જામનગર શહેરના ઐતિહાસિક રણમલ તળાવના બ્યુટીફિકેશનના મુદ્દે લોકરોષ ચરમસીમાએ પહોંચ્યો છે ત્યારે આ બાબતે એનજીઓ ઈન્ટેક દ્વારા તળાવના ડેવલપમેન્ટ પ્રોજેક્ટ રિપોર્ટ સંદર્ભે કેટલાંક સવાલો ઉઠાવવામાં આવ્યા છે.
ઈન્ટેકે સૂચિત કર્યા અનુસાર, રણમલ તળાવ 'વેટ લેન્ડ કન્ઝર્વેશન એન્ડ મેનેજમેન્ટ રૃલ્સ'ની વ્યાખ્યામાં આવે છે અને આ વ્યાખ્યામાં આવતા સ્થળોએ જાયન્ટ વ્હીલ, મ્યુઝિકલ ફુવારા, બોટીંગ માટેની જેટી, ઘાટના નિર્માણથી વેટ લેન્ડને કાયમી નુકસાન થતું હોય પ્રતિબંધ ફરમાવવામાં આવ્યો છે.
આમ છતાં, નિયમોની ઐસી તૈસી કરીને લાખોટા બ્યુટીફિકેશનના નામે તળાવનું નૈર્સિગક સૌંદર્ય હણી લેવા માટે મહાપાલિકાના સત્તાધીશો ઉતાવળા બન્યા છે.
જામનગર રણમલ તળાવ બ્યુટીફિકેશન પ્રોજેક્ટ આ ઐતિહાસિક વિરાસતના મૂળભૂત અસ્તિત્વ માટે કેટલો ગંભીર છે તે અંગે ઈન્ટેક દ્વારા વિગતવાર માહિતી આપવામાં આવી છે. ઈન્ટેક દ્વારા જણાવવામાં આવ્યું છે કે રણમલ તળાવના ડેવલપમેન્ટ પ્રોજેક્ટ રિપોર્ટમાં જે-જે તળાવોના કેસ સ્ટડીઝનો ઉલ્લેખ કરવામાં આવ્યો છે તે બધાં કરતાં રણમલ તળાવની ભૌગોલિક પરિસ્થિતિઓ તદ્દન ભિન્ન છે. કેસ સ્ટડી પૈકીના કોઈપણ તળાવમાં રણમલ તળાવ જેટલા પક્ષીઓ આવતાં નથી.
શહેરની મધ્યમાં હોવા છતાં દેશ-વિદેશના અનેકવિધ પક્ષીઓએ રણમલ તળાવને વિહાર માટે પ્રાધાન્ય આપ્યું છે, જે ખરેખર અદ્ભૂત છે. વળી કેસ સ્ટડીમાંના ઘણાં તળાવ બ્યુટીફિકેશન બાદ તેનું મૂળભૂત અસ્તિત્વ ગુમાવી ચૂક્યા છે. ત્યારે જામનગરની આ ઐતિહાસિક ધરોહર એ જામનગરનું હૃદય છે. તેની સાથે કોઈ ચેડાં ન થવા જોઈએ.વળી, ડી.પી.પ્લાન મુજબ અહીં ઝોન-ર બર્ડ સેન્ચુરી-પક્ષી અભયારણ્ય દર્શાવાયું છે, ત્યારે તેનાથી ખૂબ નજીક ઝોન-૧ની અંદર અને આજુબાજુ એમ્ફી થિયેટર, જાયન્ટ વ્હીલ, મ્યુઝિકલ ફાઉન્ટેન, લેઝર લાઈટીંગ વગેરેથી પક્ષી અભયારણ્યને નુકસાન પહોંચવાનો ભય છે.
આ ઉપરાંત, લાખોટા કોઠો ગુજરાત રાજ્ય પુરાતત્વ વિભાગની આરક્ષિત સાઈટમાં આવે છે અને તેના કોઝ-વે (બંને પુલ) પણ પુરાતત્વ વિભાગ હસ્તક જ છે. તેની આજુબાજુ ૧૦૦ મીટર સુધી કંઈ પણ બાંધકામ કરવાની મનાઈ છે.ત્યારે આ જ વિસ્તારમાં જાયન્ટ વ્હીલ, ઘાટ, બોટીંગ જેટી, મ્યુઝિકલ ફાઉન્ટેનની મંજૂરી મળી હોય તો તે ગેરકાયદાકિય અને રદ્ થવાને પાત્ર છે. તળાવની પાળ એ જામનગરવાસીઓ માટે પ્રાકૃતિક સૌંૈદર્ય માણવા માટેનું એકમાત્ર સ્થળ હોય, આ પ્રણાલી નિઃશુલ્ક તથા સમય પાબંદી વિના જ ચાલુ રહે તે ઈચ્છનીય છે.
વળી, તળાવમાં મોટરબોટોને બદલે પેડલબોટનો ઉપયોગ જ સમજભર્યો છે, જેથી તળાવમાંના જળચર અને વનસ્પતિઓનું પણ સંરક્ષણ થઈ શકે અને તળાવને પ્રદૂષિત થતું અટકાવી શકાય.
ઈન્ટેક દ્વારા રજૂ કરવામાં આવેલા ઉપરોક્ત મુદ્દાઓ બ્યુટીફિકેશનના મામલે જીદે ચડેલી મહાપાલિકાના સત્તાધીશોની આંખ ઉઘાડશે ખરા? તેવો સવાલ અસ્થાને નથી જ.
AI/RP
Reader's Feedback: