તા.૧૩ થી બોર્ડની પરીક્ષા શરૃ થઈ રહી છે. જામનગર અને દેવભૂમિ દ્વારકા જીલ્લામાં કુલ મળીને ૫૧,૭૩૩ પરીક્ષાર્થીઓ પરીક્ષા આપશે. આ માટે કંન્ટ્રોલ રૃમ શરૃ થયો છે. આ પરીક્ષાને અનુલક્ષીને ર૦ ચેકિંગ ટુકડીઓ કામગીરી બજાવશે. આ પરીક્ષા માટે પરીક્ષા સંચાલકની ઘણી બધી જવાબદારીઓ નક્કી કરવામાં આવી છે.
૧૩ મીથી શરૃ થતી બોર્ડની પરીક્ષા અંગે ઝોલન અધિકારી આશીષ પુરોહીતે વિગતો આપતા જણાવ્યું હતું કે, જામનગર તથા દેવભૂમિ દ્વારકા જિલ્લામાં કુલ ૫૧,૭૩૩ વિદ્યાર્થીઓ પરીક્ષામાં ભાગ લેશે. જેમાં ધો.૧૦ માં ૩૩,૮૦૩ વિદ્યાર્થીઓ અને ધો.૧૨ સામાન્ય પ્રવાહમાં ૧૪૦૦૮ વિદ્યાર્થીઓ છે. જ્યારે બાકીના સાયન્સ પ્રવાહના વિદ્યાર્થીઓ સેમેસ્ટર-૪ માં ૧૮૬૫ તથા સેમેસ્ટર-ર માં ૨૦૫૭ વિદ્યાર્થીઓ છે.
આ બંને જિલ્લા માટે પાંચ સ્થાનિક અને ૧૫ આંતર જિલ્લા સ્કવોડ એમ કુલ ર૦ ચેકિંગ ટુકડીઓ પરીક્ષા સ્થળે ચેકિંગ કાર્યવાહી કરશે. તથા બોર્ડ દ્વારા ગાંધીનગરથી ફ્લાઈંગ સ્ક્વોડ ચેકિંગ કરશે. આ બે જિલ્લા માટે સંયુક્ત રીતે પરીક્ષા કન્ટ્રોલ રૃમ જામનગર નવાનગર હાઈસ્કૂલ ખાતે શરૃ કરાયો છે. જેનો નંબર ૯૨૮૮ ૨૬૭૬૦૪૬ છે. કન્ટ્રોલ રૃમના ઈન્ચાર્જ તરીકે પી.આઈ. ગોસ્વામી ૯૪૨૭૯ ૪૪૧૭૧ તથા એન.એચ.ભુવા ૮૦૦૦૩૮૩૩૮૬ નો સંપર્ક કરવા એક યાદીમાં જણાવાયું છે.
આ પરીક્ષા માટે અધિકારીઓની જવાબદારી નક્કી કરવામાં આવી છે તે મુજબ પરીક્ષા સ્થળે સ્થળ સંચાલકની સંપૂર્ણ જવાબદારી રહેશે. ગેરરીતિ પકડાયે કેસ કરવો, ફરજ પરના કર્મચારી મોબાઈલ ફોન ન રાખે, ફરજ પરના મામલતદાર, પ્રાંત અધિકારી કે ડીવાય.એસ.પી. કક્ષાના અધિકારી પરીક્ષા કેન્દ્રની મુલાકાત-અવલોકન, પરીક્ષા સ્થળે ફરિયાદ કે સુચના પેટી રાખવી, સી.સી.ટી.વી.કેમેરાનો ઉપયોગ, તેનું રેકોર્ડીંગ, જ્યાં કેમેરા ન હોય ત્યાં લેપટોપ દ્વારા રેકોર્ડીંગ વગેરે જોવાનું રહેશે. આ પરીક્ષામાં ખંડ નિરીક્ષકોને ડ્રો પધ્ધતિથી બ્લોક ફાળવવામાં આવશે.ખોડ ખાપણવાળા વિદ્યાર્થીઓ માટે બિલ્ડીંગના ભોંય તળીયે વ્યવસ્થા ગોઠવવાની રહેશે. દરેક સંકૂલોમાં માર્ગદર્શન કેન્દ્રો, કાઉન્સેલીંગ સેન્ટરો ખોલવામાં આવશે. તેમજ વાલીઓ-વિદ્યાર્થીઓ ખોટી અફવા તથા ગેરરીતિઓથી દુર રહે તેવું વાતાવરણ સર્જવાની અપીલ કરવામાં આવી છે.
ગામથી છ કિલોમીટર દૂર પરીક્ષા કેન્દ્ર
ખંભાળિયામાં ધો. ૧૦ ના ૫૧૦ વિદ્યાર્થીઓનું પરીક્ષા કેન્દ્ર ગામથી છ કિલોમીટર દુર આર.એમ. વારોતરીયા શાળામાં રખાયું છે. આ સ્થળે વિદ્યાર્થીઓને પરીક્ષા આપવા આવવા-જવા માટે દરરોજના રૃ.૧૦૦ થી ૧૨૦ રિક્ષા ભાડાના ખર્ચવા પડશે. દેવભૂમિ દ્વારકા જીલ્લાના શિક્ષણ કચેરીના મ.શિ.નિરીક્ષક કિશોરભાઈ મેસવણીયાને પૂછતા તેઓએ જણાવ્યું હતું કે, માધ્યમિક શિક્ષણ બોર્ડ દ્વારા આ વ્યવસ્થા ગોઠવવામાં આવી છે. આ સ્થળે પરીક્ષા કેન્દ્ર રખાતા અન્ય સ્થળેથી ર્ફિનચર લઈ આવવું પડશે. અધુરામાં પુરૃ સવારે પરીક્ષા સમયે આ શાળાએ પહોંચવાના તમામ રસ્તાઓ પર રેલવે ફાટક આવે છે. જે સવારે ટ્રેન નિકળતી હોય મોટાભાગે બંધ હોય તો વિદ્યાર્થીઓને હાલાકી ઉભી થશે. ખંભાળિયામાં નગરપાલિકા સંચાલિત દા.સી. બિલ્ડીંગ છે તેનો ઉપયોગ કરાયો હોત તો આટલે દુર પરીક્ષા કેન્દ્ર ન રાખવું પડત તેવું વાલીઓ જણાવી રહ્યાં છે. ગામથી ઘણે દુર પરીક્ષા સ્થળ રખાતા વાલીઓમાં વિરોધનો સુર જાગ્યો છે.
AI/RP
Reader's Feedback: