ્રામ્ય વિસ્તારોમાં કોઝ-વેની ખૂબ જ જરૂરિયાત હોવાનું જણાવી આ માટે 265 કામોની દરખાસ્ત કરવામાં આવી છે. ત્યારે સરકાર આ કામોને પ્રાથમિકતા આપી મંજૂર કરે તે માટે યોગ્ય કાર્યવાહી કરવા જણાવ્યું હતું. સાથે-સાથે વર્ષ 2012-13ની વર્ષની ગ્રાન્ટ મર્યાદિત હોય બને ત્યાં સુધી કામ ફેરફારની દરખાસ્ત ન કરવા સભ્યોને અનુરોધ કર્યો હતો.
ગ્રામપંચાયતના જર્જરિત મકાનો નવા બનાવાશે
જિલ્લા વિકાસ અધિકારીએ બેઠકમાં બન્ને જિલ્લામાં જે ગ્રામ પંચાયતો મકાન વિહોણી છે તેમજ જેના મકાનો જર્જરીત છે તે ગ્રામ પંચાયતના મકાનો તાકીદે નવા બનાવવામાં આવશે તેમ જણાવ્યું હતું. આ કામો માટે ગ્રાન્ટ પુરતી હોવાનું પણ તેમણે ઉમેર્યું હતું.
AI/RP
Reader's Feedback: